Madhya Gujarat

આણંદમાં ચૂંટણીના ભણકારા: બેઠકનો દોર શરૂ

આણંદ : આણંદ જિલ્લામાં અગામી સમયમાં યોજાનાર  વિધાનસભા સામાન્ય ચૂંટણીના સરળ સંચાલન માટે બેઠક યોજાય હતી. જેમાં ઉપસ્થિત વિવિધ કમિટીના નોડલ અધિકારીઓને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન આપતા કલેક્ટર દક્ષિણીએ જણાવ્યું હતું કે, સબંધિત કમિટીના નોડલ અધિકારીઓએ તેમને સોંપવામાં આવેલ ચૂંટણી સંદર્ભેની કામગીરી સંદર્ભે પરસ્પરના સંકલનમાં રહીને આ ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે કટીબધ્ધ બનવું પડશે. તેમણે તમામ નોડલ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે સંકલનમાં રહીને તેમને સોંપવામાં આવેલી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતુ.

આણંદમાં ગુજરાત વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનાર સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે નિમવામાં આવેલા નોડલ અધિકારીઓની એક બેઠક કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરએ લોકશાહિના આ પર્વમાં તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતી કાર્યક્રમો યોજવા ઉપર ભાર મૂકયો હતો.તેમણે ચૂંટણીના કાર્યમાં સહભાગી થનાર અધિકારી – કર્મચારી માટે તાલીમ, ઈવીએમ – વીવીપેટ મેનેજમેન્ટ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબધી પ્રવૃતિઓ સહિતની બાબતોની વિસ્તૃત ચર્ચા કરી ચૂંટણીની સંભવિત તારીખ પહેલા તમામ પૂર્વ તૈયારીઓ સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અને તે રીતે આયોજન કરવા અંગે માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલિતકુમાર પટેલે નોડલ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ ચૂંટણી સંદર્ભેની ફરજોની વિસ્તૃત છણાવટ કરી વિવિધ કામગીરીની જાણકારી આપી હતી. તેમણે  નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી બાબતોથી માહિતગાર કરી ચૂંટણી પંચનાં નિર્દેશ અનુસાર ઈ.વી.એમ., મતદાન મથકો, ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ, નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ તેમજ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top