Columns

ગુરુ તેગ બહાદુરનો જન્મોત્સવ શીખોને રિઝવવા ભાજપાની આકરી મથામણ કેટલી લેખે લાગશે?

હમણાં તો આપણા દેશમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કોમી રમખાણો થયાં, સિતારાઓએ લગ્ન કર્યાં, બ્રિટીશ વડા આપણા દેશને આંગણે પધાર્યા, સાહેબ પણ આમ તેમ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે વગેરે વગેરે. આ બધાની વચ્ચે એક મોટી ઉજવણી થઇ રહી છે જેની પૂર્ણાહુતિ આજે, રવિવારે પાણીપતમાં થશે. શીખોના ગુરુ તેગ બહાદુરની 400 મી જન્મ જયંતીની બે દિવસની મોટીમસ ઉજવણીની જાહેરાત કેન્દ્ર સરકારે કરી. આ ઉજવણી કેમ આટલી મોટી અને અગત્યની? કોણ હતા આ ગુરુ તેગ બહાદુર? આ ઉજવણી મોટી એટલા માટે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ પ્રસંગે ગુરુવારે રાત્રે સંબોધન કર્યું. 

મોદી દેશના એવા પહેલા વડા પ્રધાન છે જેમણે સૂર્યાસ્ત પછી આ મુગલકાળની ઇમારત પછી સંબોધન કર્યું છે. તેમણે આ સંબોધન લાલ કિલ્લાની લૉન પરથી કર્યું.  ગુરુ તેગ બહાદુરની જન્મ જયંતીની ઉજવણીના પર્વ માટે લાલ કિલ્લાને પસંદ કરાયો કારણ કે અહીંથી જ મુગલ બાદશાહ ઔરંગઝેબે ઇસ 1675 માં શીખોના ગુરુ તેગ બહાદુરની હત્યાનો હુકમ આપ્યો હતો. આ દાવો સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ  કર્યો છે. લાલ કિલ્લાની ઇમારત પર ચઢીને દેશને સંબોધવાની ઘટના માત્ર સ્વતંત્રતા દિવસ પર જ બને છે.  15 ઑગસ્ટ સિવાય લાલ કિલ્લા પરથી વડા પ્રધાનનાં સંબોધનો ક્યારેય થયાં નથી. આ પહેલાં વડા પ્રધાન મોદીએ જ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકાર ઘડવાના 75 મા વર્ષે , 2018 માં લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને સવારે 9.00 વાગ્યે સંબોધન કર્યું હતું. બીજી વખત શીખ ગુરુના સન્માન માટે પરંપરા અને નિયમોથી અલગ જઇને વડા પ્રધાને કાર્યક્રમ યોજ્યો.

આ તોતિંગ ઉજવણી પાછળનાં કારણો ઘણાં છે. તે તમામ સમજતાં પહેલાં તેગ બહાદુર વિશે થોડું જાણીએ. તેગ બહાદુરનો જન્મ અમૃતસરમાં ૨૧ મી એપ્રિલે ઇ.સ. 1621 માં થયો હતો. બાળપણમાં ત્યાગમલના નામે જાણીતા તેગ બહાદુરે મોટા થતી વખતે ભાઇ ગુરદાસ સાથે સમય ગાળ્યો. તેમની પાસેથી ગુરુમુખી, હિંદી અને સંસ્કૃત ભાષાઓ, ભારતીય ધાર્મિક ફિલસુફીની તાલીમ લીધી. તેર વર્ષની ઉંમરે મુગલ સેનાપતિ સામેની લડાઇમાં બહાદુરી દાખવી અને તેગ બહાદુરનું નામ મેળવ્યું. શીખોમાં ચોથા ધર્મગુરુ રામ દાસ પછી આ ગુરુપદ વારસામાં મળવા માંડ્યું. 

દંતકથા અનુસાર તેગ બહાદુરના ભત્રીજા ગુરુ પદ પર બેસવાના હતા પણ પાંચ વર્ષની વયે મરણ પથારી પરથી તેમણે બાબા બકાલાને આગલા ગુરુ બનાવવાની વાત કરી.  બકાલામાં ઘણા શીખો ધર્મ અધ્યાત્મનું પાલન કરતાં, તેગ બહાદુર ત્યારે બકાલામાં પોતાના ઘરના ભોંયરામાં ધ્યાન ધરતા. નવા ગુરુ કોને બનાવવાની અસમંજસ ચાલતી રહી હતી કારણ કે બકાલામાં દાવેદારોની લાઇન લાગી હતી. આ તરફ માખન શાહ નામના તવંગર શેઠિયાએ દરિયાઇ તોફાનમાં ફસાયેલું પોતાનું જહાજ બચે તો જે ગુરુ હોય તેને ૫૦૦ સોનામહોર આપવાની જાહેરાત કરી, જહાજ બચ્યું પણ ગુરુ કોણ?

