Columns

અશ્વિની નક્ષત્રમાં જન્મેલી સ્ત્રી પતિને પ્રિય હોય છે

અશ્વિની નક્ષત્ર (૨)
વૈદિક જ્યોતિષમાં કોઈ પણ એક ગ્રહથી બધી વાતો કહેવાતી નથી. હાલમાં આપણે જે ચંદ્ર નક્ષત્રની વાત કરીએ છીએ તે નક્ષત્ર બીજા કોઈ ગ્રહ સાથે સંબંધ ન હોય તો નક્ષત્રના દેવ પ્રમાણે, દેવના કોઈક ગુણ આવી શકે. ચોક્કસ જાણવા માટે આખી કુંડળીનું અધ્યયન જરૂરી હોય છે. પરંતુ કુંડળીમાં જન્મ નક્ષત્ર એટલે કે ચંદ્ર નક્ષત્ર એટલે કે ચંદ્ર જે નક્ષત્રમાં સ્થિત છે તે નક્ષત્ર સંબંધી વાતો કરીએ છીએ. આ તો સામાન્ય માણસોને જ્યોતિષ જાણવા માટેનો નમ્ર પ્રયાસ છે. વૈદિક જ્યોતિષ એ બહુ જ ગૂઢ વિદ્યા છે. એ બધાને સમજ ન પડે, પરંતુ એમાંથી જે મુખ્ય ચંદ્ર નક્ષત્ર વિશે ચર્ચા કરવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. આ વાત બરાબર સમજીને આપણે આગળ નક્ષત્ર વિષે જાણીશું.

અશ્વિની નક્ષત્ર મૃદુ નક્ષત્ર છે. જેમાં કોઇ પણ શુભ કાર્ય થઈ શકે છે. નક્ષત્રનું પ્રાણી અશ્વ છે. આ નક્ષત્રમાં જન્મેલ પુરુષ લોકોમાં પ્રિય હોય છે, બીજા લોકોને પોતાની શક્તિથી પાળે છે, કોઈ પણ કાર્ય કરવામાં દક્ષ હોય છે. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રી પતિને પ્રિય હોય છે. કાર્યક્ષેત્રમાં નિપુણ હોય છે. અશ્વિનીકુમારની એક પૌરાણિક વાર્તાનું આપણે ગયા મંગળવારે અધ્યયન કર્યું. પુરાણોમાં અશ્વિનીકુમારની બીજી વાતો પણ છે. કોઈ પણ નક્ષત્રને સારી રીતે જાણવા માટે એમના દેવની વાતો જાણવી બહુ જરૂરી છે. એ ધ્યાનમાં રાખી આજે બીજી વાર્તાઓનું પણ અધ્યયન કરીશું.

અશ્વનિકુમાર વૈદ્ય:
એક શર્યાતિ નામનો રાજા હતો. એની દીકરીનું નામ  સુકન્યા હતું. સુકન્યાને વનમાં ફરવાનો બહુ શોખ હતો. એક દિવસ સુકન્યા વનમાં ફરવા નીકળી ત્યાં તેણે એક ઝાડ નીચે મોટો રાફડો જોયો. સુકન્યા રાફડો જોઈ ત્યાં ઊભી રહી તો એને રાફડામાં કંઈક ચમકતું દેખાયું. સુકન્યાને બહુ આશ્ચર્ય થયું અને કુતૂહલથી એણે એક ઘાસની સળી લઈ રાફડામાં ચમકતી જગ્યા પર અંદર સુધી જવા દીધી. ત્યાર બાદ જ્યારે સળી બહાર કાઢી તો એના પર સુકન્યાએ લોહી જેવું કંઇક જોયું. સુકન્યા ગભરાઈ ગઈ. છતાં કુતૂહલને કારણે હિંમતથી રાફડો થોડો થોડો ખસેડી અંદર શું છે તે જોવા કોશિશ કરી. સુકન્યાને લાગ્યું કે કોઈ પુરુષ રાફડાથી ઢંકાઈ ગયો છે. ધીરે ધીરે રાફડાનો બધો ભાગ કાઢી તો અંદર એક ઘરડા ઋષિ જોવા મળ્યા. જે ચળકતું દેખાતું હતું તે ઋષિની આંખ હતી. એની આંખોમાંથી  સળીને કારણે લોહી નીકળતું હતું. આ છાયાવન ઋષિ હતા, જે તપ કરતા હતા. એમની આંખમાં સળીને કારણે એ અંધ થઈ ગયા. સુકન્યા તો ગભરાઈને પોતાના મહેલ ચાલી ગઈ. એણે કોઈને પોતાની આ ભૂલની વાત કરી નહીં. થોડા દિવસ જતા રાજ્યમાં દુકાળ પડવા લાગ્યો. લોકો માંદા પડતાં હતાં અને રાજાને પણ કંઈક અશુભ થવાનું છે એવો સંકેત થયો.

