દિલ્હીમાં કથિત મત ચોરીના મુદ્દે વિપક્ષી સાંસદોએ ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું છે. ‘સેવ ડેમોક્રસી’ અને ‘સેવ માઈ વોટ’ના પ્લેકાર્ડ અને પોસ્ટર્સ સાથે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કથિત મત ચોરીના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિપક્ષી સાંસદો સંસદ ભવન બહાર એકઠા થયા હતા અને ત્યારબાદ ચૂંટણી પંચના મુખ્યાલય ‘નિર્વાચન સદન’ તરફ કૂચ શરૂ કરી હતી. આ વિરોધ કૂચ દરમિયાન પોલીસ દ્વારા સાંસદોને રોકવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ અન્ય વિપક્ષી નેતાઓ સાથે કૂચમાં જોડાયા હતા. પોલીસ બેરિકેડ પાસે પહોંચ્યા બાદ રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢી ગયા હતા. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વિપક્ષી સાંસદો ચૂંટણી પંચની ઓફિસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને આકાશવાણી ભવન પાસે રોકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રસ્તો રોકવામાં આવતા રાહુલ ગાંધી ત્યાં જ રસ્તા પર બેસી ગયા હતા અને ધરણાં શરૂ કર્યા હતા. તેમની સાથે અન્ય વિપક્ષી સાંસદો પણ ધરણાં પર બેઠા હતા. આ વિરોધ પ્રદર્શનમાં 100થી વધુ વિપક્ષી સાંસદો જોડાયા હતા. સાંસદોએ હાથમાં ‘સેવ ડેમોક્રસી’ અને ‘સેવ માઈ વોટ’ જેવા પ્લેકાર્ડ રાખ્યા હતા. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે કથિત મત ચોરીના મામલે જવાબદારી નક્કી થવી જોઈએ અને મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ. જ્યાં સુધી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની વાત પણ કરવામાં આવી છે.
વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી કૂચ શરૂ કરી હતી. આ કાફલો ટ્રાન્સપોર્ટ ભવન તરફથી આગળ વધીને દિલ્હી સ્થિત ચૂંટણી પંચના મુખ્યાલય નિર્વાચન સદન તરફ જવાનો હતો. જોકે, પોલીસે આ કૂચને આગળ વધતી અટકાવી હતી. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકાર અને ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. કથિત મત ચોરીના આરોપોને લઈને વિપક્ષ લાંબા સમયથી વિરોધ કરી રહ્યો છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી ગઠબંધનના બે મહત્વપૂર્ણ પક્ષો DMK અને આમ આદમી પાર્ટી આ માર્ચથી દૂર રહ્યા હતા. તેમ છતાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષોના સાંસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોંગ્રેસે આ મુદ્દાને આગામી સંસદના શિયાળુ સત્ર સુધી જીવંત રાખવા માટે એક એક્શન પ્લાન અને રોડમેપ તૈયાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. પાર્ટી દ્વારા આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન અને રાજકીય કાર્યક્રમો યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં વિપક્ષ અને પોલીસ વચ્ચેના આ ઘર્ષણને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. એક તરફ વિપક્ષી સાંસદો કથિત મત ચોરીના મુદ્દે ચૂંટણી પંચ સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પોલીસે તેમને નિર્વાચન સદન સુધી પહોંચતા રોક્યા છે. હવે આ મુદ્દે આગામી દિવસોમાં વિપક્ષની રણનીતિ શું રહેશે અને સરકાર તથા ચૂંટણી પંચ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.