Comments

સાવધાન રહો ને જાણકાર બનશો તો સાયબર ક્રાઈમથી બચશો

જેમ જેમ કોમ્પ્યુટર પ્રકારનાં ડિજીટલ ઉપકરણોનો વપરાશ વધતો જાય છે તેમ તેમ તેને લગતા ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે. જો કે ખૂન, લૂંટ, ચોરી પ્રકારના ગુનાઓ કરતાં સાઇબર ક્રાઇમની કાર્યપદ્ધતિ (મોડસ ઓફ ઓપરેંડી) સાવ જુદા પ્રકારની છે. આથી જ તો વર્ષ ૨૦૨૪માં એકલા ભારતમાં ૨૩ લાખથી વધુ ઓનલાઇન ફ્રોડ નોંધાયા છે. ૮૫% થી વધુ આર્થિક કારણો સાથે સંકળાએલા ગુનાઓ વરચ્યુઅલ સિસ્ટમથી થતા હોય. પોલીસ વિભાગ પણ મહદ્ અંશે સહાનુભૂતિ અને ગુમાવેલ રકમ પરત આવશે તેવા અધિકારો આપવા સિવાય કંઇ વધુ મદદ કરી શક્તો નથી.

કોઇ અજ્ઞાત નામ અને સ્થળથી એક નાના સીમકાર્ડ અને મોબાઇલ પ્રકારના સાધનથી ભલા-ભોળા માણસની નબળાઇને હેક કરીને તેના બેંક એકાઉન્ટમાં ઘૂસીને પૈસાની ઉઠાંતરી કરનાર દેખીતા ચાલક પણ માણસાઇથી પરવારી ગયેલાં યુવકોની આજે ભરમાર વિકસી છે ત્યારે ઇન્ટરનેટ વાપરતી પ્રત્યેક વ્યક્તિએ જ હવે આર્થિક સાક્ષરતા અપનાવવી જરૂરી બને છે. પ૦ના દાયકામાં અમેરિકામાં જાણીતી બનેલ માફિયા વોર દરમિયાન હથિયારના જોરે ગુંડાઓ ઉદ્યોગ ધંધાના માલિકોના કાયદેસરનાં નાણાં અસામાજિક કાર્યો માટે ઉઠાવતાં આવા જ હેતુ માટેની પ્રવૃત્તિ આજે સાઇબર ક્રાઇમ તરીકે વિકસી છે.

પ્રથમ નાગરિકોને ઇ-મેઇલ કે ટેકસ મેસેજથી મોટાં ઇનામોની લાલચ આપી જાણીતી કંપનીઓના સ્કેન કરેલા લોગો વાપરી લાલચમાં ફસાવી દેવામાં આવે છે. યુવા વયને સાયબર પોર્નોગ્રાફીથી ફસાવવામાં આવે છે તો ઇન્જીનિયરીંગ, ડોક્ટરી, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને સિવિલ વર્કનાં શિક્ષણ તેમજ ડીઝાઇનના અભ્યાસો સાથે સંકળાએલ વિદ્યાર્થીઓને સોફ્ટવેર પાયરસીની જાળમાં ફસાવી દેવામાં આવે છે.

આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે પછી ચૂંટણી કાર્ડ જેવી વ્યક્તિની અંગત માહિતી બેંક, પોસ્ટ અને સરકારી વિભાગોના લાલચુ કર્મચારીઓ થોડા લાભ માટે વહેંચી નાખે છે. તેથી સાયબર ગુનેગારો તમારાં નામ-ગામ-ઉંમર, જાતિ અને કુટુંબીજનોની ઓળખ જેવા આત્મિક સંબંધો આગળ ધરી વ્યક્તિગત હિતનો રંગ પાથરવામાં સફળ રહે છે. અનેક કિસ્સાઓમાં મોબાઇલ પર લાંબી-લાંબી વાતો અને ઓનલાઇન ચેટીંગ કરનારના પીસમાં આસાની હેકર્સ દ્વારા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી નાખવામાં આવે છે. આથી વાયરસ પછીથી કોમ્પ્યુટરના બેક ગ્રાઉન્ડમાં કાર્યરત રહે છે. ઓફીસના ટેબલ પર પડી રહેલ લેપટોપ, ફોનના ઉપયોગથી સાયબર ટેરેરીઝમ અને વેબસાઇટ હેક થવાની ફરિયાદો વધી રહી છે.

