Vadodara

પાણી વગર પ્રજા તરસી, કાર્યવાહી કરવા પહોંચતાં VMC ટીમનો ઘેરાવો

નવાપુરામાં મહિલાઓનો ફાટ્યો રોષ; “પહેલા પાણી આપો, પછી જોડાણો કાપવા આવજો”

વડોદરા શહેરમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વોર્ડ નં. 13ના નવાપુરા વિસ્તારમાં પાણી મુદ્દે ભારે ઘમાસાણ સર્જાયું હતું. ગોદડિયા વાસ વિસ્તારમાં પાણીના ગેરકાયદે જોડાણો કાપવા પહોંચેલી વડોદરા મહાનગરપાલિકાની ટીમ, મહિલા એન્જિનિયર હેતલ રૂપાપરા અને સ્થાનિક કાઉન્સિલર શૈલેશ ઠાકોરનો સ્થાનિક રહીશોએ ઉગ્ર ઘેરાવો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, પાલિકાની ટીમ ગેરકાયદે પાણી જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નવાપુરાના ગોદડિયા વાસ વિસ્તારમાં પહોંચી હતી. જોકે, લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરી રહેલા સ્થાનિકો, ખાસ કરીને મહિલાઓ, મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો.
રહીશોએ પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા યથાવત છે અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. આવી સ્થિતિમાં પહેલા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ જ અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે. સ્થાનિકોએ મહિલા એન્જિનિયર હેતલ રૂપાપરાને પણ આડે હાથ લેતા કહ્યું હતું કે, જ્યારે પાણીની સમસ્યા અંગે વારંવાર ફોન કરવામાં આવે છે ત્યારે કોઈ અધિકારી ફરકતો નથી, પરંતુ આજે માત્ર દેખાવ કરવા માટે આખી ટીમ અહીં પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર નવાપુરા જ નહીં પરંતુ વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે. અનેક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની નોબત આવી છે. પાણી જેવા મૂળભૂત પ્રશ્ને પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં પાણી મુદ્દે જનઆક્રોશ વધુ ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top