નવી દિલ્હી: માલદીવના (Maldives) ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુની (Mohammed Muizzou) નીતિઓને માલદીવના લોકોનું ભારે સમર્થન મળ્યું છે, જે રવિવારના રોજ યોજાયેલી માલદીવની સંસદીય ચૂંટણીઓ દ્વારા પુરવાર થાય છે. ચીને મુઈઝ્ઝૂને માલદીવની સંસદની ચૂંટણીમાં (Maldives elections) તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુઇઝ્ઝુએ પણ પોતાનો ચીન (China) સમર્થીત વલણ જગ જાહેર કર્યું હતું. તેમજ ચીનને એક મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
હવે પોતાની તરફ માલચીવના આ ઝુકાવથી ફુલાયેલા ચીને ભારતની આંખ બતાવી હતી. તેમજ સલાહ પણ આપી હતી. ડ્રેગને નિવેદન જાહેર કર્યું હતું તેમજ કહ્યું હતું કે, ચીન માલદીવના લોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સન્માન કરે છે. તેમજ ભારતને સલાહ આપતા ચીની રાષ્ટ્રપતિ જીનપીંગ સમર્થીત ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે સંસદીય ચૂંટણીમાં મુઈઝ્ઝુની પાર્ટીની ભારે જીત ચીન-માલદીવના સંબંધોમાં વધુ સ્થિરતા લાવશે.
માલદીવના મજલિસની 93 બેઠકોમાંથી 90 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી મુઈઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) એ 66 બેઠકો જીતી હતી. મુઈઝ્ઝુ ગયા વર્ષે રાષ્ટ્રપતિ બન્યા હોવા છતાં સંસદમાં બહુમત ન હોવાને કારણે તેઓ તેમની નીતિઓને આગળ ધપાવી શક્યા ન હતા.
ભારત તરફી ગણાતા મોહમ્મદ સોલિહના પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ની સંસદમાં બહુમતી હતી અને આ પાર્ટી મુઈઝ્ઝુ સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલોને પસાર થતા અટકાવી રહી હતી. પરંતુ આ ચૂંટણીમાં MDPને માત્ર 12 બેઠકો મળી હતી. તેમજ PNC સહિતના સાથી પક્ષોએ કુલ 74 બેઠકો જીતીને મુઈઝ્ઝુ સરકારના ગઠબંધને મજબૂત બહુમતી જીતી હતી, જેનાથી ચીન ખૂબ જ ખુશ છે.
‘ભારતે આત્મનિરીક્ષણ કરવું જોઈએ…’
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુનું વલણ એકદમ સ્પષ્ટ છે – તેઓ ચીન અને ભારત બંને સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. આ લેખમાં શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના ચાઈના-સાઉથ એશિયા કોઓપરેશન રિસર્ચ સેન્ટરના સેક્રેટરી જનરલ લિયુ ઝોંગીને ટાંકવામાં આવ્યા હતા.
તેમજ કહેવામાં આવ્યું હતું કે, ‘માલદીવ સંતુલિત નીતિ અપનાવવા માંગે છે પરંતુ ભારત ઈચ્છે છે કે માલદીવ એક બાજુ પસંદ કરે. ભારત મુઈઝ્ઝુ અને માલદીવના લોકોની ઈચ્છાઓને ભૂ-વ્યૂહરચના અને રાજકીય સ્પર્ધાના પ્રિઝમ દ્વારા જોઈ શકે છે, માલદીવના લોકો વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમજ આવી વ્યૂહરચનામાં પોતાનો સમય વ્યર્થ ન કરે.
ચીની અખબારના લેખમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ભારતીય મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માલદીવ ભારતથી દૂર જઈ રહ્યું છે. ‘નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે માલદીવ સાથેના તેના ખરાબ સંબંધો વિશે અંદરની તરફ જોવાની જરૂર છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશનું કારણ ભારતની લાંબા સમયથી ચાલી આવતી માન્યતા છે કે માલદીવ ભારતના પ્રભાવનું ક્ષેત્ર છે. ભારતે હંમેશા માલદીવ પ્રત્યે સંરક્ષણવાદી વલણ દાખવ્યું છે.
રિપોર્ટના અંતમાં ગ્લોબલ ટાઈમ્સે લખ્યું હતું કે માલદીવની ભૌગોલિક નિકટતા, વેપાર, સંસ્કૃતિ, માનવીય સંબંધો અને ભારત સાથેના ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં રાખીને માલદીવ ભારત સાથેના સંબંધોને બગાડવાનો સક્રિય પ્રયાસ નહીં કરે.