Entertainment

વિદ્યુત જામવાલે 15 મિનિટ શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી પાંપણ પણ ન ઝપકાવી

માર્શલ આર્ટ્સ અને યોગમાં પોતાની ખાસ કાબેલિયત માટે જાણીતા બોલિવુડ એક્ટર વિદ્યુત જામવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પોતાની ડેબ્યૂ હોલિવુડ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઈટર’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિદ્યુતે એવું કારનામું કરીને બતાવ્યું, જેને જોઈને ત્યાં હાજર લોકો અને મીડિયા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિદ્યુતે લોકોની સામે લગભગ 15 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકીને ધ્યાન કર્યું હતું. એટલું જ નહીં, તેમણે લગભગ 20 મિનિટ સુધી પાંપણ પણ ઝપકાવી નહોતી. ‘સ્ટ્રીટ ફાઈટર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન વિદ્યુત જામવાલે મીડિયા અને અન્ય લોકોની સામે આ અદ્ભુત પરાક્રમ કરીને બતાવ્યો હતો. તેઓ લાંબા સમય સુધી શ્વાસ રોકીને ધ્યાનની સ્થિતિમાં રહ્યા હતા. આ દરમિયાન તેમની આંખો ખુલ્લી હતી અને સતત પાણી વહેતું રહ્યું હતું. થોડા સમય બાદ તેમના પગ પણ ધ્રૂજવા લાગ્યા હતા, પરંતુ તેમ છતાં તેમણે પોતાની સ્થિતિમાં કોઈ ફેરફાર કર્યો નહોતો અને ધ્યાન ચાલુ રાખ્યું હતું.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવ્યો છે. વિદ્યુતની માર્શલ આર્ટ્સની સાથે યોગ અને ધ્યાન પરની પકડ પણ આ ઘટનામાં જોવા મળી હતી. તેમની આ કાબેલિયત જોઈને કાર્યક્રમમાં હાજર લોકો ચોંકી ગયા હતા. વિદ્યુત જામવાલ હવે હોલિવૂડની ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઈટર’માં એક્શન કરતા જોવા મળશે. ‘કમાન્ડો’, ‘ખુદા હાફિઝ’ અને ‘ક્રેક’ જેવી ફિલ્મોમાં પોતાના એક્શનથી અલગ ઓળખ બનાવનાર વિદ્યુત માટે આ હોલિવુડ ડેબ્યૂ ખાસ છે. ફિલ્મમાં તેઓ ધલસિમનું પાત્ર ભજવી રહ્યા છે. ‘સ્ટ્રીટ ફાઈટર’ 16 ઓક્ટોબર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

હોલિવુડમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતા વિદ્યુતે કહ્યું હતું કે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ આ પ્રકારની ફિલ્મનો ભાગ બનશે. અમેરિકામાં ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તેમને એક પણ એવો વ્યક્તિ મળ્યો નહોતો, જેણે ‘સ્ટ્રીટ ફાઈટર’ ગેમ રમી ન હોય. તેમના માટે આ ગેમ અને તેની દુનિયા વિશે જાણવું એક અલગ જ અનુભવ હતો. વિદ્યુતે જણાવ્યું હતું કે તેઓ પોતે એથલીટ રહ્યા હોવાથી વીડિયો ગેમ રમવા કરતાં સ્પોર્ટ્સમાં વધુ વ્યસ્ત રહેતા હતા. સ્પોર્ટ્સ સાથેના તેમના જોડાણને કારણે જ તેમને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી હોવાનું તેમણે કહ્યું હતું. તેમના મતે, હવે પાછળ વળીને જોતા એવું લાગે છે કે તેમણે આખી જિંદગી આ ફિલ્મ મેળવવા માટે જ મહેનત કરી હતી.

વિદ્યુતે પોતાની મહેનત વિશે વાત કરતાં કહ્યું હતું કે વ્યક્તિએ સતત મહેનત કરતા રહેવું જોઈએ. જે વસ્તુ મળવાની હોય તે કોઈને કોઈ રીતે પોતાની પાસે પહોંચી જ જાય છે. ‘સ્ટ્રીટ ફાઈટર’માં કામ મળવું પણ તેમના માટે લાંબી મહેનતનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદ્યુતે હોલિવુડ અને બોલિવૂડની કાર્યશૈલી વચ્ચેના તફાવત વિશે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, હોલિવુડના સેટ પર તેમણે પહેલીવાર આટલી કડક શિસ્ત જોઈ હતી. ફિલ્મના સેટ પર કામ કરતા આશરે 300 લોકો એકસરખી શિસ્તનું પાલન કરતા હતા. ત્યાં કલાકાર કેટલો પણ મોટો સ્ટાર હોય, સમયનું પાલન કરવું દરેક માટે જરૂરી હતું.

વિદ્યુતે કહ્યું હતું કે હોલિવુડના સેટ પર કોઈ કલાકાર મોડો પડે તે સામાન્ય બાબત માનવામાં આવતી નથી. જો કોઈ વ્યક્તિ માત્ર એક મિનિટ પણ મોડું થાય તો તેને ફોન કરીને પૂછવામાં આવે છે કે તે ક્યાં છે અને બધું બરાબર છે કે નહીં. જરૂર પડે તો એવી પણ પૂછપરછ થાય છે કે વ્યક્તિ હોસ્પિટલમાં તો નથી ને. વિદ્યુતના મતે સમયની પાબંદી અને શિસ્ત બંને ઈન્ડસ્ટ્રી વચ્ચેનો મોટો તફાવત છે.

‘સ્ટ્રીટ ફાઈટર’ સાથે વિદ્યુત જામવાલ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની એક નવી ઓળખ બનાવવાની તૈયારીમાં છે. ફિલ્મના એક્શન અને તેમના માર્શલ આર્ટ્સ બેકગ્રાઉન્ડને કારણે આ ફિલ્મને લઈને તેમના ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન તેમણે કરેલા આ અનોખા પરાક્રમે ફિલ્મની ચર્ચા વચ્ચે ફરી એકવાર તેમની શારીરિક અને માનસિક ક્ષમતાને લોકો સમક્ષ લાવી દીધી છે.

Most Popular

To Top