Business

વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ

ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ અધિકારીઓ દોડ્યા
વાઘોડિયા::
વાઘોડિયા તાલુકામાં વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ખુદ ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. આ મુદ્દે ધારાસભ્ય સમક્ષ રજૂઆત થતાં, તેમના આશ્વાસન બાદ ફલોડ ગ્રામ પંચાયત ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આજરોજ તાલુકા કક્ષાના અધિકારીઓએ ફલોડ ગામે પહોંચી ગટરલાઈન, રોડ, શેડ તથા આંગણવાડી સહિતના વિવિધ વિકાસ કામોની સ્થળ તપાસ અને માપણી કરી હતી. તપાસ દરમિયાન એસ્ટીમેન્ટ મુજબની કામગીરી સ્થળ પર જોવા ન મળતા તેમજ હલકી ગુણવત્તાનું કામ થયાનું બહાર આવ્યું હતું. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગુણવત્તાસભર કામ કરવાની ઉગ્ર માંગ ઉઠી હતી.
આંગણવાડીના રિપેરીંગના નામે માત્ર દેખાવ પૂરતું કામ કરાયું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. દિવાલ પર હાથ ફેરવતાં જ સિમેન્ટ પાવડર બની જતું હોવાના દ્રશ્યો સામે આવતા કોન્ટ્રાક્ટરની ગોબાચારી ખુલ્લી પડી હતી. વગર વર્ક ઓર્ડર કામ શરૂ કર્યાની બાબતે પંચાયતના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને સમગ્ર બાબત આવતા તમામ કામોની ચુકવણી તાત્કાલિક અટકાવવામાં આવી છે. ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરો સામે તપાસનો ધમધમાટ શરૂ કરી ગ્રામ પંચાયત પાસેથી ખુલાસો માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Most Popular

To Top