રેલવે પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આ સમાચાર દરેક પ્રવાસ કરનારાઓએ જાણવા જેવા છે કારણ કે, ટ્રેનમાં મુસાફરી જો આગામી દિવસોમાં કરવાના હોવ તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો પ્રવાસ અગવડભર્યો તો થશે જ, સાથોસાથ પેનલ્ટી પણ ભરવી પડી શકે છે. રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવેથી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન માત્ર ‘રેલ વન’ (Rail One) એપ પર બતાવવામાં આવેલી ઓરિજિનલ ડિજિટલ ટિકિટ જ માન્ય ગણવામાં આવશે. પ્રવાસીઓ દ્વારા બતાવવામાં આવતા સ્ક્રીનશોટ, ફોટો, PDF કોપી અથવા વૉટ્સએપ કે અન્ય મેસેજિંગ એપ્સ દ્વારા મોકલવામાં આવેલી ટિકિટોને મુસાફરીનો માન્ય પુરાવો ગણવામાં આવશે નહીં. તાજેતરમાં એક મુસાફરે ઓરિજિનલ ડિજિટલ ટિકિટના બદલે વોટ્સએપ સ્ક્રીનશોટ બતાવ્યો હતો, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રેલવે દ્વારા આ નવી સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ પણ પોતાના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર જણાવ્યું છે કે ‘Rail One’ એપથી બુક કરાયેલી જનરલ ટિકિટ માત્ર તે જ રજિસ્ટર્ડ મોબાઇલ ફોનમાં માન્ય રહેશે, જેમાંથી ટિકિટ બુક કરવામાં આવી હોય. તેથી મુસાફરી દરમિયાન તે જ મોબાઇલ સાથે રાખવો જરૂરી છે. આ ઉપરાંત મુસાફરોએ પોતાની સાથે સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખપત્ર પણ રાખવું ફરજિયાત રહેશે. ટિકિટ ચેકિંગ દરમિયાન ટિકિટ અને ઓળખપત્ર બંનેની ચકાસણી થઈ શકે છે.
રેલવેના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકોએ આ નિયમનો વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આજના યુવાનો માટે એપ ચલાવવી સરળ છે, પરંતુ વયોવૃદ્ધ લોકો, ઓછું ભણેલા લોકો અથવા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા મુસાફરો માટે આ નિયમ મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણા લોકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ મુસાફરનો ફોન બંધ થઈ જાય, બેટરી ખાલી થઈ જાય અથવા ઇન્ટરનેટ ન ચાલતું હોય તો તે પોતાની ટિકિટ કેવી રીતે બતાવશે? કેટલાક લોકોનું કહેવું છે કે સ્ક્રીનશોટ અથવા PDFને પણ માન્ય રાખવી જોઈએ જેથી મુસાફરોને અનાવશ્યક મુશ્કેલી ન પડે. નિષ્ણાતોનું માનવું છે કે ડિજિટલ ટિકિટમાં છેતરપિંડી રોકવા અને નકલી ટિકિટ પર નિયંત્રણ લાવવા માટે રેલવે આ પ્રકારના પગલાં લઈ રહી છે. ઓરિજિનલ એપમાં ટિકિટ બતાવવાથી ટિકિટની વાસ્તવિકતા તરત ચકાસી શકાય છે.
રેલવેનો હેતુ મુસાફરોને મુશ્કેલીમાં મૂકવાનો નહીં પરંતુ ડિજિટલ ટિકિટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, આ નિયમને લઈને લોકોમાં અનેક પ્રશ્નો અને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં રેલવે આ અંગે વધુ સ્પષ્ટતા કરે છે કે નિયમોમાં કોઈ રાહત આપે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
જો તમે ‘Rail One’ એપ દ્વારા ટિકિટ બુક કરો છો તો મુસાફરી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
- ટિકિટ બુક કરેલો મોબાઇલ ફોન સાથે રાખો.
- ‘Rail One’ એપમાં ઓરિજિનલ ટિકિટ જ બતાવો.
- સ્ક્રીનશોટ, PDF અથવા વોટ્સએપ પર આવેલી ટિકિટ પર ભરોસો ન રાખો.
- સરકાર માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખો.
- ફોનની બેટરી પૂરતી ચાર્જ રાખો જેથી ચેકિંગ સમયે મુશ્કેલી ન પડે.