Columns

આશાનો દીવડો

બે ચોરને મહેલમાં ચોરી કરવા બદલ પકડવામાં આવ્યા.રાજાએ વિચાર્યું કે આ બે ચોરે મારા મહેલમાં ચોરી કરવાની કોશિશ કરી છે. મારે તેમને એકદમ કડક શિક્ષા કરવી જોઈએ, જેથી બીજા કોઈ ચોર મારા મહેલમાં આવી ચોરી કરવાની હિંમત ન કરે.આમ વિચારીને રાજાએ નાકામ ચોરી કરવાની સજા રૂપે બંને ચોરને દસ દિવસ પછી માથું કાપી નાખી મોતને ઘાટ ઉતારવાની સજા કરી.

બે ને કારાવાસમાં ધકેલી દેવામાં આવ્યા. દસ દિવસ પછી તેમનું મોત નિશ્ચિત હતું.કારાવાસના સિપાઈઓ પાસેથી ચોરોને જાણવા મળ્યું કે રાજા પોતાના સફેદ ઘોડાને બહુ પ્રેમ કરે છે.આ વાત જાણ થયા બાદ એક ચોરના મનમાં કૈંક વિચાર આવ્યો.તેને બીજા મિત્ર ચોરને કહ્યું, ‘આપણે ગમે તેમ કરીને રાજાના મનમાં ઠસાવી દઈએ કે આપણી પાસે કોઈક ગેબી વિદ્યા છે અને તે વિદ્યાને પ્રતાપે આપને એક વર્ષમાં તેમના મનગમતા સફેદ ઘોડાને પાંખોવાળો ઊડતો ઘોડો બનાવી દઈશું અને દુનિયામાં એકલા તેમની પાસે ઊડતો ઘોડો હશે.

જો રાજા આપની વાત માની જશે તો આપણે દસ દિવસ પછી મરવું નહિ પડે અને આપણે બચી જઈશું.’ બીજા મિત્ર ચોરે કહ્યું, ‘સાવ નકામી વાત છે.પહેલી તો રાજા આ તારી વાત માનશે જ નહિ.અને જો માની ગયા તો પણ આપણે એવી કોઈ વિદ્યા જાણતા નથી તે એક વર્ષ પછી જયારે ઘોડો નહીં ઊડે ત્યારે તો ખબર પડી જ જશે અને ત્યારે રાજા આપણને મારી જ નાખશે.એટલે આપણે બચીશું નહિ.આવા પાગલપણભરેલા વિચાર છોડ…હવે આપણે બચી નહિ શકીએ.આપણું મૃત્યુ નિશ્ચિત જ છે.થોડા દિવસ પછી મરશું કે એક વરસ પછી, બીજી કોઈ શક્યતાઓ નથી. આપણા બચવાનો હવે કોઈ રસ્તો નથી.’

પહેલો ચોર બોલ્યો, ‘દોસ્ત, શું વાત કરે છે.જો રાજા આપણી વાત માની જાય તો આપણા બચવાની એક નહિ, ઘણી શક્યતાઓ છે…એક વર્ષમાં રાજા મૃત્યુ પામી શકે છે.એક વર્ષમાં રાજાની સત્તા પલટાઈ શકે છે.એક વર્ષમાં કદાચ તું કે હું પણ મૃત્યુ પામી શકીએ છીએ.એક વર્ષમાં કદાચ ઘોડો મૃત્યુ પામી શકે છે.એક વર્ષમાં કદાચ કુદરતી આફત આવતાં આપણે બધા મૃત્યુ પામી શકીએ છીએ.કદાચ એક વર્ષમાં ઘોડો ઊડતાં શીખી શકે છે.એટલે પ્રયત્ન ન કરવો ભૂલ છે.ભલે સામે મોત દેખાતું હોય, પણ આપણે બચવાનો કોઈ પણ પ્રયત્ન કરતા જ રહેવું જોઈએ.’

અહીં વાર્તામાં સત્ય અને શક્યતાના પ્રમાણ કરતાં ચોરની મન:સ્થિતિ અને હિંમતની વાત સમજવા જેવી છે.ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આશા છોડવી નહિ.હંમેશા હિંમત જાળવી રાખી એકમેકને હિંમત આપી બચવાના પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે.મનમાં રહેલી આશાની જ્યોત અંધકારભર્યો માર્ગ પસાર કરવામાં મદદ કરે છે.હાલની મહામારીની કપરી પરિસ્થિતિમાં પણ હિંમત આપો અને હિંમત જાળવી રાખો.આશાનો દીવડો ધીરજના તેલથી પ્રકાશિત રાખો.આપણે જ જીતીશું.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top