Gujarat Main

માવઠાં બાદ હવામાન ખાતાએ આ આગાહી કરી, 24 કલાકમાં તાપમાનમાં આવશે આટલો મોટો ફરક

સુરત: માવઠાના લીધે વરસાદ (Rain) અને વાદળછાયા વાતાવરણ બાદ હવે રાજ્યમાં આકરી ઠંડી (Cold) પડે તેવી આગાહી હવામાન ખાતા (Weather Department) દ્વારા કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં રવિવારે (Sunday) લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર રહ્યું હતું, જેના લીધે લોકોએ બફારા અને તાપનો અનુભવ કર્યો હતો. સુરત, વલસાડ, દમણ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો. એરકન્ડીશન ફરી શરૂ થયા હતા. રાજ્યના 16 શહેરમાં 30 ડિગ્રીથી 34 ડિગ્રી સુધીનું તાપમાન રહેતા લોકો ગરમીથી અકળાયા હતા.

ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ રાજયમાં સતત છેલ્લા બે દિવસ દરમિયાન કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થઇ ગયુ છે. જો કે ઠંડીનો પારો હવે 24 કલાક બાદ 4 ડિગ્રી સુધી ગગડી જશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રવિવારે દિવસ દરમિયાન રાજયમાં નલિયામાં સૌથી ઓછી 19 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 22 ડિ.સે., ગાંધીનગરમાં 21 ડિ.સે., ડીસામાં 22 ડિ.સે., વડોદરામાં 23 ડિ.સે., સુરતમાં 26 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 20 ડિ.સે., નલિયામાં 19 ડિ.સે., ભાવનગરમાં 24 ડિ.સે., રાજકોટમાં 22 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 21 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે આખાય રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી માવઠાંના લીધે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એક જ અઠવાડિયામાં વરસાદ બાદ ગરમી શરૂ થતાં રાજ્યની પ્રજા અલગ-અલગ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. નવેમ્બર પૂરું થવા આવ્યું છે તેમ છતાં હજુ સુધી ઠંડી શરૂ થઈ નથી, તેથી લોકો અકળાઈ રહ્યાં છે.

Most Popular

To Top