Dakshin Gujarat

નેશનલ હાઇવે-48 પર સુરતથી ભરૂચ તરફની લેનમાં વાહનોની કતારો, 12 કિલોમીટર લાંબો ચક્કાજામ

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ (Rain) બાદ નેશનલ હાઇવે-૪૮ ઉપર ખરોડ નજીક બ્રિજની કામગીરીને કારણે ફરી ૧૨ કિલોમીટર લાંબો ચક્કાજામ જોવા મળ્યો છે. ચોમાસાના પ્રારંભે સર્જાયેલી ટ્રાફિકજામની (Traffic) સમસ્યા ફરી ઓવરબ્રિજની કામગીરી અને ખાડાઓને લઇ વિકરાળ બની છે. આ ઉપરાંત ઓવરબ્રિજની ચાલતી કામગીરી અને ડાયવર્ઝન વચ્ચે વાહનચાલકોની હાલાકી ચક્કાજામ વચ્ચે બેવડાઈ ગઈ હતી.

અંકલેશ્વરના ખરોડ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ફરી વાહનોની કતારો વચ્ચે ચક્કાજામ સર્જાયો છે. મુલદ ટોલ ટેક્સથી ખરોડ સુધી ઓવરબ્રિજની કામગીરી અને ઠેર ઠેર ખાડાના કારણે સુરતથી ભરૂચ તરફની લેનમાં વાહનોની કતારો ખડકાઈ ગઈ હતી. હાઇવે પર ૧૨ કિલોમીટર સુધી ચક્કાજામના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી અટવાયાં હતાં. બે દિવસથી વરસતા અતિ ભારે વરસાદના વિરામ વચ્ચે તંત્રને કોઇ જ પ્રકારની કામગીરી કરી ન હતી. બુધવારે સવારથી સાંજ સુધી ખરોડ ઓવરબ્રિજની ચાલતી કામગીરી અને ડાયવર્ઝન વચ્ચે વાહનચાલકોની હાલાકી ચક્કાજામ વચ્ચે બેવડાઈ ગઈ હતી. ખરોડ હાઇવે ઉપર ચાલતી કામગીરીને લઈ હાઇવે ઉપર અગાઉ પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. ત્યારે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પારડીમાં મેઘરાજાનું જોર ઘટતા પાણીનું વ્હેણ ઓછું, પણ હાઈવે ઉપર પાણીનો ભરાવો
પારડી : પારડીમાં આજે મેઘરાજાનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ નદી નાળાઓ ઉભરાયા હતા. તોફાની સ્વરૂપે વહી રહેલા નદીનાળાઓ શાંત પડતા નાના પુલ ઉપર ફરી વળેલા પાણી હવે ઓસરી ગયા હતા. પારડી પારનદીનો નાનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. તેમજ હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બંદર રોડ તરફ જવાનો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો હતો. જે આજે વરસાદ ઓછો પડતા પારનદીનો નાનો બ્રિજ અને બંદર રોડ પરથી પાણી ઉતરી જવા પામ્યા હતા. જોકે વરસાદ ઓછો છતાયે ચંદ્રપુર વલ્લભાશ્રમ સામે નેશનલ હાઇવે નંબર 48 પર પાણીનો ભરાવો થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ પણ અહીં વરસાદી પાણી ભરાતા પોલીસે ડંડા વડે પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. જોકે હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે ફરી ચંદ્રપુર હાઇવે પર પાણીનો ભરાવો થતા લોકો તોબા પોકારી ઊઠ્યા છે. હાઇવે ઓથોરિટી આ સમસ્યાનો નિકાલ કરે એવી વાહનચાલકોમાં બુમ ઉઠી છે.

Most Popular

To Top