વિશ્વભરમાં સુંદરતા, આત્મવિશ્વાસ અને પ્રતિભા માટે જાણીતી મિસ યુનિવર્સ સ્પર્ધા ફરી એકવાર ચર્ચામાં આવી છે. મિસ યુનિવર્સ 2026માં ભારત અને પાકિસ્તાનની સ્પર્ધકો એક જ આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળવાની હોવાથી આ સ્પર્ધા પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી છે. ભારત તરફથી કાજિયા લિઝ મેજો દેશનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે પાકિસ્તાન તરફથી મિસ્બાહ અરશદ સ્પર્ધામાં ભાગ લેશે. બંને દેશોની પ્રતિનિધિઓની હાજરીને કારણે આ વખતની સ્પર્ધા ખાસ ચર્ચામાં રહેવાની છે.
કાજિયા લિઝ મેજોએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો ખિતાબ જીતીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી છે. હવે તેમની નજર વિશ્વસુંદરીનો તાજ જીતવા પર છે. તેઓ મૂળ કેરળનાં છે અને તેમનું બાળપણ સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં વીત્યું છે. કાજિયા વ્યવસાયે મોડેલ અને કલાકાર છે. આ ઉપરાંત તેઓ નૃત્ય સાથે પણ જોડાયેલાં છે. મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર કેરળનાં પ્રથમ સ્પર્ધક તરીકે પણ તેમની ઓળખ બની છે. આ પહેલાં તેઓ મિસ ટીન ઇન્ટરનેશનલ 2025માં ફર્સ્ટ રનર-અપ રહી ચૂક્યાં છે.
મિસ યુનિવર્સ 2026ની સ્પર્ધામાં ભાગ લેવા માટે કાજિયા લિઝ મેજો પ્યુર્ટો રિકો જવા રવાના થઈ ગયાં છે. તેમની વિદાયની કેટલીક તસવીરો મિસ યુનિવર્સ ઇન્ડિયાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં કાજિયા સુંદર સાડીમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેમના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો પણ જોવા મળી રહ્યો છે. ભારતીય પરંપરાગત પહેરવેશમાં તિરંગા સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે રવાના થયેલાં કાજિયાની આ તસવીરોને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
બીજી તરફ પાકિસ્તાન તરફથી મિસ્બાહ અરશદ મિસ યુનિવર્સ 2026માં ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનની સ્પર્ધકો એક જ મંચ પર ઉતરવાની હોવાથી બંને દેશોના લોકોની નજર તેમના પ્રદર્શન પર રહેશે. ક્રિકેટ સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશાં ચર્ચાનો વિષય બને છે. હવે સૌંદર્ય સ્પર્ધામાં પણ બંને દેશોની પ્રતિનિધિઓ સામસામે જોવા મળવાની હોવાથી આ સ્પર્ધા પ્રત્યેનો રસ વધ્યો છે.
મિસ યુનિવર્સ 2026નું આયોજન પ્યુર્ટો રિકોમાં થવાનું છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલી સ્પર્ધકો આ મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં માત્ર સુંદરતા જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ, પ્રતિભા અને પોતાની વાત રજૂ કરવાની ક્ષમતા પણ મહત્વની ગણાય છે. કાજિયા લિઝ મેજો માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવાની મોટી તક છે. મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ હવે તેઓ વિશ્વભરની સ્પર્ધકો વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બીજી તરફ મિસ્બાહ અરશદ પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. હવે સૌની નજર સ્પર્ધાના પરિણામ અને બંને દેશોની પ્રતિનિધિઓના પ્રદર્શન પર રહેશે.