Columns

ધો.10માં બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ? વાલી અને વિદ્યાર્થીઓ લેતા પહેલા વિચાર જો!

મિત્રો, આપણે સૌ કોવિડ પછીના સમયના વહેણમાં સેટ થઈ ગયા છીએ. ખાસ કરીને શિક્ષણકાર્ય ઓફ લાઇન ચાલે છે. રૂટિન પ્રમાણે પરીક્ષાઓ પણ શરૂ થઇ છે અને બોર્ડની પરીક્ષાને છ મહિનાની ગણતરી શરૂ થઇ ગઇ છે. ત્યારે આપ સૌ વાલી, વિદ્યાર્થીમિત્રોનું અત્રેથી ધ્યાન દોરવાનું કે ધો. 10માં ગણિત બેઝિક કે સ્ટાન્ડર્ડની પસંદગી વિષય અઘરો છે કે સહેલોના આધારે ન કરતાં તમારે તમારી કારકિર્દીમાં કયાં ક્ષેત્રે કાર્ય કરવું છે તેનું ધ્યેય નક્કી કરી બેઝિક કે સ્ટાન્ડર્ડ મેથ્સની પસંદગી કરજો. તાજેતરમાં જ સમાચાર હતા કે CBSEમાં ધો. 10માં બેઝિક મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની 13 શાળાએ ધો. 11 સાયન્સમાં ગ્રુપ Aમાં પ્રવેશ ફાળવ્યો જે સરકારના પરિપત્રથી વિરુધ્ધ કાર્ય છે. હવે આ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જયાં સુધી ગુજરાત બોર્ડની ધો. 10ની ગણિતની પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી.

વાલીઓમાં એક ખાસ ટ્રેન્ડની વિચારધારા ચાલે છે. જેમાં ધો. 1 થી 10 સુધી CBSE બોર્ડમાં સંતાનને ભણાવવું જેથી એ હોંશિયાર થાય. એનો બૌધ્ધિક વિકાસ કરવાની વિવિધ તક મળી રહે પણ ધો. 10માં ગુજરાત બોર્ડની શાળામાં પ્રવેશ લેવો જેથી 4G લેવલે મેરીટમાં આવવાની તક રહે છે. જેના ફાયદા- ગેરફાયદાની બીજી કોઇ વખત ચર્ચા કરીશું. ધો. 10માં ડમી શાળામાં પ્રવેશ લેવાનો જેથી NEET/JEE કે અન્ય પ્રવેશપરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.

2022-23 દરમ્યાન સરકારના પરિપત્ર મુજબ જેમણે ધો. 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હોય તેમને જ ધો. 11માં PCM જૂથમાં પ્રવેશ મળશે. કોરોનાના વર્ષ દરમ્યાન આ નિયમમાં છૂટછાટ આપી બેઝિક મેથ્સ સાથેના વિદ્યાર્થીને જૂથ A/3માં પણ પ્રવેશ અપાયો હતો. તો શું કરવાનું? મિત્રો ખાસ કરીને વાલીઓએ વિદ્યાર્થી-સંતાન જોડે ‘ધો. 10 પછી શું?’ના પ્રશ્નની ચર્ચા કરવા કરતાં હવે પછીનાં 10 વર્ષ પછી કયા ક્ષેત્રે તમારા સંતાનને કાર્ય, વ્યવસાય કરવાનું ગમશે એ પ્રશ્નનો ઉત્તર શોધવો રહ્યો. એ ઉત્તર શોધવાના વૈજ્ઞાનિક અભિગમ- એપ્ટીટયુડ ટેસ્ટ પણ કરાવી શકાય.

પશ્ચિમી દેશોમાં વાલીઓ શું ભણવાનું એવું નથી પૂછતા કે વિચારતા પણ શું કાર્ય કરશે? કયા ક્ષેત્રે કાર્ય પ્રદાન કરવાનું પસંદ પડશે? એ વિષે માર્ગદર્શન લે છે. પછી જેતે ક્ષેત્રમાં જવા માટે કયો અભ્યાસક્રમ જરૂરી છે તે વિષે વિગતથી માહિતી મેળવી ભણવાનું નક્કી કરવામાં આવે છે. જેહાન ધો. સાતમાં ભણે છે. ઘણો જ હોંશિયાર છે. ઇન્ટ્રોવર્ટ છે, ખાસ ફ્રેન્ડ પણ નથી. એને ગાડીઓની ડિઝાઇનના સ્કેચ બનાવવામાં રસ છે.

