Columns

કેશ રિઝર્વ રેશિયો (CRR) કેમ મહત્ત્વનો છે?

રિઝર્વ બેન્કના ગવર્નરે અચાનક રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો (CRR )માં વધારો કર્યો, તેને કારણે શેરબજારમાં ધરતીકંપ થયો હતો અને સેન્સેક્સમાં 1,307 પોઈન્ટનો ઘટાડો થઈ ગયો હતો. આ સમાચાર વાંચીને કોઈને પણ વિચાર આવે કે રેપો રેટમાં 40 બેઝિક પોઈન્ટનો અને  CRRમાં 50 પોઈન્ટનો વધારો કરવાને કારણે એવો તો શું ઉલ્કાપાત મચી ગયો કે સેન્સેક્સમાં 1307 પોઈન્ટનો ઘટાડો થયો અને રોકાણકારોની મૂડીમાં 6.27 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો? વળી CRRમાં માત્ર 50 બેઝિક પોઈન્ટ કે અડધા ટકાના વધારાથી એવો તે ક્યો ફરક પડી ગયો કે દેશના અર્થતંત્રમાંથી 87,000 કરોડ રૂપિયા ઓછા થઈ જશે? તે સમજવા માટે આપણે રેપો રેટ અને CRR નો કેવો પ્રભાવ અર્થતંત્ર પર પડે છે? તે સમજવાની કોશિશ કરવી પડશે.

આપણા બધાની સામાન્ય સમજ એવી છે કે આપણે બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝીટમાં કે સેવિંગ અકાઉન્ટમાં જે રૂપિયા મૂકીએ છીએ, તેનો ઉપયોગ બેન્કો લોન આપવા માટે કરતી હોય છે. આ લોન પર્સનલ લોન, હાઉસિંગ લોન કે વેહિકલ લોનના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. જો બેન્કમાં આપણે જેટલી ડિપોઝીટ મૂકી હોય તે બધી રકમ બેન્ક લોન તરીકે આપી દે તો બેન્ક પાસે કોઈ રૂપિયા જ રહે નહીં. જો ગ્રાહક પોતાનાં ખાતાંમાંથી રૂપિયા ઉપાડવા જાય તો તેણે ખાલી હાથે પાછા ફરવું પડે અને તેનો બેન્કમાં વિશ્વાસ જ ઊઠી જાય. આવું ન બને તે માટે બેન્કે તેમાં મૂકવામાં આવેલી ડિપોઝીટના અમુક ટકા રૂપિયા ફાજલ રાખવા પડે છે, જે ગમે ત્યારે ગ્રાહકને આપી શકાય. આ રૂપિયા પર જ બેન્કનો રોજિંદો વહેવાર ચાલતો હોય છે. આ ફાજલ રૂપિયાને ટેક્નિકલ ભાષામાં કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે.

ભારતની બધી બેન્કોનું નિયમન કરવાનું કામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યું છે. બેન્કો માટેના નીતિનિયમો પણ રિઝર્વ બેન્ક જ બનાવે છે. રિઝર્વ બેન્ક દ્વારા તમામ બેન્કો માટે 4%નો કેશ રિઝર્વ રેશિયો નક્કી કરવામાં આવ્યો હતો. અર્થાત્ જો કોઈ બેન્ક પાસે 100 કરોડ રૂપિયા ડિપોઝીટના રૂપમાં આવે તો તે બેન્ક તેમાંના માત્ર 4 કરોડ રૂપિયા પોતાની પાસે રાખીને બાકીના 96 કરોડ રૂપિયા લોન તરીકે આપી શકે છે. બેન્કિંગ ક્ષેત્રનો દાયકાઓનો અનુભવ કહે છે કે લોકો જેટલા રૂપિયા બેન્કોમાં જમા કરાવતા હોય છે, તેના મહત્તમ 4% જ કઢાવવા આવતા હોય છે. જો એક સાથે 4%થી વધુ રૂપિયા પાછા માંગવા લોકો આવી જાય તો બેન્ક મુશ્કલીમાં મgકાઈ જાય.