રાજાએ પોતાના રાજ જ્યોતિષને બોલાવી આનું કારણ પૂછ્યું. રાજ જ્યોતિષે જણાવ્યું કે તમારા રાજ્ય પર કોઈ ઋષિનો પ્રકોપ છે અને એ તમારે શોધીને ઋષિને સંતુષ્ટ કરવા નહીં તો  તમારું રાજ્ય ચાલી જશે. આ વાતની જાણ સુકન્યાને થઈ. એટલે સુકન્યા સમજી ગઈ કે આ દુઃખનું મૂળ મારી નાદાનિયતને કારણે જે ભૂલ થઇ છે તે છે. સુકન્યા એના પિતાશ્રીને લઈ છાયાવન ઋષિ પાસે ગઈ અને ઋષિની માફી માગી. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા સુકન્યાએ ઋષિ સાથે લગ્ન કરી સેવા કરવાનું નક્કી કર્યું. રાજા અને રાણીને આ વાત પસંદ ન આવી, પરંતુ રાજ્યની પ્રગતિ માટે આ જરૂરી છે એમ જ્યારે સુકન્યાએ સમજાવ્યું ત્યારે એના લગ્ન છાયાવન ઋષિ સાથે કરાવ્યા. સુકન્યા વનમાં છાયાવન ઋષિ સાથે રહેવા લાગી અને ઋષિની સેવા કરવા લાગી.

આમ ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ વનમાંથી અશ્વિનીકુમાર જતા હતા ત્યાં એમની નજર સુકન્યા પર પડી. એમને આટલી સુંદર કન્યા વનમાં એકલી જોઈ આશ્ચર્ય થયું. સુકન્યાને પૂછતાં સુકન્યાએ બધી વાત અશ્વિનીકુમારને જણાવી. અશ્વિનીકુમાર દેવોના વૈદ છે. અશ્વિનીકુમારે કહ્યું કે “ અમે આ  ઋષિને અમારા જેવા દેખાય એવા બનાવી દઈશું. પરંતુ ત્યાર બાદ તું જેને પસંદ કરશે તે તારા પતિ થશે.” આ શરતની જાણ સુકન્યાએ ઋષિને કરી. ઋષિને આ વાત જાણી આનંદ થયો. અશ્વિની કુમારે પોતાની આગવી કુશળતા સાથે ઋષિની સારવાર કરી અને નજીકના તળાવમાં નાહવા માટે કહ્યું. ઋષિ જ્યારે તળાવમાંથી બહાર નીકળ્યા ત્યારે સુકન્યાની સામે ત્રણ સરખા યુવાનો ઊભા હતા. આ યુવાનોમાંથી ઋષિને ઓળખવા શક્ય નહોતું. સુકન્યાએ અશ્વિનીકુમારને વિનંતી કરી.

  ઋષિને ઓળખવા મદદ માગી. અશ્વિનીકુમાર સૂર્યના પુત્રો હોઈ કોઈને પણ મદદ કરવા તત્પર રહેતા. સુકન્યાની પતિભક્તિ જોઈ ઋષિને સુકન્યાને સોંપી સંતોષ પામ્યા. છાયાવન ઋષિ અશ્વિનીકુમાર પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું.
અશ્વિનીકુમારે કહ્યું કે”અમારે એવી દવા બનાવવી છે, જેથી મનુષ્ય લાંબો સમય સુધી યુવાન દેખાય. અત્યારે અમારી પાસે જે જ્ઞાન છે તે સામાન્ય માણસ સુધી પહોંચે એમ નથી.છાયાવન ઋષિએ આમળા અને બીજી વનની ઔષધિઓ ભેગી કરી એક દવા બનાવી, જે ચ્યવનપ્રાશ નામે આજે પણ જાણીતી છે. ત્યાર બાદ છાયાવન ઋષિ   ચ્યવન ઋષિ તરીકે પ્રખ્યાત થયા.
જાતકને નવા સંશોધનમાં રસ હોય.
ચંદ્ર નક્ષત્ર અશ્વિનીના જન્મેલ જાતક દયાવાન હોય. બીજાને મદદ કરવાની ભાવના હોય.

Most Popular

To Top