Vadodara

સાવલી તાલુકમાં એસટી બસોની અનિયમિતતા સામે Gen z આક્રમક મિજાજમાં, ચક્કાજામ કર્યુ

વડોદરા, વાસદ, આણંદ રૂટ પર બસોની અછતથી હાલાકી, સાંકરદા પાસે સતત બીજી વખત ચક્કાજામ, નંદેશરી પોલીસનો કાફલો દોડી આવ્યો

બસ આપો અથવા રસ્તો ખાલી કરો, સાંકરદામાં વિદ્યાર્થીઓનો રોષ ભભૂક્યો, એસટી બસો રોકી ચક્કાજામ, માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૮
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામ પાસે આજે સવારે વિદ્યાર્થીઓએ એસટી બસોની ગંભીર અછત અને અનિયમિત સેવા સામે ઉગ્ર વિરોધ નોંધાવતા ચક્કાજામ કર્યો હતો. વડોદરા, વાસદ અને આણંદ રૂટ પર દોડતી એસટી બસો સમયસર અને પૂરતી સંખ્યામાં ન મળવાને કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા વચ્ચે જ બેસીને બસોને રોકી દીધી હતી. અગાઉ પણ આ જ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા આ ચક્કાજામને કારણે વડોદરા – વાસદ માર્ગ પર વાહનવ્યવહાર થોડા સમય માટે સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિકજામ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ઘટનાની જાણ થતાં જ નંદેશરી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધરી ટ્રાફિક વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.

વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યા અંગે અગાઉ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ એસટી નિગમને લેખિતમાં પત્ર પાઠવીને પૂરતી બસો ફાળવવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં એસટી તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે.

વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ રૂટ પર નિયમિત અને પૂરતી એસટી બસોની સુવિધા શરૂ નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી એસટી તંત્રની રહેશે. નિયમિત અભ્યાસ માટે અવરજવર કરતા વિદ્યાર્થીઓની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Most Popular

To Top