
(પ્રતિનિધિ), વડોદરા. તા.25
વડોદરા :- નાગરિકોની સુખાકારી, સુરક્ષા અને સુગમ વાહન વ્યવહારને પ્રાથમિકતા આપતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 19 ના વિસ્તારમાં લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગનું આધુનિક ટેકનોલોજીની મદદથી કાયમી નિવારણ લાવવામાં આવ્યું છે.
વોર્ડ નં. 19 માં આવેલા પદમ પાર્ક સોસાયટી નજીક, નોવિનો ન્યૂ ઇરા રોડ પર રોડની સપાટી અત્યંત અસમતલ અને ઉબડ-ખાબડ બની ગઈ હતી. ગત ચોમાસા દરમિયાન આ વ્યસ્ત માર્ગ પર મોટા પ્રમાણમાં જોખમી ખાડાઓ પડી ગયા હતા. જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતનો ભય સતત રહેતો હતો.
આ સમસ્યાના કાયમી અને ટેકનિકલ ઉકેલ માટે વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ ઈજનેર ટીમ દ્વારા પરંપરાગત પદ્ધતિના બદલે આધુનિક ફુલ ડેપ્થ રિસ્ટોરેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડ પરના જેટલા ભાગમાં ખરાબ અને અસમતલ પેચો હતા, તેને માત્ર ઉપરછલ્લા રિપેર કરવાને બદલે સંપૂર્ણ ઊંડાઈ સુધી ખોદીને દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે સ્થાને અત્યંત મજબૂત પેચિંગની કામગીરી હાથ ધરીને રોડને નવજીવન આપવામાં આવ્યું છે.
આ સરાહનીય કામગીરીને પગલે હવે નોવિનો ન્યૂ ઇરા રોડની સપાટી એકદમ સમતલ અને સુદ્રઢ બની ગઈ છે. આગામી ચોમાસામાં પણ આ રોડ ટકી રહે તે રીતનું મજબૂત આયોજન કરાયું છે. આ વિસ્તારમાંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશોને હવે ખાડા મુક્ત, અવિરત અને સુરક્ષિત ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મળશે, જેથી લોકોએ પાલિકાની આ ત્વરિત કામગીરીને બિરદાવી છે.