Columns

તૂટેલા ટુકડાઓ

એક મોટા સ્ટોરમાં એક વૃદ્ધ મહિલા એકલી શોપિંગ માટે આવી આમ તો તંદુરસ્ત હતી અને ધીમે ધીમે એક હાથે શોપિંગ ટ્રોલીને ધક્કો મારતા મારતા અને બીજા હાથે પોતાની જરૂરીયાતની વસ્તુઓ તેમાં મુકતા જતા તે શોપિંગ કરી રહી હતી.અચાનક તેનું બેલેન્સ ગયું અને તેની ટ્રોલી કાચના કપરકાબી,ડીનર સેટ અને શો પીસ મુક્યા હતા તે રેક સાથે અથડાઈ અને આ અથડામણને કરને ધડ ધડ અવાજ સાથે મોટાભાગની કાચની વસ્તુઓ જમીન પર પડીને ટુકડે ટુકડા થઈ ગઈ.બધા ત્યાં ભેગા થઇ ગયા.થોડીવાર માટે વૃદ્ધ મહિલાને તો ખબર જ ન પડી કે શું થયું.

પછી પોતાની ભૂલ સમજતા તે જમીન પર વાંકા વળીને તૂટેલા કાચના ટુકડાઓ ઉપાડવા લાગી.ત્યાં જ અવાજ સાંભળીને ઉપરના માળ પરની પોતાની કેબીનમાંથી સ્ટોરના મેનેજર દોડી આવ્યા અને તરત મામલો સમજી લીધો અને પેલી વૃદ્ધ મહિલાની પાસે જઈને ધીમેથી તેમને કાચના ટુકડા ભેગા ન કરવા સમજાવ્યુ અને હાથ પકડી ટેકો આપી ઉભા કર્યા.વૃદ્ધ મહિલા એકદમ ક્ષોભ અનુભવતા હતા;તેમને ધીમેથી માફી માંગતા પૂછ્યું, ‘સોરી સર, મારે આ તૂટેલા કાચના સામાનના કેટલા રૂપિયા ભરવા પડશે???’મેનેજર હસ્યા એક ખુરશી મંગાવી વૃદ્ધ મહિલાને બેસાડ્યા,પાણી આપ્યું અને પછી કહ્યું, ‘મેડમ, તમે ચિંતા ન કરો અમારા સ્ટોરના બધા સામાનનો વીમો છે અમારી પાસે ..એટલે તમારે એકપણ રૂપિયો ભરવો નહી પડે.

વૃદ્ધ મહિલાને હાશકરો થયો તેણે વારંવાર સ્ટોરના મેનેજરનો આભાર માન્યો.અહીં વાત પૂરી થાય છે પણ હવે આગળ વિચારવાનું છે મારે અને તમારે…..વિચારો કે આ દુનિયા એક મોટો સ્ટોર છે અને આ દુનિયાનો મેનેજર છે ઉપરવાળો એટલે કે આપણો ભગવાન….અને તે હંમેશા આપણી સાથે આમ જ કરે છે અને જીવન વહેતું રાખે છે.આપણાથી જીવનમાં ઘણી ભૂલો થાય છે અને ઘણા જાણીજોઈને પાપકર્મ પણ થાય છે.આપણા સપનાઓ પણ તૂટે છે,ઈચ્છાઓ પણ અધુરી રહે છે અને દિલ પણ તૂટે છે.અને આપણા વર્તનથી આપણે પણ ઘણીવાર બીજાના દિલને તોડવાનું ;તેમને દુઃખ આપવાનું કર્મ કરીએ છીએ.

જીવનના તોફાનોમાં માં આપના મન,મગજ,હદય,આત્મા પર અનેક હુમલાઓ થાય છે..ઘા પણ પડે છે..જીવન પળભરમાં જાણે ભાંગીને ભુક્કો થઈ ગયું તેવું લાગે છે ત્યારે યાદ રાખજો આપણી પાસે પણ એક વીમો છે તે વીમો છે ઈશ્વર કૃપા —પ્રભુના આશિષ…જયારે તમે આ દુનિયાના મેનેજર ભગવાનને સર્વસ્વ માની તેમની પાસે સાચા દિલથી તમારી ભૂલો અને પાપો કબુલ કરી ખરા દિલથી માફી માંગશો ત્યારે તે અચૂક માફ કરી દેશે. અને આપના જીવનના, દિલના, સપનાઓના તૂટેલા ટુકડાઓના વીમા રૂપે પોતાની કૃપા વરસાવી કઇંક નવું ભેટ આપશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top