Dakshin Gujarat

બારડોલી: પિતાના બળદગાડાની આગળ સાઇકલ લઈને નીકળેલો બાર વર્ષીય બાળક ગુમ

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મઢી ગામે કાકરાપાર ડાબા કાંઠાની નહેરના રોડ (Canal Road) પરથી સાઇકલ લઈને પસાર થતો 12 વર્ષીય બાળક ગુમ થઈ જતાં બારડોલી ગ્રામ્ય પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે બાળક પિતાના બળદગાડાની (Bullock-Cart) આગળ જ જઈ રહ્યો હતો અને ત્યારબાદ ગુમ થઈ ગયો હતો.

  • પિતાના બળદગાડાની આગળ સાઇકલ લઈને નીકળેલો બાર વર્ષીય બાળક ગુમ
  • પિતા શેરડી કાપવાનું કામ પૂર્ણ કરી પડાવ પર જતાં ત્યાં તેમનો પુત્ર જોવા મળ્યો ન હતો

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં સુરાલી ગામે મઢી સુગર ફેક્ટરીના પડાવમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લાના કન્નડ તાલુકાનાં નાગદતાંડા ગામના રહેવાસી પ્રવીણભાઈ લુકાભાઈ રાઠોડ પરિવાર સાથે શેરડી કાપવાની મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓ પડાવમાં પત્ની તુષાબેન, બે પુત્રો ઋત્વિક (12), બલવીર (7) અને પુત્રી લક્ષ્મી (10) સાથે રહે છે. 17મીના રોજ સવારે 6 વાગ્યે તેઓ પોતાનું બળદગાડું લઈને નાની ભટલાવ ગામે શેરડી કાપવાની મજૂરી કામે જવા નીકળ્યા હતા. તેમનો પુત્ર ઋત્વિક નાની ભટલાવથી ઉત્તમભાઈ ગોવિંદભાઈ ચૌધરીની સાઇકલ લઈને આવ્યો હોય તે આપવા માટે તેમની આગળ સાઇકલ પર જઇ રહ્યો હતો. મઢી સુગરથી નહેરના રસ્તે જતાં હતા ત્યારે તેમનો પુત્ર ઋત્વિક સાઇકલ લઈને નાની ભટલાવ ગામ તરફ નીકળી ગયો હતો.

પ્રવીણભાઈ ખેતરે પહોંચી અન્ય મજૂરો સાથે કાપણીના કામે લાગી ગયા હતા. પુત્ર શેરડીની ચીમરીના પૈસા લેવાના બાકી હોય તે લઈને આવશે તેવું ધારી તેમણે શોધખોળ કરી ન હતી. દરમ્યાન કામ પૂર્ણ કરી પડાવ પર જતાં ત્યાં પણ તેમનો પુત્ર જોવા મળ્યો ન હતો. આથી આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી પરંતુ ક્યાય પત્તો લાગ્યો ન હતો. આથી બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે સગીર હોવાથી અપહરણનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગુમ થનાર ઋત્વિકે સફેદ કલરનું લાંબી બાયનું શર્ટ, તેના પર કાળા રંગનું જેકેટ, માથા પર ટોપી પહેરલી છે. તેની ઊંચાઈ આશરે ચારફૂટ 7 ઇંચ અને રંગે શ્યામ વર્ણનો છે. તે પાતળા બાંધાનો તેમજ ગુજરાતી અને બંજારા ભાષા બોલે છે અને ત્રાસી આંખે જુએ છે.

Most Popular

To Top