Gujarat

બર્ડ ફ્લુ: વાલોડમાં વધુ ૭ અને રાજપીપળામાં છ કાગડાના મોત,જાણો શું છે કારણ?

: વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની દહેશત વચ્ચે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. સુરતથી પશુરોગ અન્વેષણની ટીમ મૃત પક્ષીઓનાં સેમ્પલો લઈ ગયાને હાલ ૨૪ કલાકથી વધુ સમય થઈ ગયો છતાં હજું સુધી મોતનું સાચુ કારણ જાણવા નિષ્ફળ રહી છે.

ત્યારે બીજા દિવસે શનિવારે વાલોડમાંથી વધુ ૭ કાગડા મૃત હાલતમાં મળી આવતાં મૃત કાગડાઓનો આંકડો ૨૫ પર પહોંચતા સ્થાનિકો ભયભીત છે. માંગરોળ તાલુકાના કોસંબા પાસેના હથોડા ગામની ભાગોળે આવેલા એક મરઘાના પોલ્ટ્રી ફોર્મમાં બે-ત્રણ મરઘા તેમજ કેટલાક મરઘીનાના બચ્ચા અચાનક મરી જતા જે ઘટના બાબતે કેટલાકે હોબાળો મચાવી બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી સરકારી તંત્ર દ્વારા આ વાતને સમર્થન મળ્યું નથી કે તંત્ર દ્વારા હજી રેકોર્ડ ઉપર કોઈ નોંધ લેવામાં આવી નથી.

નર્મદા જિલ્લામાં રાજપીપળા LIC ઓફિસ પાસેથી 6 કાગડાના શંકાસ્પદ મોતને લઈને પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયું છે. જો કે મૃત 6 કાગડાના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા છે, એ રિપોર્ટ આવ્યા બાદ એમના મોત બર્ડ ફલૂ ને લીધે થયા છે કે અન્ય કારણોસર એ જાણી શકાશે.

વાલોડ પોલિસ સ્ટેશન નજીક માત્ર ૧૦૦ મીટરનાં અંતરે જ સ્થાનિકોને શનિવારે સવારે સાતેક કાગડા મૃત હાલતમાં જોવા મળતાં આ ઘટનાની ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. સ્થળ મુલાકાત લઈ આ ઘટનાંથી વાલોડનાં પશુ ચિકિત્સક ડૉ. રાધા પાઢેરને વાકેફ કરાતાં તેઓ ઘટનાં સ્થળે દોડી આવ્યાં હતા. જો કે આ કાગડાઓ ના મોતને વધુ સમય થઈ ગયો હોય ડૉ. રાધા પાઢેરનાં જણાવ્યા મુજબ કોહવાયેલ હાલતમાં મળી આવેલા આ કાગડાઓની મૃત બોડીનાં સેમ્પલો લઈ શકાય તેમ ન હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ તમામ મૃત કાગડાઓની અંતિમ વિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

છેલ્લા બે દિવસમાં કુલ ૨૫ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૭ પંખીઓ કોઈ ગંભીર રોગનાં કારણે મોતને ભેટી ચુક્યા છે પરંતુ વન વિભાગ કે પશુ ચિકિત્સક આ રોગનું કારણ જાણવાં હાલ નિષ્ફળ રહ્યુ હોય ત્યારે સ્થાનિકો બર્ડ ફ્લુ રોગની આશંકાને પગલે ભારે દહેશતમાં છે. શુક્રવારે વિરપોર કોલેજનાં પટાંગણ બાદ બીજા દિવસે શનિવારે વાલોડ પોલિસ સ્ટેશન થી માત્ર ૧૦૦ મીટરનાં જ અંતરે મૃત હાલતમાં મળી આવેલા આ સાતેક કાગડાઓનાં કોઈ ભેદી સંજોગોમાં મોતને પગલે બર્ડ ફ્લુની આશંકાને પગલે જિલ્લા પશુ ચિકિત્સકની ટીમે હાલ જરૂરી સર્વેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

કાગડાના મોતનું કારણ જાણવા હજું અઠવાડિયા જેટલો સમય લાગશે: વાલોડ પશુચિકિત્સક
બોક્ષ: વિરપોર કોલેજમાંથી ત્રણેક મૃત કાગડાની બોડીનાં સેમ્પલના અભ્યાસ અર્થે સુરત પશુરોગ અન્વેષણની ટીમ શુક્રવારે સુરત લઈ ગઈ છે. તેઓનું આજરોજ ટેલિફોનિક સંપર્ક સાધી રોગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સેમ્પલો ભોપાલ મોકલ્યાં હોય મોતનું કારણ જાણવા હજું અઠવાડિયા જેટલો સમય થાય તેમ છે, એમ વલાડો પશુચિકિત્સક ડો. રાધાબેન પાઢેરે જણાવ્યું હતું.

