Vadodara

GCAS પોર્ટલમાં વિદ્યાર્થીઓ માટે એડમિશન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

અનલોક ઓપ્શન સહિત અનેક સુધારા, 28મી તારીખ પછી પણ ભરી શકાશે ફોર્મ

ફિઝિકલ માર્કશીટ વગર પણ અરજી માન્ય,કેટેગરી બદલવાની સુવિધા શરૂ

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

કોલેજ પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ એડમિશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે અને અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

જીકાસ પર વિદ્યાર્થીઓ હવે આગામી 28 તારીખ બાદ પણ ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી શકશે. રજીસ્ટ્રેશનના રાઉન્ડ 4 સુધી વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઈન અરજી કરી શકશે. જે વિદ્યાર્થીઓને હજુ સુધી ફિઝિકલ માર્કશીટ નથી મળી તેઓ પણ અરજી કરી શકશે. વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક પોર્ટલ પર મૂક્યા બાદ ડેટા આપોઆપ ઓટોપેચ થઈ જશે. ઓટોપેચ થયા બાદ માર્કશીટ અલગથી અપલોડ નહીં કરવી પડે. બર્થ પ્રૂફ તરીકે શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી સિવાય ધોરણ-10ની માર્કશીટ પણ માન્ય ગણાશે. પોર્ટલ પર વિદ્યાર્થીઓ માટે નવું અનલોક ઓપ્શન ઉમેરવામાં આવ્યું છે. આ નવનિયુક્ત ઓપ્શનથી વિદ્યાર્થીઓ હવે પોતાની કેટેગરી પણ બદલી શકશે. જનરલમાંથી રિઝર્વ અને રિઝર્વમાંથી જનરલ કેટેગરીમાં ફેરફાર કરી શકાશે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સુધારાઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક આપવાનો છે. પોર્ટલ પર થયેલા આ ફેરફારોથી હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Most Popular

To Top