Gujarat

એક એવુ રેલવે સ્ટેશન જેના અડધા ભાગમાં ગુટખાની છૂટ જ્યારે બાકીના હિસ્સામાં દંડ

સુરત: 1960માં ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra) છૂટા પડ્યા એટલે 1 મે આ બંને રાજ્યનો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર એક એવું રેલવે સ્ટેશન (Railway Station) આવેલું છે જેનું અડધુ પ્લેટફોર્મ ગુજરાતમાં છે તો અડધું મહારાષ્ટ્રમાં. એટલું જ નહીં અહીં એક બાકડો પણ અનોખો છે જે બંને રાજ્યમાં અડધો અડધો વહેંચાયેલો છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, એક જ રેલવે સ્ટેશન ઉપર બે અલગ અલગ કાયદા ચાલે છે.

  • ટ્રેનનું એન્જીન અને આગળના ડબ્બા મહારાષ્ટ્રમાં હોય તો બાકીના કોચ ગુજરાતમાં
  • ગુજરાત સ્થાપના દિવસ : નવાપુર સ્ટેશન જે બે રાજ્યમાં વહેંચાયેલું છે

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે તે સમયે એક અનોખો સંયોગ રચાયો હતો. જે આજે પણ એક રેલવે સ્ટેશનના રૂપમાં જીવંત છે. આ વાત છે નવાપુર રેલવે સ્ટેશનનની જે સમગ્ર દેશમાં ખૂબ જ અનોખું છે. મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલ્વે સ્ટેશન બે રાજ્યની સીમા ઉપર આવે છે. પુર્વ દિશામાં મહારાષ્ટ્ર આવેલું છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત આવ્યું છે. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં બેસે છે અને સ્ટેશન માસ્તરની કેબિન ગુજરાતમાં આવેલી છે. આ રેલ્વે સ્ટેશનની સૌથી વિશેષ બાબત એ છે કે બંનેની હદમાં અલગ-અલગ કાયદા લાગુ પડે છે.

હા, ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, તો મહારાષ્ટ્રના પાન મસાલા અને ગુટખા ઉપર પ્રતિબંધ છે. સ્ટેશનના ગુજરાત ભાગમાં ગુટખાનું વેચાણ ગુનો નથી, પરંતુ જો કોઈ આકસ્મિક રીતે તેનું ગુટખા ખાતો ખાતો પચ્ચીસ ત્રીસ ડગલા ચાલીને મહારાષ્ટ્રની હદમાં પહોંચી જાય તો તે ગુનેગાર બની જાય છે. તેવી રીતે મહારાષ્ટ્રમાં દારૂ અને બીયરનું વેચાણ થઇ શકે છે. પરંતુ ગુજરાતમાં પ્રતિબંધ છે. જો ગુજરાતવાળા હિસ્સામાં કોઇ વેચાણ કરતો ઝડપાય તો તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવે છે. ક્યારેક તો એવું પણ બને છે કે, રાજ્યની હદમાં ગુનો કરીને ગુનેગાર અન્ય રાજ્યના હદમાં પ્રવેશી જાય છે.

Most Popular

To Top