વાપી: (Vapi) વાપીના ગીતાનગર ખાતે સરવૈયા નગરમાં એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી વૃધ્ધાને ગત શુક્રવારે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી નિર્મમ હત્યા (Murder) કરી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.2 લાખની લૂંટ (Loot) કેસમાં પોલીસે હત્યારા જમાઈને મુંબઈથી દબોચી લીધો હતો. પોલીસે (Police) હત્યારા જમાઈને વાપી લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
વાપી ખાતે ગીતાનગરમાં સરવૈયા નગર એપાર્ટમેન્ટમાં ડી-3 બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી અમીનાખાતૂન મોહંમદરઝા ખાન (ઉ.68) શુક્રવારે 23/07/21ના રોજ બપોરે ઘરમાં એકલા જ હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે ઘરમાં ઘૂસી વૃધ્ધાનું ગળું દબાવી પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અજાણ્યો ઈસમ વૃધ્ધાની હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.2 લાખ અને 7.8 તોલા સોના-ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.4,33,000નો મુદ્દામાલ ચોરી ભાગી ગયો હતો. આ કેસની ફરિયાદ વૃધ્ધાના દીકરા સૈફુરરહેમાન મોહંમદરઝા ખાને વાપી ટાઉન પોલીસ મથકે નોંધવતા પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જિલ્લા પોલીસવડા અને ઉચ્ચ અધિકારીઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી અને વાપી ટાઉન પોલીસની ટીમે હત્યારેને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. એસઓજીના પીએસઆઈ કેતન જે.રાઠોડને આ કેસના હત્યારા અંગે બાતમી મળતા એસઓજી પીઆઈ વી.બી.બારડ, એલસીબી પીઆઈ જે.એન.ગોસ્વામી અને ટાઉન પીઆઈ બી.જે.સરવૈયાની ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈના ઘાટકોપર નારાયણનગર, યા અલી ચાલી, નારી સેવા સદન, ગોસીયા મસ્જિદ પાસે રહેતા ફરિયાદી સૈફૂરરહેમાન ખાનના જમાઈ મોહંમદ અનીશ મુનાવર ખાનની તેના જ ઘરમાંથી ધરપકડ કરી હતી. આ કેસના ગુના અંગે પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસ તેને વાપી ઉચકી લાવી હતી. વાપી લાવી પોલીસે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા કડકાઈથી તપાસ આદરતા આરોપી મોહંમદ અનીશ મુનાવર ખાને ગુનાની કબૂલાત કરી લીધી હતી. લૂંટ કરેલા સોનાના દાગીના તેણે મહારાષ્ટ્રના નારાયણ નગરમાં મેજીક જ્વેલર્સ સોનીની દુકાને વેચી દીધા હોવાની પણ હકીકત જણાવી હતી.
હત્યારા પાસેથી માત્ર 7500 જ મળી આવ્યા
વાપીમાં મોટી સાસુની નિર્મમ હત્યા કરી લૂંટ કરનારા જમાઈ મોહંમદ અનીશ મુનાવર ખાને રોકડા રૂ.2 લાખ અને 7.8 તોલા સોના-ચાંદીના દાગીના સહિત રૂ.4.33 લાખની મત્તા ચોરી કરી મુંબઈ ભાગી ગયો હતો. જ્યાં તેણે દાગીના નજીકની સોનીની દુકાને વેચી માર્યા હતા. હાલ પોલીસે તેની પાસેથી માત્ર રોકડા રૂ.7500 અને એક મોબાઈલ કબજે કર્યો છે. બાકીનો સામાન રિમાન્ડ દરમિયાન કબજે કરશે.
સાસુ-સસરા બકરી ઈદ કરવા ભીવંડી ગયા ને ખેલ ખતમ કર્યો
માત્ર ધો.9 સુધીનો અભ્યાસ કરનાર મોહંમદ અનીશ મુનાવરખાન એસી રિપેરીંગનું કામ કરે છે. તેના લગ્ન મૃતક અમીનાખાતૂનના દિકરા સૈફુરરહેમાન મોહંમદરઝા ખાનની મોટી દિકરી અરશીદા સાથે ગત ઓગસ્ટ-2020માં થયા હતા. જમાઈ મોહંમદ અનીશ અવાર નવાર સાસરીમાં વાપી આવતો હતો. જેથી સાસરીમાં સોના-ચાંદીના દાગીના હોવાનું તે જાણતો હતો. બકરી ઈદ નિમિત્તે સસરા તેમના પરિવાર સાથે સાસરે ભિવંડી ગયા હોય અને તેના માતૃશ્રી સાસુમા ઘરે એકલા હોવાથી આરોપી મુંબઈથી વાપી ટ્રેનમાં આવી ખેલ ખતમ કરી ગયો હતો. મોટીસાસુની ચપ્પુના 30થી વધુ ઘા ઝીંકી હત્યા કરી જમાઈ મોહંમદ અનીશ રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના લૂંટી ગયો હતો. ચાલાક મોહંમદ મરણ જનાર મોટીસાસુની અંતિમવિધીમાં હાજર રહી ગુનાની પોલીસ તપાસ અંગે માહિતી મેળવતો રહ્યો હતો.
આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે
વાપી લૂંટ વીથ મર્ડર કેસમાં આરોપી જમાઈ મોહંમદ અનીશને મુંબઈથી પકડી લાવ્યા બાદ વલસાડ પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. કોરોના ટેસ્ટ આવ્યા બાદ આરોપીને રિમાન્ડ અર્થે મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે, તેવી માહિતી પોલીસે આપી હતી.