સામાન્ય રીતે આગળના બે દાંત વચ્ચે જગ્યા હોવી એ નસીબનું ચિન્હ મનાય છે. વેલ, આવી માન્યતા કેટલાં અંશે સાચી છે તેની મને જાણ નથી પરંતુ કેટલાક લોકો માટે તે ઘણો મોટો અણગમાનો વિષય હોય છે. ડેન્ટલ તબીબોની ભાષામાં તેને ડાયસ્ટેમા તરીકે ઓળખાય છે. મોટેભાગે તે આનુવંશિક છે એટલે કે તે વડીલોમાંથી બાળકમાં આવી શકે છે. બે દાંત વચ્ચે જગ્યા હોવાનાં કારણે સ્માઈલ કરતી વખતે કંઈક અજુગતું લાગતું હોવાથી લોકોની નજર તેના પર પડે એં સ્વાભાવિક છે. આ કારણે ઘણા લોકો જાહેરમાં હસવાનું પણ ટાળતા હોય છે.
ડાયસ્ટેમાને બંધ કરવાથી આપના સ્માઈલ અને વ્યક્તિત્વમાં ધરખમ સુધારો મેળવી શકાય છે. આ માટે વિવિધ સારવારો ઉપલબ્ધ છે પરંતુ આપના માટે કઈ બેસ્ટ રહેશે તેનો આધાર આપની જરૂરિયાત, સારવાર માટે લગતો સમય તથા દર્દીની માનસિક, શારીરિક અને નાણાકીય મર્યાદાઓ પર આધારિત છે. ચાલો આવી કોસ્મેટિક સારવાર માટે ઉપલબ્ધ વિકલ્પોના ફાયદા અને નુકસાન વિષે સમજીયે: મોટેભાગે ડેન્ટિસ્ટ દ્વારા 1) ડેન્ટલ બ્રેસિસ 2) કમ્પોઝિટ વિનિયર 3) પોર્સેલીન વિનિયર જેવા વિકલ્પો આપવામાં આવે છે.
ડેન્ટલ બ્રેસિસ- આ પદ્ધતિમાં દાંતને તાર બાંધી ખસેડવામાં આવે છે. જો તમને પોતાની સ્માઈલમાં તાત્કાલિક ફેરફાર જોઈતો હોય તો આ વિકલ્પ આપ માટે નથી. કારણ કે બ્રેસિસ પદ્ધતિ વડે દાંતને ખસેડવામાં ઘણી વાર 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સારવાર ભલે સમય માંગી લે છે, તેમ છતાં, તે ખુબ જ સારો વિકલ્પ ગણી શકાય. કારણ કે આ પદ્ધતિ વડે દાંતના આકારમાં કોઈ પણ જાતનાં ફેરફાર કર્યા વગર કુદરતી રીતે દાંતની જગ્યા બદલવામાં આવે છે. આપની કોસ્મેટિક સારવાર ચાલુ છે તેવું છતું ન કરવા ઈચ્છતા લોકો માટે સીરામીકના બ્રેસિસ તથા અત્યંત આધુનિક ઇન્વિઝલાઈન (invisalign) પદ્ધતિ વડે પણ સારવાર કરી શકાય છે. આવા વિકલ્પો વર્ચ્યુઅલી ઇનવિઝિબલ (દેખાવમાં આવ્યા વગર) સારવાર કરી શકતા હોવાથી કિંમતમાં થોડા મોંઘા હોય છે.
વિનિયર: કમ્પોઝિટ મટેરીઅલ વડે બનાવાતા વિનિયરને ડાયસ્ટેમાની સારવાર માટેનો સસ્તો અને ઝડપી વિકલ્પ ગણી શકાય. કમ્પોઝિટ એક જાતની રેઝિન સિમેન્ટ છે જે દાંતનાં સડા કાઢ્યા પછી ખાડાને પુરવા માટે વપરાય છે. આવી સિમેન્ટ ખોરાક તથા ચા-કોફી જેવા પીણાનો કલર આકર્ષિ સમય જતા કદરૂપી ડાઘાવાળી દેખાવા લાગે છે. તેને દર વર્ષે કે છ મહિને પોલિશ કરાવવી પડે છે અને 4-5 વર્ષોમાં ફરીથી નવી કરાવવી પડી શકે છે.
જો તમે વારે વારે ખર્ચો કરવા માંગતા ન હોય અને વન ટાઈમ સોલ્યૂશનની શોધમાં છો તો પછી આપ માટે પોર્સેલીન વિનિયર એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. તે સિરામિક જેવા એક વિષિષ્ઠ મટેરીઅલથી બનાવામાં આવે છે જેનું આયુષ્ય 10-12 વર્ષ જેટલું ગણી શકાય. તેને આજુબાજુના કુદરતી દાંત સાથે રંગમાં મળતા આવતાં બનાવી શકાય છે અને તેની મોતી જેવી ચમક આપને અત્યંત આકર્ષિત દેખાવ આપે છે. પોર્સેલીન વિનિયરનો વિકલ્પ શરૂઆતમાં ખર્ચાળ હોવા છતાં કમ્પોઝિટ વિનિયરની સરખામણી એ લાંબા ગાળે સસ્તો અને સારો સાબિત થાય છે.
સરવાળે જોઈએ તો દરેક વિકલ્પોના ફાયદા અને નુકસાન છે. બ્રેસિસ પદ્ધતિ (ઓર્થો) માત્ર આપના દાંત વચ્ચેની જગ્યામાં ઘટાડો કરી શકે છે પરંતુ જો આપના દાંતનો આકાર બદલવાની પણ જરૂર પડે તો ઘણીવાર તેમને વિનિયર પદ્ધતિ સાથે કોમ્બિનેશનમાં પણ કરી શકાય છે. માત્ર વિનિયર પદ્ધતિ વડે પણ આપના દાંતના રંગ અથવા આકારમાં સુધારો કરી શકાય પરંતુ, તેમાં દાંતમાં કાયમી ફેરફાર (મિનિમલી ઈન્વાસિવ) કરવાની જરૂર પડી શકે છે. જો આપ દાંત વચ્ચેનાં ગેપથી શરમ અનુભવતા હોઉ તો હૂં આપને ડેન્ટિસ્ટને મળવાની ભલામણ કરીશ. આપ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે તે જાણી, તેના ફાયદા અને નુકસાન સમજ્યા પછી જ કોસ્મેટિક સારવાર કરાવવી સલાહભર્યું ગણી શકાય.
Email: drankitd@gmail.com