SURAT

સંક્રમણ વધતા ખાનગી અને સહકારી બેંકો હવે આટલા વાગ્યા સુધી જ ચાલુ રહેશે

સુરત: (Surat) શહેરમાં કોરોના સંક્રમણના કેસો તિવ્ર ગતિએ વધતા વેપાર ઉદ્યોગ (Business Industries) પર અસર પડી છે. તે સિવાય બેન્કોના કામકાજને પણ અસર થઈ છે. બેન્કના કર્મચારીઓ રોજ હજારો ગ્રાહકોના સીધા સંપર્કમાં આવી રહ્યાં હોય કોરોના સંક્રમણની શક્યતા વધી છે. જેને લીધે સોમવારથી બેન્કોએ કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી અને સહકારી બેન્કોએ (Bank) પોતાની મેળે જ સવારે 9.45થી બપોરે 3 વાગ્યાનો સમય કર્યો છે. જ્યારે રાષ્ટ્રીયકૃત બેન્કો પહેલાની જેમ જ કામ કરશે.

બેંકિંગ સેક્ટરના સુત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં 45 જાહેરક્ષેત્રની, સહકારી અને ખાનગી બેન્કોની 350 શાખાઓ કાર્યરત છે. છેલ્લાં બે અઠવાડિયામાં અનેક બેન્કકર્મીઓ પણ કોરોનાનો શિકાર બન્યા છે. જેના લીધે સાવચેતીના પગલાં લેતા શહેરની સહકારી અને ખાનગી બેન્કોએ કામકાજનો સમય સવારે 9.45થી બપોરે 3 સુધીનો કરી દીધો છે. બેન્કોએ પોતાના ખાતેદારોને મેસેજ કરીને ઓનલાઇન બેંકિંગ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ અંગે બેન્કિંગ સૂત્રો જણાવે છે કે, શહેરની મોટી કો-ઓપરેટીવ અને ખાનગી બેન્કોએ પોતાની રીતે સમય ઘટાડ્યો છે. તેનું એક કારણ એ છે કે બેન્કોના ઘણા કર્મચારીઓ સંક્રમિત થયા છે. માત્ર 40 ટકા કર્મચારીઓ સાથે બેન્કિંગ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીયકૃત બેન્કો માટે હજુ સુધી સમયમાં ફેરફાર અંગે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામા આવી નથી.

માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ

સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપાએ કોવિડ ગાઈડલાઈનનું પાલન નહી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં 45 થી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન વિના કામ-ધંધે નહી જવા મનપાએ અપીલ કરી છે. તેમજ દુકાનદારોએ વેક્સિન અથવા ટેસ્ટ કરાવ્યાનો રીપોર્ટ સાથે રાખવા જણાવાયું છે, તેમ છતાં ઘણા વેક્સિન અને ટેસ્ટ વિના જ કામકાજ પર જતા મનપા દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રવિવારે મનપા દ્વારા વિવિધ કોમર્શિયલ વિસ્તારોમાં ઝોન દ્વારા 19,562 દુકાનો અને સંસ્થાઓ ચેક કરવામાં આવી હતી. જેમાંથી અંદાજીત 8137 રસી લીધેલી વ્યક્તિ, 11,209 વ્યકિતઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ 3847 વ્યક્તિએ રસી લીધી ન હતી. અથવા ટેસ્ટ રિર્પોટ કરાવ્યા નહી હોવાથી તેવી સંસ્થાઓ બંધ કરાવવામાં આવી હતી. તો બીજી બાજુ મનપા દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે પણ તવાઈ હાથ ધરવામાં આવી છે. રવિવારે મનપા દ્વારા કુલ 724 વ્યક્તિઓ પાસેથી કુલ રૂા. 5.51 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top