Business

બી.વી. કારંથ નિમિત્તે નાટક પાસે જાગતી અપેક્ષાની વાત!

કળાના જે સ્વરૂપમાં કામ કરતા હોઇએ તેના વિશે અનેક પરિપ્રેક્ષ્યથી વિચાર કરતા રહેવું જરૂરી છે. આવા વિચારથી જ જેતે કળા સ્વરૂપમાં નવાં નવાં પરિમાણ પ્રવેશી શકે. સુરતમાં નાટકના ક્ષેત્રે 10-12 ગ્રુપ છે પણ તેમને સત્યદેવ દૂબે આવે, દેવેન્દ્ર રાજ ‘અંકુર’ આવે, એમ.એસ.સથ્યુ કે નાદિરા બબ્બર આવે તો તેમને સાંભળવા- સમજવામાં રસ નથી હોતો. રંગભૂમિની કળા અને તેના સ્વરૂપમાં એટલું બધું શૈલી વૈવિધ્ય છે કે જે ઉત્તમ અને દૃષ્ટિવંત દિગ્દર્શક -લેખક-અભિનેતાઓના નાટક જોતાં જ સમજાય શકે! દેશમાં શિશિર ભાદુડી, શંભુ મિત્રથી માંડી ઈબ્રાહીમ અલ્કાઝી, હબીબ તનવીર, બી.વી. કારંથ, પણિક્કર, રતન થિયામ, બાદલ સરકાર, વિજયા મહેતા સહિત અનેક દિગ્દર્શકોનાં એટલાં બધાં કામ છે કે તેમના નાટકો જોવા, માણવા, અભ્યાસવાથી નાટ્યકર્મીઓમાં નવી દૃષ્ટિ પ્રવેશે. (હજુ આમાં અનેક નામો ઉમેરી શકાય. લેખકોનાં વળી જુદાં!) આપણા છેલ્લા 4-5 દાયકાના નાટ્યકર્મીઓ શરૂના દાયકામાં પુસ્તક સ્વરૂપે મુદ્રિત નાટક પસંદ કરતા.

એ રીતે કાર્નાડ, મોહન રાકેશ, તેંડુલકરના અમુક નાટકો ભજવાયા પણ છેલ્લા બે- અઢી દાયકામાં એવું વલણ કેળવાયું છે કે બને તો મુંબઇની વ્યવસાયી રંગભૂમિ પર ભજવાયેલા નાટકો જ પસંદ કરી લેવા. પ્રયોગની રંગભૂમિ પર મૌલિક લેખનના અને દિગ્દર્શનના પ્રયોગ અપેક્ષિત હોય છે. દેશમાં અનેક શૈલીથી નાટકો ભજવાયા છે. લોકનાટયનાં તત્ત્વો વડે પરંપરા સમૃદ્ધિની શોધ થઇ છે. સંગીત નાટક થયા છે પરંતુ આપણે ત્યાં લેખનાં કથાતત્વમાં રહેલી નાટ્યાત્મકતાને વધુ સ્વીકૃતિ મળી છે દિગ્દર્શનની કળા વડે પ્રેક્ષક વિસ્મય સર્જવાનું ઓછું બને છે. સન્નિવેશ, પ્રકાશ આયોજન જેવી ટેકનિકાલિટી તો દિગ્દર્શકની સર્જકતા, વિઝ્યુલાઈઝેશન માટે ઉપયોગી થવાના છે. તેનાથી ચકાચૌંધ કરવા તે તો છેતરવા સમું છું. ગુજરાતી રંગભૂમિ કયારેય શંભુમિત્ર, તનવીર, અલ્કાઝી, કારંથ, રતન થિયામ જેવા દિગ્દર્શકો આપી નથી શકી જેનો પ્રભાવ દેશનાં દિગ્દર્શકોએ ઝીલ્યો હોય.

