સુરત: કાપોદ્રા બુટભવાની મંદિર પાસે એક કોલેજિયન યુવતી પર તેના સોશિયલ મીડિયાના મિત્રએ જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર ઝપાઝપી જાહેરમાં જ થઈ હતી, જેમાં યુવકે યુવતી પર ચપ્પુના ત્રણ-ચાર ઘા ઝીંક્યા હતાં. અલબત્ત યુવતીએ સામનો કરતાં તેને વધુ ઈજા થઈ નથી. લોકોએ યુવકને પકડી પાડી, ઠમઠોરી પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર ઘટનાએ ગ્રીષ્મા કાંડની યાદ તાજી કરાવી દીધી હતી.
- વરાછામાં ભારે ભીડ વચ્ચે જાહેરમાં ચપ્પુબાજીથી ગ્રીષ્માકાંડની યાદ તાજી થઈ ગઈ
- સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ હતી, ક્યારેય મળ્યા નહોતા, પહેલીવાર સામે આવી ચપ્પુ મારી દીધું
- તું મારી સાથે વાત કેમ કરતી નથી? તેં મારી જિંદગી બગાડી નાંખી કહી યુવકે ચપ્પુના ઘા ઝીંક્યા
- લોકોના ટોળા ઉમટ્યા ને યુવકને ઠમઠોરી પોલીસને સોંપ્યો
- સોશિયલ મીડિયામાં બંને વચ્ચે મિત્રતા હતી, યુવતીએ સંબંધ તોડતાં યુવક ઉશ્કેરાયો હતો
બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા ખાતે રહેતી અને ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી ગઈકાલે બપોરના સુમારે કોલેજથી પોતાના મિત્રો સાથે બાઈક પર ટ્રીપલ સવારી પરત ફરી રહી હતી. દરમિયાન બુટભવાની મંદિર પાસે એક રીક્ષા તેમની આડે આવી ગઈ હતી અને રીક્ષામાંથી ઉતરેલા યુવકે યુવતીની બાઈકને લાત મારી નીચે પાડી દીધી હતી. યુવક ચપ્પુ લઈને રીના પાસે આવ્યો હતો અને ‘તું મને ફોનમાં જવાબ આપતી નથી તેં મારી જીંદગી બગાડી નાંખી’ તેમ કહીને યુવતીની આંખની ઉપર કપાળના ભાગે ઘા મારી દીધો હતો.
બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી, જેમાં ઉશ્કેરાટમાં યુવકે ચપ્પુનો ઘા ઝીંકતા યુવતીને આંખ પાસે ઈજા પહોંચી હતી. જો કે યુવકે અન્ય ઘા ઝીંકવા શરૂ કર્યા ત્યારે યુવતીએ તેનો પ્રતિકાર કર્યો હતો, જેમાં કેટલાક ઘસરકા યુવતીને શરીરે લાગ્યા હતાં. જોતજોતામાં લોકોના ટોળા વળવા શરૂ થઈ ગયા હતાં અને હુમલાખોર યુવકને પકડી લોકોએ ઠમઠોર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. યુવકની ઓળખ 24 વર્ષીય રોકી વસાવા તરીકે થઈ છે. રોકી યુવતીના ઘરથી થોડે જ દૂર લાભેશ્વર સોસાયટી નજીક રહે છે અને રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. પોલીસને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે જણાવ્યું છે કે રોકી અને પીડિતા યુવતી સોશિયલ મીડિયામાં મિત્રો હતાં. ત્રણેક વર્ષથી તેઓ વચ્ચે સોશિયલ મીડિયામાં જ પરિચય કેળવાયો હતો અને ક્યારેક ફોન પર વાત કરતાં હતાં. જો કે યુવતીએ ઘણાં સમયથી રોકી સાથે વાત કરવાનું બંધ કરી દેતાં રોકી ઉશ્કેરાયો હતો અને તેણે હુમલો કરી દીધો હતો.
અગાઉ ક્યારેક રૂબરૂ મળ્યા જ ન હતાં, માત્ર સોશિયલ મીડિયામાં મિત્રતા હતી
આ ઘટનામાં ધ્યાન ખેંચનારી વાત એ રહી છે કે યુવક-યુવતી સોશિયલ મીડિયામાં જ સંપર્કમાં આવ્યા અને મિત્રતા કેળવાઈ હતી. બંનેના ઘર નજીકમાં જ હોવા છતાં તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા જ ન હતાં. પહેલી વખત જ તેઓનો આમનો સામનો થયો હતો અને હિંસક હુમલો થયો હતો.
જાહેરમાં હુમલાથી લોકોમાં ભારે રોષ, ગ્રીષ્માકાંડની ઘટના તાજી થઈ ગઈ
વરાછા વિસ્તાર ગ્રીષ્માકાંડના આઘાતમાંથી ક્યારેય પુરેપુરો રાહત પામશે નહીં. આ ઘટનાએ ગ્રીષ્માકાંડની યાદને તાજી કરાવી દીધી હતી. રીક્ષામાંથી ઉતરેલા યુવકે જાહેરમાં જ યુવતીને ચપ્પુના ઘા ઝીંકવા શરૂ કર્યાં ત્યારે આસપાસના લોકો પણ સમસમી ઉઠ્યા હતાં. જાણે આપણા સભ્ય સમાજને કોઈની નજર લાગી ગઈ હોય તેમ આવી ઉપરાછાપરી ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે.
રોમિયોને ડરાવતી પોલીસ જાતે ડરીને ક્યાંક સંતાઈ તો નથી ગઈ ને?
થોડા વર્ષો પહેલાં શહેર પોલીસે શાળા-કોલેજો તેમજ ટ્યુશન ક્લાસિસની આસપાસ વિદ્યાર્થિનીઓને રક્ષણ આપવાના હેતુથી મોબાઈલ વાન દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. જે તે વખતે તેની અસર થઈ હતી અને રોમિયોગીરીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે બનાવો વધી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે પોલીસ યોગ્ય પેટ્રોલિંગ કરી રહી નથી. શાળા-કોલેજો તેમજ ટ્યુશન ક્લાસિસ ખાતે લુખ્ખા, અસામાજિક યુવાનોનો જમાવડો સતત વધી રહ્યો છે. જો પોલીસ ફરીથી સક્રિય પેટ્રોલિંગ શરૂ કરે તો આવા બનાવો સ્વાભાવિક રીતે જ ઘટશે.