વર્ષ ૨૦૧૧ સુધી વ્યક્તિલક્ષી સાયબર ક્રાઇમ હવે સલામી એટેના નામથી સામુહિક રીતે સીસ્ટમ ઉપર વાર કરી રહ્યો છે. ઉદાહરણ રૂપે બેંકમાં ૮% વ્યાજ તરીકે રૂા. ૧૦૦.૨૬ પૈસા જમા થવાની જગ્યાએ ર૬ પૈસા ઓછા જમા થશે. રોકાણકાર આવી ભૂલ સહજ રીતે નજરઅંદાજ કરી દે છે. પણ ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોમાં એક જ દિવસમાં કરોડો ધારકોના સંદર્ભમાં આ રકમ અબજોમાં જતી રહે છે. સાઇબર બુલીંગ દ્વારા શાળામાં કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓમાં હતાશા તેમ વિશિંગ પ્રકારના વાયરસથી ઓન લાઇન ખરીદીનો આધાર લેનાર કરોડો સ્ત્રીઓમાં કોઇ એક પ્રોડકટ કે કંપની માટે નબળો અભિપ્રાય તૈયાર કરી તેનું વેચાણ બજારને ઠેકાણે કરવાનું કાર્ય પણ સાયબર ક્રિમિલ્સ કરી રહ્યાં છે.

બિહારના એક નાનકડા ગામ જામતારા; નામથી જ કાસ્ટ થએલ વેબ સિરિઝમાં પોતીકી ભાષા, કામુક અને લાલચની ભાષામાં ફસાવવામાં આવતાં વૃદ્ધો, નેતાઓ, યુવકો, ગૃહિણીઓના અનેક કિસ્સાઓ દર્શાવાયા છે. પરંતુ જમીની દુર્દશા એ રહે છે કે આધારકાર્ડની ફોટો કોપી આપનારથી લઇ જથ્થાબંધ સીમકાર્ડ વેચનાર સાથોસાથ બેંક, પોલીસ અને ચુંટાએલા નેતાઓની છત્રછાયામાં યુવકો માઇલો દૂરથી સાયબર ક્રાઇમ સફળ રીતે યોજી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે વિસ્તરેલા સાયબર ક્રાઇમને નાથવો અનિવાર્ય છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાના રાજય સ્તરીય નિયમો આખા દેશમાં અમલી કરવાનું મુશ્કેલ છે. તેમ રાષ્ટ્રીય નિયમો આંતરરાષ્ટ્રીય સરહદો તોડવા ટૂંકા પડે છે.

આ વાસ્તવિક્તા વચ્ચે હવે મોબાઇલ, કોમ્પ્યુટર પ્રકારની વરચ્યુઅલ સેવા વાપરનારે જ જાતે કાળજી લેવી પડશે જેવી કે અલગ અલગ મેઇલ કે ઓન લાઇન શોપિંગ એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરો, પાસવર્ડમાં આંકડા, એ ટુ ઝેડ(આલ્ફાબેટ) અને સ્પેશ્યલ કેરેક્ટર જેવા કે, <>!@#$%^&*() નો તથા અપર કેસ-લોઅર કેસનો એક સાથે અચૂક ઉપયોગ કરવો. તમારી જન્મતારીખ, જન્મસ્થળ, વાહન નંબર, મોબાઇલ નંબર જેવી સાર્વજનિક બાબતોનો પાસવર્ડ તરીકે ક્યારેય ઉપયોગ કરવો નહીં.

કોમ્પ્યુટરમાં હંમેશા લાયસન્સ એન્ટી-વાયરસ સોફટવેર સાથે એન્ટીસ્પાયવેર સોફટવેર પણ ઇન્સ્ટોલ કરવો અને તેને નિયમિત કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ અથવા સોફ્ટવેરમાં આપેલી લીંક પરથી જ અપડેટ કરવો. ઓન લાઇન બેન્કીંગ અથવા ઓન લાઇન શોપિંગ હંમેશા તમારા વિશ્વસનીય પીસી પરથી જ કરવું. ક્યારેય પણ પબ્લીક પીસી/સાયબર કાફે / અજાણ્યા પીસીથી કરવું નહીં. સોશ્યલ નેટવર્કીંગ વેબસાઇટ્સ પર ક્યારેય સાચી વિગતો કે અસલ ફોટાઓ મૂકવા નહીં.