કાગડાના મોત શંકાસ્પદ: બર્ડ ફલૂથી મનુષ્યને તકલીફ પડી હોય કે જીવ ગયો હોય એવો કોઈ દાખલો નથી: નર્મદા જિલ્લા નાયબ પશુ નિયામક
નર્મદા જિલ્લામાં છ કાગડાના અચાનક મોત થતાં હાલ પશુપાલન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં આવેલ પાંચ પોલટ્રી ફાર્મમાં ચેકીંગ કરી જરૂરી સૂચના આપવામાં આવી રહી છે. રાજપીપળામાં ચિકન સેન્ટરો પર પણ જરૂરી સાવધાની રાખવાની સૂચના આપી રહી છે. નર્મદા જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો.જીગ્નેશ દવેએ જણાવ્યું હતું કે બર્ડ ફલૂ રોગ સૌથી વધુ મરઘીમાં જોવા મળતો હોય છે, જો કોઈ બીમાર મરઘી દેખાય અને એનામાં કલગી ફૂલી જવી, મોઢામાંથી લાડ પડવું સહિતના લક્ષણો વાળી મરઘીને અલગ રાખી જરૂરી સાવચેતી રાખવામાં આવે એવી સૂચના પશુપાલન વિભાગની ટીમે આપી છે.

નર્મદામાં બર્ડ ફલૂનો એક પણ કેશ નથી. હાલ 6 કાગડાના મોતને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યા છે. આ મૃત કાગડા રાજપીપળા LIC ઓફિસ પાસેથી મળી આવ્યા હતા. ત્યાંની આજુબાજુમાં ચિકન સેન્ટરો ઘણા છે એટલે શક્ય છે કે આ ચિકનના જે વેસ્ટ બહાર ફેંકવામાં આવે તે કાગડાઓએ ખાધા હોય અથવા એવી શક્યતા પણ છે કે આ ચીકન વેસ્ટ ઘણો સમય પડી રહ્યો હોય અને તેમાં ફૂગ આવી ગઈ હોય તો એવો ખોરાક ખાઈ જતા ફૂડ પોઈઝનિંગ પણ થયું હોય. પણ ક્યારેય બર્ડ ફલૂને કારણે મનુષ્યને તકલીફ પડી હોય કે જીવ ગયો હોય એવો આજ દિન કોઈ દાખલો નથી.

પારડીમાં કાગડાને વાયરલ ઇન્ફેક્શન, સારવાર શરૂ
પારડી : શનિવારે પારડી દમણીઝાંપા રતન રાઈસ મિલની બાજુમાં મકાનની સામે એક શંકાસ્પદ વાયરસનો ભોગ બનેલા કાગડાની હાલત ગંભીર દેખાતા સ્થાનિકોએ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી. જેને પગલે તેમણે પારડીના પશુ ચિકિત્સક મહિલા ડો. ચેરીને જણાવતા પશુ ચિકિત્સકની ટીમે ઘટના સ્થળ પર પહોંચી કાગડાની પ્રાથમિક સારવાર કરતા વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાયું હતું. બાદમાં વન વિભાગના આરએફઓ કે.એન. પટેલની ટીમ આવી પહોંચી અતુલ ચણવઈ વન વિભાગમાં કાગડાને સુપ્રત કર્યો હતો. સમગ્ર ઘટનામાં હાલ ચાલી રહેલા બર્ડ ફલૂના પક્ષીઓના મોતને પગલે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કાગડાની હાલત જોતા તબીબે પણ વાયરસનો ઇન્ફેક તેમજ ઇજા પણ થઇ હોવાનું જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top