National

બેંગ્લોરની 44 શાળાઓને ઈમેલ દ્વારા મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એલર્ટ

બેંગ્લોરની (Bangalore) ઘણી શાળાઓને શુક્રવારે સવારે ઈમેલ (Email) દ્વારા બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાળાના પરિસરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી તમામ શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શાળા પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢીને શોધખોળ શરૂ કરી હતી. બોમ્બ ડિફ્યુઝન સ્ક્વોર્ડની પણ મદદ લેવાઈ હતી. જોકે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

મળતી માહિતી મુજબ બેંગ્લોરની 44 ખાનગી શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ પછી સ્કૂલોએ વાલીઓ માટે એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે આપણે શાળામાં અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. શાળાને અજ્ઞાત સ્ત્રોતો તરફથી સુરક્ષા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. અમે અમારા બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીએ છીએ તેથી અમે વિદ્યાર્થીઓને તાત્કાલિક અહીંથી બહાર ખસેડવાનો નિર્ણય લીધો છે.

અગાઉ આ મામલે કર્ણાટકના ગૃહમંત્રી ડો. જી પરમેશ્વરએ કહ્યું હતું કે હાલમાં અમને 15 શાળાઓ વિશે માહિતી મળી છે જ્યાં ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. ગયા વર્ષે પણ આવી ધમકીઓ મળી હતી. અમે કોઈ જોખમ ન લઈ શકીએ, અમે શાળાઓની તપાસ કરી રહ્યા છીએ અને પગલાં લઈ રહ્યા છીએ. શાળાઓમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમે ધમકીભર્યા કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસને તપાસ કરવા સૂચના આપીઃ સીએમ
સાથે જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પોલીસ તપાસ કરશે. તેમ કરવા માટે તેમને સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના પગલા પણ લેવામાં આવ્યા છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી. મેં પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવા સૂચના આપી છે. પોલીસ વિભાગને પ્રાથમિક અહેવાલ મળી ગયો છે. બીજી તરફ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર એક સ્કૂલમાં પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે મને ઈ-મેલ બતાવ્યો છે. આ ખોટો મેલ લાગે છે. કેટલાંક વિફરેલાં તત્ત્વોએ આ કૃત્ય કર્યું હશે. અમે તેમને 24 કલાકમાં પકડી લઈશું. 

Most Popular

To Top