સાથે જ સંગીત પણ ગમે છે પણ મેથ્સ પ્રત્યે ખાસ લગાવ નથી. ગાડીના સ્કેચ જોઇને માતાપિતા જેઓ બંને પણ ગણિતના ક્ષેત્રમાં- માતા શિક્ષક અને પિતા શેરબજારમાં વ્યસ્ત છે ત્યારે એક જ ધ્યેય સાથે જેહાનને આગળ લઇ જવાનો વિચાર કરે છે કે એની ગણિતમાં થતી સીલી મિસ્ટેક માટે એક પર્સનલ ટયુશન રાખી દઇએ તો? શાળા બદલાવી લઇએ તો? હવે ધો. સાતમાં ભણતું બાળક હજુ વિકસિત કહેવાય. એના બૌધ્ધિક, શારીરિક, માનસિક વિકાસની પ્રક્રિયા કિશોર અવસ્થામાં તેજ થશે ત્યારે જેહાનને આર્ટસના અન્ય વિષયો પ્રત્યેનો લગાવ વધુ આગળ ન વધે એની ચિંતામાં માતાપિતા વ્યસ્ત રહે છે. જેનું કોઇ કારણ વ્યાજબી નથી.

જો તમારું સંતાન ધો. 10માં બેઝિક મેથ્સ સાથે આગળ વધશે તો એના માટે કયા કયા વિકલ્પો ખૂલે છે, સાથે જ કયા વિકલ્પો બંધ થાય છે તેનું જ્ઞાન હોવું જરૂરી છે જેથી પાછળથી ‘કાશ’ મેં આવું કર્યું હોત તો નો અહેસાસ ન થાય. જેઓ બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કરે છે તેઓ ધો. 11માં PCBના જૂથ સાથે આગળ વધે છે અને NEET આપવાની લાયકાત ધરાવે છે. જો તેઓએ મેડિકલ ફિલ્ડમાં ન જવું હોય તો UG લેવલે Arts/Humanities, Science etc.ના વિવિધ અભ્યાસક્રમો દ્વારા Compliance Manager, માર્કેટીંગ મેનેજર, મ્યુઝિક ટીચર, ઇતિહાસકાર, વેબ ડેવલપર, ડોકયુમેન્ટેશન મેનેજર જેવા અસંખ્ય અભ્યાસક્રમોમાંથી પસંદગી કરી શકતા હોય છે.

જયારે સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે કોઇ પણ એન્જિનિયરીંગ, એનાલીટીકલ/બિઝનેસ ઇન્ટેલીજન્સ જેવા ક્ષેત્રે પ્રવેશ મેળવવા લાયકાત ધરાવો છો. જેતે પ્રવેશની જરૂરિયાત પ્રમાણે Gujcet, JEE કે અન્ય પ્રવેશપરીક્ષાઓ આપવાની રહે છે. કોઇ વિદ્યાર્થી PCM જૂથ લઇને UG લેવલે કોમર્સમાં જવાની ઇચ્છા રાખે તો તેમાં પણ પ્રવેશ મળી શકે છે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા બેિઝક મેથ્સવાળાની લાઇન બાયોલોિજ સિવાય લઇ શકે છે.

તો એટલું કહેવાનું કે મેથ્સ સહેલો કે અઘરો વિષય જેતે વ્યકિતની ક્ષમતા પર આધારિત છે. કોઇ વિષય સમજવા સહેલા થઈ જાય જો તમારી કોન્સેપ્ટ કલીઅર થયેલી હોય. નવી પધ્ધતિ પ્રમાણે ધો. 10માં બેઝિક કે સ્ટાન્ડર્ડ મેથ્સની પસંદગી એટલા માટે જ આપવામાં આવે છે કે જો તમે તમારી કારકિર્દી ગણિતની સાથે મુખ્ય રીતે સાંકળવાની ઇચ્છા નથી ધરાવતા તો તમારે એનો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ગણિત વગર પણ હજારો ક્ષિતિજો કારકિર્દીના પંથે મળી રહે છે. આજે દેશમાં (73%) અને ગુજરાતમાં 87% વિદ્યાર્થીઓ ધો. 10માં બેઝિક મેથ્સ સાથે આગળ વધે છે. તો દરેક કંઇક વિચારીને જ પસંદગી કરતા હશે. નહીં તો જીવનમાં પસ્તાવાનો વારો આવે અને કારકિર્દી એક એકપંથી માર્ગ છે. એક વખત ધો. 10માં નક્કી કર્યું તેની અસર આગળના અભ્યાસક્રમમાં વધુ ઘેરી જોવા મળે છે માટે જે કોઇ નિર્ણય કરો તેના લાંબા ગાળાના ધ્યેયને ધ્યાનમાં રાખી લેવા જેથી કારકિર્દી માર્ગે વધુ ફાંટાઓ પર જવાની જરૂર ન રહે.
Take a proper decision to save your time, money and stress.

Most Popular

To Top