કેશ રિઝર્વ રેશિયોમાં માત્ર ૦.50 ટકાનો વધારો કરવાને કારણે દેશના અર્થતંત્રમાં મંદી કેવી રીતે આવી જાય? મોંઘવારી કેવી રીતે ઘટી જાય? તે પણ સમજવા જેવું છે. ભારત સરકારના આંકડાઓ મુજબ 2022ના માર્ચમાં ભારતની બેન્કોમાં કુલ 174 લાખ કરોડ રૂપિયા ડિપોઝીટના રૂપમાં હતા. આ રૂપિયા મારા-તમારા જેવા મધ્યમ વર્ગના નાગરિકો દ્વારા વ્યાજની આવક માટે મૂકવામાં આવ્યા હતા. 2022માં કેશ રિઝર્વ રેશિયો 4%નો હોવાથી રિઝર્વ બેન્કના નિયમ મુજબ આ 174 લાખ કરોડ રૂપિયા પૈકી બેન્કોને 6.96 લાખ કરોડ રૂપિયા અનામત રાખવા પડતા હતા. બાકીના 167.04 લાખ કરોડ રૂપિયા તેમણે લોન તરીકે આપી દીધા હતા.

હવે જો કેશ રિઝર્વ રેશિયો 4% ટકાથી વધારીને 4.50% કરવામાં આવે તો બેન્કોને અનામતના રૂપમાં 7.83 લાખ રૂપિયા રાખવા પડે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્કો દ્વારા 87,000 કરોડ રૂપિયા વધારાના રાખવા પડે. તેટલા રૂપિયાની લોન તેણે કમ કરવી પડે. આ રીતે કેશ રિઝર્વ રેશિયોમાં જો 0.50 ટકાનો વધારો કરવામાં આવે તો ચલણમાંથી 87,000 રૂપિયા પાછા ખેંચાઈ જાય છે. તેટલી લોકોની ખરીદશક્તિ ઘટે છે, જેને કારણે મોંઘવારી પણ ઘટવી જોઈએ. કેશ રિઝર્વ રેશિયોનો ઉપયોગ મોંઘવારી વધારવા કે ઘટાડવા માટે થઈ શકે છે.

જો 4%ના કેશ રિઝર્વ રેશિયોનો વિચાર કરીએ તો બેન્કો ગ્રાહકોની ડિપોઝીટને જોખમમાં મૂકીને પોતાની કમાણી વધારી રહી છે. ગ્રાહકોના 100 રૂપિયા પૈકી જે 96 રૂપિયાની લોન આપવામાં આવે છે તે 100% સલામત હોતી નથી. તેની 10% ટકાથી લઈને 50% લોન જોખમી હોય છે. બેન્કોનો જે નોન પર્ફોર્મિંગ એસેટ (NPA)ગણવામાં આવે છે તે હકીકતમાં ઉદ્યોગપતિઓને આપવામાં આવેલી અને ડૂબી ગયેલી લોન હોય છે. વર્તમાનમાં બેન્કો દ્વારા જાહેર કરવામાં આવેલો NPA લગભગ 8% છે. મતલબ કે બેન્કમાં લોકો દ્વારા જે 100 રૂપિયા મૂકવામાં આવ્યા છે, તે પૈકીના 8 રૂપિયા તો ડૂબી ગયા છે. બેન્કો તેના 92% જ ચૂકવી શકે તેમ છે. આ 92% પણ આપવામાં આવેલી લોનના રૂપમાં હોય છે. હકીકતમાં બેન્કો દ્વારા સાચો NPA પણ છુપાવવામાં આવતો હોય છે. બેન્કોનો ખરો NPA 25%ની નજીક હોવાનું માનવામાં આવે છે.

ભારતની બેન્કો અત્યારે જો ચાલતી હોય તો તે ગ્રાહકોના વિશ્વાસ પર જ ચાલતી હોય છે. ગ્રાહકો દ્વારા તેમાં જેટલા રૂપિયા મૂકવામાં આવ્યા છે, તેમાંના 25% ડૂબી ગયા છે, તેવી જાણ થાય તો બેન્કોની બહાર ગ્રાહકોની લાઈન પોતાના રૂપિયા ઉપાડવા લાગી જાય. બેન્કો તાત્કાલિક 4% રૂપિયા જ ચૂકવી શકે તેમ હોવાથી જો ગ્રાહકો 10% રૂપિયા પણ પાછા લેવા આવે તો બેન્ક તે રૂપિયા પાછા આપી શકે નહીં. જો 6% રૂપિયાના ગ્રાહકો રૂપિયા લીધા વિના પાછા જાય તો બીજા 60% રૂપિયાના માલિકો રૂપિયા લેવા આવી જાય અને બેન્કને ઉઠમણું જાહેર કરવું પડે. ભારતના લોકો જે દિવસે બેન્કિંગ સિસ્ટમની ખામી સમજી જશે તે દિવસે બેન્કિંગ સિસ્ટમનો ધબડકો થઈ જશે. આ કારણે જ બેન્કો જ્યારે આફતમાં આવી જાય ત્યારે સરકાર તેને આર્થિક મદદ કરીને ઉગારી લેતી હોય છે.

Most Popular

To Top