Comments

અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની નથી

જે રાહુલ ગાંધી પંજાબ નથી સંભાળી શકયા અને સામે ચાલીને ત્યાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ કરી છે તે ગુજરાત કોંગ્રેસ માટે કેવુંક મહામંથન કરશે? કોંગ્રેસની સ્થિતિ દેશના કોઇ રાજયમાં સારી નથી અને જે રાજયમાં સારી છે તે ત્યાંના નેતાઓના કારણે છે યા હતી. જેમ કે પંજાબમાં કેપ્ટન અમરિંદરને કારણે સારી સ્થિતિ હતી તો રાજસ્થાનમાં અશોક ગેહેલોતને કારણે છે. જોકે ત્યાં પણ સચિન પાયલટ સાથેની ચણભણને રાહુલ કે સોનિયા સંભાળી શકતા નથી. મધ્યપ્રદેશમાંથી આદિત્યરાજે સિંધીયાને પંજાબમાંથી કેપ્ટનને ગુમાવ્યા તેમજ રાજસ્થાનમાં પણ પાયલટને ગુમાવી શકે છે. તે સોનિયા – રાહુલ કઇ રીતે ગુજરાત કોંગ્રેસમાં નવી શકિત ભરી શકશે?

વિત્યા શુક્રવારે એટલે કે બે દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓનું ધાડુ દિલ્હી પહોંચ્યું હતું. આ ધાડામાં એક ડઝન જેટલા નેતાઓ હતા અને કોંગ્રેસ પાસે જે કાંઇ ગુજરાત ખાતેની મૂડી છે તે આ જ નેતાઓ છે. તેઓ વચ્ચે સતત તાણાતાણ રહે છે. બધાએ જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ થવું છે કારણકે એના સિવાય અન્ય કોઇ મોટુ પદ તેમને મળે એવું નથી. મુખ્યમંત્રી થવાના સપનામાં અનેક કોંગ્રેસીઓને ધોળા આવી ગયા છે. કહે છે કે ૨૬મી ઓકટોબરે રાહુલ ગાંધી નવી નિમણુંકોની જાહેરાત કરશે.

હકીકતે ગુજરાત કોંગ્રેસે પોતે જ સંપ કરવાની જરૂર છે બાકી રાહુલ તેમને નેતૃત્વ આપી શકે તેમ નથી પણ ગુજરાતનાં કોંગ્રેસીઓ એવું કરી શકે તેમ નથી. તેમણે હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણીને ઉમેરી વધારે સંઘર્ષ ઊભો કર્યો છે. હકીકતે આ બન્ને યુવા નેતાઓ પાસે પણ એકલા રહે તો કોઇ ભવિષ્ય નથી એટલે કોંગ્રેસ તરફ આંખ કરી છે. પણ દિશાહીન કાફલામાં તેઓ ઉમેરાયા છે. તે બન્નેનું સિનિયર નેતાઓ સાંભળે એમ નથી.

તો થશે શું? શકિતસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બનવાની સ્પર્ધામાંથી હટી ગયાનું કહેવાય છે એટલે ફરી ભરતસિંહ સોલંકીનું નામ ચર્ચામાં છે. કોંગ્રેસ એ પત્તાને વારંવાર ચીપે છે જેનાથી તેઓ આજ સુધી બાજી હારતા આવ્યા છે. રાહુલ કાંઇ જાદુ કરીને નવા તેજસ્વી નેતા શોધી શકે તેમ નથી કારણકે તેમના પોતાનામાં જ કોઇ તેજ નથી અને ગુજરાત કોંગ્રેસ પાસે જે થોડા ઘણા નેતા બચ્યા છે તે એટલે બચ્યા છે કે તેઓ ભાજપમાં જઇ શકે તેમ નહોતા. ‘આપ’ની સ્થિતિ સુધરી રહી છે એવું લાગતાં ઘણાનું મન તે તરફ હતું પણ હવે તો એ દિશામાં પણ અંધકાર છે. એટલે ‘જૈસે થે’ની સ્થિતિમાં જ રહેવાનું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ એવો તો કેવો ચમત્કાર કરશે કે ગુજરાતનાં મતદાતા તેમને મત આપે?

રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરવી પડી છે કારણકે તેઓ સમૂહમાં બોલવા જાય તો તેમની એકતા ખૂલી પડી જાય. હવે તેઓ દિવાળી પછી ચિંતન શિબિર પણ યોજવાના છે. હકીકતે તેમણે ચિંતા શિબિર યોજવી જોઇએ. અત્યારે જે નામોની ચર્ચા છે તેમાં ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વીરજી ઠૂમર, અમિત ચાવડા વગેરે છે. તેઓ કઇ મોટી તોપ ફોડે તેવા છે તે ખબર નથી. મધુસુદન મિસ્ત્રી, અર્જૂન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ જેવા નામો પણ છે.

ખબર નહિ આમાંથી કોણ પ્રદેશ અધ્યક્ષ થશે પણ જે થશે તે કોંગ્રેસને એક રાખી શકશે? થોડી વધુ બેઠકો જીતવા જેવી કરી શકશે? મુખ્ય સવાલ તો એ જ છે બાકી પ્રદેશ અધ્યક્ષ તો બહુ બદલાયા પણ કશું થયું નથી. વિધાનસભા ચૂંટણીમાં તેઓ પરિણામકારક પ્રદર્શન કરી શકતા નથી અને આ વખતે પણ કરે એવું દેખાતું નથી. ઠીક છે, તેઓ આ બધું કરે પણ મુખ્ય વાત તો તેઓ વિરોધ પક્ષ તરીકે વધુ સક્ષમ બનવાનું વિચારે. તેમને શાસક પક્ષ બનવાની બહુ ઉતાવળ છે જે હમણાં કરવા જેવી નથી. તેઓ શાસક હતા તે પણ અત્યારે તો ભુલી જવા જેવું છે. કોઇ જયોતિષને બતાવ્યા વિના પણ કહી શકાય કે તેમની ગ્રહદશા સુધરે એમ નથી. પક્ષ તરીકે જેટલા છે તે સમજીને રહે તો ય ઘણું બાકી વધારે વિચારવા જેવું નથી.
– બ.ટે
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top