દિગ્દર્શનની દૃષ્ટિએ કલાસિકસ સર્જવાનું શકય નથી બન્યું. આપણા દિગ્દર્શકોની શક્તિ દૃષ્ટિ સ્પર્ધાના નિર્ણાયકોને ખુશ કરવામાં જ વધારે ખર્ચાઇ છે. સ્પર્ધાની રંગભૂમિ કોઇ દિગ્દર્શક કે લેખક કે અભિનેતાને આરંભમાં ઘડવા પૂરતી જ હોવી જોઈએ. આખી જિંદગી સ્પર્ધાના નાટકો જ કરો તો શૈલી વૈવિધ્ય ઝંખના રસિક પ્રેક્ષક સામે જવાનું સાહસ ગુમાવી દો. આ પહેલી સપ્ટેમ્બરે બી.વી. કારંથની પુણ્યતિિથ  ગઇ છે વીસ વર્ષ પહેલાં તેમણે વિદાય લીધી હતી. સંગીત નાટક અકાદમી કાલિદાસ સમ્માન અને પદ્મશ્રી સહિત અનેક સમ્માન પ્રાપ્ત આ દિગ્દર્શક એવા જ મોટા સંગીતકાર હતા. જેમ ભાસ્કર ચંદાવરકરે મોહન, નાટ્યસંગીતમાં વિશીષ્ટ કામ કર્યું તેમ કારંથ સાહેબે કર્યું. પણ નાટકમાં સર્જનાત્મક સ્વરૂપે સંગીત પ્રયોજવું તેના લેખન-દિગ્દર્શનના સ્ટ્રકચર અંતગર્ત શકય છે. કારંથે તો અનેક ધ્વનિ વડે પણ નાટયસંગીતને સમૃદ્ધ કરેલું માનવ અનુભૂતિને વ્યક્ત કરવાની સંગીતમાં અદ્દભૂત ક્ષમતા છે પણ તેને તે રીતે સંયોજવામાં આવે તો!કન્નડમાં પર, હિન્દીમાં 52, ઉર્દૂ, ગુજરાતી, સંસ્કૃતમાં

એક-એક ઉપરાંત મલયાલમ, તેલુગુ અંગ્રેજી નાટકોના દિગ્દર્શક બી.વી કારંથ ‘હયવદન’, ‘ચન્દ્રગુપ્ત2, ‘એક ઔર દ્રૌણાચાર્ય’, ‘અંધેરન ગરી મુદ્રારાક્ષસ’, ‘બરનમવન’, ‘છોટે સૈયદ બડે સૈયદ’, ‘સ્કન્દ ગુપ્ત’, ધાસીરામ કોટવાલ, ‘વિક્રમોવશીયમ’, ‘બેગમ કા તકિયા’ જેવા નાટકોથી વધુ જાણીતા છે. જય શંકર પ્રસાદ અને ભારતેન્દ્ર હરિશ્ચન્દ્રના નાટકો તેમણે ભજવ્યા ને હિન્દી રંગભૂમિની ક્ષિતિજ વિસ્તારી. રંગમચીય દક્ષતા કલ્પના શીલતાની સાથે સાથે તેઓ વિવિધ નાટ્યઉપકરણો, વેશભૂષા સન્નિવેશ અને અભિનયની શૈલી વડે આ નાટકોને તેમણે ખાસ બનાવેલા.  દેશભરમાં ફરી અનેક મંચનશૈલી સાથે ઘરોબો કેળવ્યો અને એવી શૈલી નાટકની પ્રેક્ષણીય સર્જકતામાં ઉમેરી. તેમણે અનેક કલાસિકલ અને સમકાલીન નાટકો પૂરી સજ્જતાથી ભજવ્યા. દિગ્દર્શક પાસે પરંપરા સભાનતા હોય તો નાટકમાં ઘણું બધું સંયોજી શકે.

કારંથ કહેતા કે, થિયેટર ઇઝ નોટ અ લોઝિક, ઇટસ અ મેજિક’ તેમણે એકવાર એવું કહેલું કે નાટક નવું ય હોય, પુરાણું ય હોય, કલાસિકલ પણ હોય પણ તેની રજૂઆત હંમેશા સમકાલીન હોય છે. કારંથ એ અર્થમાં રાષ્ટ્રીય દિગ્દર્શક હતા કે તેમના દિગ્દર્શનમાં લેખન, દિગ્દર્શનનાં સ્તરે અનેક પરંપરા પ્રગટ થતી. પ્રાદેશિક વિશેષતાઓ જ રાષ્ટ્રીય વિશેષતા બને છે તેનું તેમણે ભાન કરાવ્યું તેમણે તેમના નાટકોમાં યક્ષગાન, કુડિયાટ્ટમ, તમાશા અને પારસી રંગભૂમિની શૈલી પણ પ્રયોજી કારંથ કહેતા કે શંભુ મિત્ર, હબીબ તનવીર અને ઈબ્રાહીમ અલ્કાઝી- ત્રણે મારા માટે રંગમંચના મેરુ-પુરુષ છે. આજે તો આ બધા દિગ્દર્શકો નથી એટલે પ્રબળ ઈચ્છા હોય તો પણ તેમના નાટકો જોઇ ન શકીએ પણ તેમના વિશે અભ્યાસો થયા છે, તેમની વિશેષ્ટાઓ વિશે લખાયું છે તે તો આપણો અભ્યાસ બની શકે. બસ, ઇચ્છા હોવી જરૂરી છે. આખરે તો નાટકની ભજવણી દિગ્દર્શક વડે જ સમૃદ્ધ બની શકે. બી.વી. કારંથની સ્મૃતિ નિમિત્તે આપણા નાટકની સમૃદ્ધિ પામી શકીએ તો સાર્થકતા!

Most Popular

To Top