Gujarat

ફેક ટ્રેડિંગ એપ, નકલી બેન્ક APK અને બોગસ હોટલ બુકિંગ; અમદાવાદમાં ત્રણ મોટા સાયબર કૌભાંડો સામે આવ્યા

અમદાવાદમાં સાયબર ઠગો દિવસેને દિવસે વધુ ચાલાક અને સક્રિય બનતા જઈ રહ્યા છે. રોકાણમાં ભારે નફાની લાલચ, બેન્ક KYC અપડેટના બહાના અને ઓનલાઈન રૂમ બુકિંગ જેવી સામાન્ય લાગતી બાબતોનો ઉપયોગ કરીને ઠગોએ શહેરના ત્રણ અલગ-અલગ લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ ત્રણેય કેસમાં કુલ મળીને લગભગ એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે તમામ મામલાઓમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૌથી મોટી છેતરપિંડી શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા 73 વર્ષીય મહેન્દ્ર પટેલ સાથે થઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી નિવૃત્ત થયેલા મહેન્દ્ર પટેલે યુટ્યુબ પર રોકાણ સંબંધિત એક જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં જાણીતા ઉદ્યોગપતિઓના નામ અને વધુ નફાના દાવા કરવામાં આવ્યા હતા. જાહેરાત પર વિશ્વાસ કરીને તેમણે એક ટ્રેડિંગ એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.

ત્યારબાદ કેટલાક લોકોએ પોતાને પોર્ટફોલિયો મેનેજર તરીકે ઓળખાવી મહેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં મોટો નફો અપાવવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઠગોએ નાની રકમ પર નફો બતાવી રૂપિયા પણ પરત આપ્યા હતા. આ કારણે મહેન્દ્ર પટેલનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. આ પછી નવેમ્બર 2025થી એપ્રિલ 2026 દરમિયાન વિવિધ બેન્ક ખાતાઓમાં RTGS મારફતે લાખો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. એપ્લિકેશનમાં સતત નફો દેખાડવામાં આવતો હોવાથી તેમને લાગતું હતું કે તેમનું રોકાણ ઝડપથી વધી રહ્યું છે. જોકે જ્યારે તેમણે પોતાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ ખાતું ફ્રીઝ થઈ ગયાનું કહી કેપિટલ ગેઈન ટેક્સ અને અન્ય ચાર્જના નામે વધુ રૂપિયા માંગ્યા હતા. આમ સાત મહિનામાં કુલ 90.75 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અંતે સંપર્ક બંધ થતાં અને એપ્લિકેશનમાં ખાતું બ્લોક હોવાનું દેખાતા તેમને છેતરપિંડીનો ભાન થયું હતું.

બીજી ઘટના નિકોલ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય નિલમબહેન પટેલ સાથે બની હતી. તેઓ ઘરે સિલાઈ કામ કરીને પરિવારને સહાય કરે છે. તેમને વોટ્સએપ પર બેન્ક ઓફ ઈન્ડિયાના નામે એક મેસેજ મળ્યો હતો. તેમાં KYC અપડેટ ન કરાય તો ખાતું બંધ થઈ જશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. સાથે એક APK ફાઈલ પણ મોકલવામાં આવી હતી. શરૂઆતમાં તેમણે આ મેસેજને ગંભીરતાથી લીધો નહોતો, પરંતુ બાદમાં ખાતું બંધ થઈ જવાની ભીતિને કારણે તેમના પતિએ APK ફાઈલ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દીધી હતી. આ ફાઈલ હકીકતમાં એક ખતરનાક એપ હતી, જેના માધ્યમથી સાયબર ઠગોએ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો. ઠગોએ બેન્કિંગ માહિતી, પાસવર્ડ અને OTP મેળવી મહિલાના બેન્ક ખાતા સાથે જોડાયેલ ઈમેઈલ આઈડી પણ બદલી નાખ્યો હતો. ત્યારબાદ માત્ર પાંચ દિવસમાં જ તેમના ખાતામાંથી 7.46 લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ડેબિટ મેસેજ મળવા લાગ્યા અને નેટબેન્કિંગ બંધ થઈ ગયું ત્યારે તેમને છેતરપિંડીની જાણ થઈ હતી.

ત્રીજી ઘટના અમદાવાદના હેબતપુર વિસ્તારમાં રહેતા કાર્તિક પટેલ સાથે બની હતી. તેઓ એક બેન્કના ઓડિટ વિભાગમાં નોકરી કરે છે. પરિવાર સાથે દ્વારકા દર્શન જવાનું આયોજન હોવાથી તેમણે રહેવા માટે ઓનલાઈન રૂમ બુકિંગ શોધવાનું શરૂ કર્યું હતું. ગુગલ પર સર્ચ કરતાં તેમને કડવા પટેલ સમાજ ભવનના નામે એક વેબસાઈટ મળી હતી. વેબસાઈટ પર આપેલા નંબર પર સંપર્ક કરતાં બે દિવસના રૂમ બુકિંગ માટે QR કોડ મોકલવામાં આવ્યો હતો. કાર્તિક પટેલે 6,600 રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યારબાદ ઠગોએ પેમેન્ટમાં ટેકનિકલ ખામી હોવાનું કહી અગાઉની રકમ પરત આપવાના બહાને વધુ ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. અલગ-અલગ કારણો આપીને કુલ 19,800 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં ફોન બંધ થઈ જતાં અને વેબસાઈટની તપાસ કરતાં તે નકલી હોવાનું સામે આવ્યું હતું.

આ ત્રણેય ઘટનાઓ એક જ વાત સ્પષ્ટ કરે છે કે સાયબર ગુનેગારો હવે વધુ વ્યવસ્થિત અને આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. રોકાણમાં અસાધારણ નફાની લાલચ, KYC અપડેટના બહાના અથવા ઓનલાઈન બુકિંગ જેવી સામાન્ય બાબતોને હથિયાર બનાવી લોકોનો વિશ્વાસ જીતવામાં આવે છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતો લોકોને સલાહ આપી રહ્યા છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, APK ફાઈલ ડાઉનલોડ ન કરવી, બેન્ક સંબંધિત માહિતી કોઈને ન આપવી અને રોકાણ કરતા પહેલા કંપનીની સંપૂર્ણ તપાસ કરવી. થોડી સાવચેતી લાખો રૂપિયાના નુકસાનથી બચાવી શકે છે.

Most Popular

To Top