Gujarat

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે 600 એકરમાં નગર ઊભું કરાશે

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આગામી તારીખ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ (Pramukh Swami Maharaj) શતાબ્દી મહોત્સવનું (Centenary Festival) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના સરદાર પટેલ (Sardar Patel) રિંગ રોડ (Ring Road) ઉપર 600 એકરની ભૂમિ પર ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ નગરમાં એક માસ સુધી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાશે.બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સ સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં તા.15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનાર મહોત્સવ પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે.

30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા ઊભી કરાશે
જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક જીવનકાર્ય સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે. જે લોકોના જીવન ઘડતરની પ્રેરણાથી છલકાશે.પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં કલાત્મક, સાંસ્કૃતિક પ્રવેશદ્વારો ઉભા કરવામાં આવશે. જેમાં 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા ઊભી કરાશે. આ ઉપરાંત નગરની મધ્યમાં દિલ્હી ખાતે પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. તેમજ નગરમાં વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો, જેમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવન ઘડતર, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ અને રાષ્ટ્ર સેવા જેવા રોમાંચક પ્રસ્તુતિઓ રજૂ કરાશે.

અનેકવિધ આકર્ષણો દેશ અને દુનિયાના લોકોને પવિત્ર પ્રેરણા પૂરી પાડશે
આ વિશાળ પ્રમુખસ્વામી નગરમાં બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી ઊભી કરાવી છે, તેમજ ટેલેન્ટ શો, મહિલાઓના સશક્તિકરણ માટે મહિલા પંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ, યજ્ઞપુરુષ સભા ગૃહ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી રચનાઓ, લેન્ડસ્કેપ સર્વ ધર્મ સંવાદિતાનું પ્રયાગતીર્થ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોની પરિષદો સહિત અનેકવિધ આકર્ષણો દેશ અને દુનિયાના લોકોને પવિત્ર પ્રેરણા પૂરી પાડશે.

Most Popular

To Top