Madhya Gujarat

રામનાથ ગામના તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન

કાલોલ: કાલોલના રામનાથ ગામના રામેશ્વર મહાદેવ તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા ગામના તળાવમાં પક્ષીઓના મેળાવડાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંગે રામનાથ ગામના સરપંચ નિરવ પટેલના જણાવ્યા મુજબ ગામના તળાવમાં હાલમાં પાંચ જેટલા વિદેશી પ્રજાતિના પક્ષીઓ મહેમાન બન્યા છે. જે અંતર્ગત ગામના અભ્યાસુ નાગરિકોના જણાવ્યા મુજબ દર વર્ષે શિયાળાની ઋતુ પુરી થતાં એપ્રિલે માસના પ્રારંભે આ વિદેશી પક્ષીઓ આગમન કરે છે, જેઓ બે મહિના સુધી તળાવની મોજ માણી ચોમાસું બેસતા જ અદ્રશ્ય થઈ જતાં હોવાનું જણાવ્યું હતું.

જોકે દર વર્ષે મહેમાન બનતા વિદેશી પક્ષીઓની પ્રજાતિ વિશે ગામમાં કોઈને પણ પરિચય નથી પરંતુ આ તમામ પ્રવાસી પક્ષીઓ પૈકી એક યાયાવર પક્ષીઓ પણ હોવાનું જણાવ્યું હતું. રામનાથ ગામના આ તળાવમાં ઉનાળા દરમિયાન પાણી ઓછું હોય છે તેમ છતાં વિદેશી પક્ષીઓના કારણે તળાવનું વાતાવરણ સુંદર અને રમણીય બની જતા આ પ્રવાસી પક્ષીઓ નિહાળવા આજુબાજુના રહીશો અને પક્ષી પ્રેમીઓ અવાર નવાર આવતા રહે છે. જોકે સરપંચના જણાવ્યા મુજબ આ પ્રવાસી પક્ષીઓને કેટલાક લોકો રાત્રીના સમયે શિકાર કરતાં હોવાની દહેશત વ્યક્ત કરી હોવાને કારણે વનવિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top