તેણે કહ્યું કે જે પોતાની પ્રાર્થનામાં કેટલી સોનામહોરોની વાત હતી તે કહી આપશે તે સાચો ગુરુ? તેગ બહાદુરે આ આંકડો કહી આપ્યો અને આમ તે શીખોના ગુરુ બન્યા. ઔરંગઝેબના કાળમાં તેગ બહાદુરે પીર અને ફકીરોની દરગાહ પર થતી બંદગીને વખોડી. તેગબહાદુર ત્યારે પોતાનો ઉપદેશ આપવા પ્રવાસ પણ ખેડતા. આ દરમિયાન પંજાબમાં મુગલોનો ત્રાસ વધતાં ગુરુ પાછા ફર્યા અને મુગલ વડાઓએ લોકોનું ધર્માંતરણ કરવાને બદલે પહેલાં ગુરુનું ધર્માંતરણ કરવું જોઇએ ની હાકલ નાખી. ઔરંગઝેબને આ પોતાની સામેનો પડકાર લાગ્યો. એક પુસ્તક અનુસાર તેગ બહાદુર પોતે દિલ્હી ગયા હતા, ત્યાં તેમની ધરપકડ થઇ અને શારીરિક ત્રાસ આપ્યા બાદ ચાંદની ચોકમાં તેમના ત્રણ સાથીદારો સાથે તેમનો વધ કરાયો. આ પછી તેગ બહાદુરના ગુરુ ગોબિંદ સિંઘ શીખોના દસમા ગુરુ બન્યા.

તેગ બહાદુરે ઔરંગઝેબ સામે માથું ઉચક્યું હોવાની વાતને કેન્દ્ર સરકારે ઘૂંટી છે. ધ્રુવીકરણની રાજનીતિમાં કાબેલ સરકારે શીખોને મનાવવા માટે આકાશ પાતાળ એક કર્યા છે. પંજાબ વિધાનસભામાં ભાજપાને માત્ર બે બેઠકો મળી છે તે બતાડે છે કે શીખો ભાજપા વિશે શું અભિપ્રાય ધરાવે છે. એક આખું વર્ષ ચાલેલા ખેડૂત આંદોલનમાં શીખોને ભારે હાલાકી વેઠવી પડી. કૃષિ કાયદા પણ કેન્દ્ર સરકારે પાછા ખેંચ્યા ત્યારે ગુરુ નાનક જયંતી હતી અને ત્યારે પણ વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને આ જાહેરાત કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ચાર દિવસ પહેલાં મોદીએ દિલ્હીમાં પોતાના નિવાસ પર શીખ બૌદ્ધિકો સાથે ખાસ બેઠક યોજી હતી. ભગત સિંહની મૃત્યુ તિથિ ટાણે હરિયાણાની ભાજપા સરકારે બસો ભરીને યુવાનોને ભગત સિંહના માદરે વતનનો પ્રવાસ કરાવ્યો હતો. મોદીએ ગુરુ ગોબિંદ સિંઘના દીકરાઓની શહીદી ઉજવવા વીર બાળ દિવસ પણ જાહેર કર્યો.

ભાજપા પ્રત્યે શીખોનો અભિગમ ઠંડો રહ્યો છે. મોદી મેનિયાનો શીખો પર બહુ પ્રભાવ પડ્યો નથી. અકાલી દળે પણ ખેડૂતોના મામલે ભાજપાને ટેકો આપવાનું બંધ કર્યું હતું. ભાજપા શીખોને રીઝવવા તત્પર છે. પરંતુ આ કામ ઉજવણીઓ, યાત્રાઓ, મીટિંગોથી પાર પડે તેમ નથી. આરએસએસના હિંદુ ઓળખ એજન્ડા સામે શીખોને વાંધો છે. ભૂતકાળમાં આરએસએસએ જ્યારે શીખોના ધર્મને લગતી બાબતોને આગળ કરવા ઠેકડો માર્યો છે ત્યારે અકાલ તખ્તે શીખોને સંઘથી ચેતવ્યા છે. અકાલ તખ્તને લાગ્યું હતું કે સંઘને મૂળે તો શીખ માન્યતાઓ પર સંઘનો સિક્કો મારવાની ચાહ છે. ૨૦૧૯ માં આરએસએસના વડા મોહન ભાગવતે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરેલું ત્યારે અકાલ તખ્તે સંઘ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. અકાલ તખ્તે આરએસએસ સામે જાહેર કરેલા વાંધાઓને પગલે શીખોને ભાજપા પર પૂરેપૂરો વિશ્વાસ ક્યારેય નથી બેસવાનો તે વાસ્તવિકતા છે, ભલે ને સંઘ પોતાની પાંખ શીખ સંગત દ્વારા પ્રયત્નો કરે.

વળી જ્યારે વડા પ્રધાનની સુરક્ષાને મામલે પંજાબમાં લોચા પડ્યા હતા ત્યારે શીખો પર પણ પ્રહારો થયા હતા. સોશ્યલ મીડિયા પર ખાલિસ્તાન, કોંગ્રેસીઓ અને પાકિસ્તાનનું પણ નામ લેવાયું હતું. આ તરફ ખેડૂત પ્રદર્શનોમાં ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીઓનું લેબલ પણ આપવામાં આવ્યું હતું અને 1984 નાં રમખાણો જેવા હાલ થશે ની ધમકી પણ અપાઇ હતી. ઉત્તર પ્રદેશથી ભાજપાના એક એમએલએ દ્વારા જ આવા વિધાનો કરાયા હતા.  જમણેરી મીડિયા હાઉસિઝે શીખ નેતાઓના ઉગ્ર ભાષણોને સતત સ્ક્રીન પર ઘૂંટ્યા હતા. શીખોને વારે વારે નારાજ રાયા હોય પછી ભાજપાએ મલમ પટ્ટા કરવા જ રહ્યા.  મોટી ઉજવણીઓ પાછળના કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ ભૂલી ન જાય તે જરૂરી છે.

Most Popular

To Top