ઝારખંડના બોકારો જિલ્લામાં કોલસાની ખાણમાં મોટો અકસ્માત સર્જાયો છે. ગુરુવારે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)ની કથારા કોલસાની ખાણમાં અચાનક કોલસાનો મોટો ઢગલો ધરાશાયી થતાં છ લોકો તેની નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ખાણ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, બોકારો જિલ્લાના કથારા પોલીસ ચોકી વિસ્તાર હેઠળ આવેલી કોલસાની ખાણમાં કામકાજ દરમિયાન અચાનક કોલસાનો મોટો જથ્થો નીચે ધસી પડ્યો હતો. આ ઘટના એટલી અચાનક બની હતી કે ત્યાં હાજર લોકોને બચવાની તક મળી નહોતી. કોલસાનો ઢગલો ધરાશાયી થતાં છ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને તેની નીચે દટાઈ ગયા હતા.
અકસાનની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘાયલોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અન્ય ત્રણ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
બોકારોના ડેપ્યુટી કમિશનર અજય નાથ ઝાએ અકસ્માત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઘટનામાં કુલ છ લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણનાં મોત થયાં છે. આ ઘટના કથારા પોલીસ ચોકી વિસ્તારની છે.
ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. કોલસાનો ઢગલો કયા કારણોસર ધરાશાયી થયો અને અકસ્માત પાછળ કોઈ બેદરકારી જવાબદાર હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ કોલસાની ખાણોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને કામકાજ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.