એક વાત ખાસ યાદ રાખો કે, વિશ્વની કોઇ પણ બેન્ક ક્યારેય પણ પોતાનાં ખાતેદારોને ઇ-મેઇલ દ્વારા પાસવર્ડ કે એકાઉન્ટની સીક્યુરીટી અપડેટ કરવા જણાવતી નથી. જેથી ક્યારેય પણ મેઇલમાં આવેલી અજાણી લીંક પર કલીક કરવું નહીં. વિશ્વમાં ક્યારેય પણ કોઇ મફત આપતું નથી માટે લકી ડ્રો કે અઢળક ઇનામના લલચામણા મેઇલ કે ટેકસ મેસેજનો રીપ્લાય આપવો નહીં. જો તમોએ કોઇ વિશ્વસનીય વેબસાઇટ પરથી પણ ઓન લાઇન શોપીંગ કરવાનો આગ્રહ રાખવો. તમારી બેન્ક કઇ ગાઇડલાઇન અપનાવી રહેલ છે તેની રૂબરૂમાં મુલાકાત લઇ વિગત મેળવો, એ.ટી.એમ. મશીન પર પીન નંબર દાખલ કરતી વખતે તમારા એક હાથનું કવર બનાવી જે

હાથે પીન નંબર દાખલ કરતા હોય તેને ઢાંકી રાખે.
આજ કાલ યુવાન સ્ત્રીઓને પણ સ્ટોકીંગ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. ધર્મ વિરુદ્ધની પરિસ્થિતિમાં ફસાવી દેવામાં આવે છે. આવા બ્લેક મેઇલથી બચવા જે નંબરો પરથી કોલ્સ કે મેસેજ આવતા હોય તે નોંધી રાખો. તેવા નંબરોને બ્લોક કરી નાખો, તમારો ગુસ્સો કે તમારો કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ સ્ટોકરની હિંમત વધારશે. માટે તેના ઇ-મેઇલ, ટેકસ મેસેજ કે અન્ય સંદેશાઓનો જવાબ ન આપો, હંમેશા ભીડભાડવાળા વિસ્તારમાંથી આવવા-જવાનું પસંદ કરો, શંકા પડયે તમારા વડીલો કે ભરોસાના મિત્રને જાણ કરો, સ્થિતિ વણસતી જણાય તો તુરત જ પોલીસને જાણ કરો, તમારો ફોન નંબર બદલી જૂનો નંબર ચાલુ રાખો અને તેમાં સ્ટોકર તરફથી આવતા મેસેજીસ સેવ રાખો જેથી પોલીસને તપાસમાં મદદરૂપ થાય.

તમારા સોશ્યલ નેટવર્કીંગ એકાઉન્ટનું ફ્રેન્ડલીસ્ટ ચકાસી તેમાં ભળતાં નામવાળાં મિત્રોની યાદી બનાવો અને તે પૈકીનાં સાચાં અને ભરોસાનાં મિત્રથી ખાતરી કરો કે, તેના જ નામવાળી પ્રોફાઇલ તેની જ છે કે અન્ય અજાણ્યા વ્યક્તિની.ભારત સરકારનું ગૃહ મંત્રાલય મોબાઇલ-ધારકોને સતત ચેતવી રહી છે. રીઝર્વ બેન્ક પણ અમિતાભ જેવી ખ્યાતનામ વ્યક્તિને આગળ રાખી કહે છે ‘‘જાણકાર બનો, સર્તક રહો’’. આમ છતાં ન કરે નારાયણ અને સાઇબર ક્રાઇમમાં ફસાઇ જઇએ તો ખ્યાલ રહે, જો આપને કોઇ ફીશીંગ મેઇલ આવેલ હોય અને તે સ્કેમનો ભોગ બની ગયા હો તો તેવા મેઇલ ક્યારેય પણ ડીલીટ ન કરશો કે કોઇને ફોરવર્ડ ન કરશો. આ મેઇલ પોલીસને તપાસ માટે મદદરૂપ થશે.

તમારી પાસે ફોન કોલ્સ દ્વારા ઓટીપી માંગવામાં આવે તો આપવી નહીં અને તેવા ફોન નંબરો તથા બેન્ક એકાઉન્ટ નંબરો નોંધી રાખવા. તમારી પોતાની સોશ્યલ નેટવર્કીંગ વેબસાઇટો પરની પ્રોફાઇલમાં તમોએ આપેલી વિગતો નોંધી રાખવી જેથી બનાવટી પ્રોફાઇલ અને સાચા પ્રોફાઇલ વચ્ચે અંતર કરી શકાય. જે મેઇલ આઇડી પરથી લકી ડ્રો કે ઇનામો અને રૂપિયા જમા કરાવવા અંગેના મેઇલ આવતા હોય તેવા મેઇલ આઇ.ડી. અને બેન્ક એકાઉન્ટની વિગતો નોંધી રાખવી. સોશ્યલ નેટવર્કીંગ વેબસાઇટસ અંગેની ફરિયાદો માટે નજીકનાં સાયબર પોલીસ સ્ટેશનમાં સત્વરે ફરિયાદ કરવી હિતાવહ છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top