National

કોલકાતામાં એશિયાનું પ્રથમ સ્પેશિયલ ‘કેફે પોઝિટિવ’ ખોલવામાં આવ્યું, જ્યાં HIV પોઝીટીવ સ્ટાફ કોફી પીરસશે

કોલકાતા: ભારતમાં (India) એચઆઈવી પોઝીટીવ (HIV Positive) લોકોને લાંબા સમયથી અપમાનજનક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. હાલમાં એચ.આઈ.વી.ને લઈને સમાજમાં ફેલાયેલી રૂઢિચુસ્ત વિચારસરણી (Conservative thinking) આધુનિક સમયમાં નાબુદ થવા જઈ રહી છે. ભારતના કોલકાતામાં (Kolkata) HIV પોઝીટીવ લોકોના જીવનને સરળ બનાવવા માટે એક કેફે (Cafe) ચલાવવામાં આવી રહી છે. એશિયામાં આ પહેલું કેફે છે જે HIV પોઝીટીવ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય એચઆઈવી સાથે જીવતા લોકો માટે રોજગારીની તકો ઉભી કરવાનો અને લોકોમાં એચઆઈવી વિશે જાગૃતિ લાવવાનો છે.

દેશભરમાં સામાન્ય લોકો HIV પોઝીટીવ લોકોને કામ આપવા માટે ખચકાય છે. આવી સ્થિતિમાં HIV પોઝીટીવ લોકો માટે સમાજમાં ગુજરાન કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હાલ કોલકાતામાં ‘કેફે પોઝિટિવ’નું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે સામાજિક કલંકનો સામનો કરી રહેલા લોકોના જીવનમાં થોડો ફેરફાર લાવવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે. કાફે પોઝીટીવ સાત એચઆઈવી પોઝીટીવ યુવાનો દ્વારા ચલાવવામાં આવે છે જેમણે તેની ટેગલાઈન ‘કોફી બિયોન્ડ બાઉન્ડ્રીઝ’ રાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલા આ કેફે કોલકાતાના જોધપુર પાર્કમાં 2018માં શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને તેના હાલના પરિસરમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. એનજીઓ ‘આનંદઘર’ના સ્થાપક કલ્લોલ ઘોષ આ કેફેના માલિક છે. એનજીઓ ‘આનંદઘર’ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા HIV પોઝિટિવથી પ્રભાવિત બાળકો માટે કામ કરે છે.

કલ્લોલ ઘોષે જણાવ્યું કે આ કેફે ખોલવાનો વિચાર તેમને ફ્રેન્કફર્ટ ગયા પછી આવ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે તેણે ત્યાં એક કેફે જોયો હતો, જે સંપૂર્ણ રીતે HIV પોઝીટીવ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતો હતો. તે કહે છે કે આ કાફે ખોલવું એ સરળ કામ નહોતું, કારણ કે મોટાભાગના મકાનમાલિકો એ જાણ્યા પછી ભાડે આપવા તૈયાર ન હતા કે તેનો ઉપયોગ HIV પોઝિટિવ લોકો કરશે.

આ કેફેના માલિક કલ્લોલ ઘોષ કહે છે કે એશિયામાં આ પહેલું કેફે છે જે HIV પોઝીટીવ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમના મતે, આ કેફેનો મુખ્ય ઉદ્દેશ્ય આ એચઆઈવી પોઝીટીવ લોકોને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ પોતાની આજીવિકા મેળવી શકે. પોઝિટિવ કાફેમાં કામ કરતા સ્ટાફ મેમ્બરો ખુશ છે કે તેઓ તેમના પરિવાર માટે આજીવિકા મેળવવા સક્ષમ છે. જ્યારે સમાજ એચઆઈવી પોઝિટીવ લોકોને સ્વીકારી રહ્યો નથી, ત્યારે આવી સ્થિતિમાં, કેફે તેમને તક અને આશા પ્રદાન કરી રહ્યું છે. કલ્લોલ ઘોષ સમગ્ર ભારતમાં આવા 30 કેફે ખોલવાની યોજના ધરાવે છે. તેમનું માનવું છે કે આનાથી લોકોના મનમાં HIVથી પીડિત લોકો વિશે જાગૃતિ આવશે.

Most Popular

To Top