Charchapatra

ગીતા પ્રેસ’ની મહત્તા સમજવા જેવી છે

ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેના ગીતા પ્રેસને ચાલુ વર્ષ 2023માં 100 વર્ષ પૂર્ણ થયેલ છે. આ સંસ્થા એક માત્ર આપણા ભારતની જ નહીં, પરંતુ વિશ્વની અગ્રણી પ્રકાશન સંસ્થાઓમાં એક બની ચૂકેલી છે, જે દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના ગણી શકાય. ગીતા પ્રેસે સનાતન ધર્મમાં તમામ ધર્મ ગ્રંથો જેવા કે શ્રીમદ્દ ભગવદગીતા, રામાયણ, પુરાણ, ભાગવત તેમજ સંતોના મહાન ગ્રંથો બહાર પાડીને નોંધપાત્ર કાર્ય કરેલ છે. ગીતા પ્રેસના 100 વર્ષના ઈતિહાસમાં ક્યારેય વ્યાવસાયિક પ્રાધાન્ય આપ્યું નથી કે તેનો ઉદ્દેશ ક્યારેય નફો રળવાનો નથી રહ્યો.

એટલું જ નહીં, ગીતાપ્રેસે ક્યારેય કોઈનીય પાસેથી દાન પણ નથી લીધું. વળી તેનાં પ્રકાશનોમાં કોઈ જાહેરખબર કે પુસ્તક વિવેચકો પણ છપાયેલ નથી. આવા નિયમો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સંમતિથી બનાવવામાં આવેલ હતા જે આજ સુધી ગીતા પ્રેસ ટકાવી શકેલ છે. ગીતા પ્રેસના 1800 થી વધારે પ્રકાશનોમાંથી લગભગ 750 પ્રકાશનો હિન્દી અને સંસ્કૃત ભાષામાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત ગુજરાતી, મરાઠી, તેલુગુ, અસપ્રિયા, બાંગ્લા, ઓડીસા, તમિલ, કન્નડ, મલયાલમ, પંજાબી અને ઉર્દૂ સહિતની ભાષાઓમાં તેમજ અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશનો પ્રકાશિત થયાં છે.

100 વર્ષના લાંબા સમય દરમ્યાન વિક્રમ સંખ્યા ગણી શકાય એવો 72 કરોડથી વધુ પુસ્તકો ગીતા પ્રેસ પ્રકાશિત કરી ચૂકેલ છે. સોશ્યલ મીડિયા પર કેટલાંક તોફાની અને સનાતન સંસ્કૃતિ વિરોધી તત્ત્વો દ્વારા સમયાંતરે એ પ્રકારની અફવાઓ ચલાવવામાં આવેલ કે ગીતા પ્રેસ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે અને હવે બંધ થવા જઈ રહ્યું છે. જે ગીતાપ્રેસ વિરૂધ્ધનો નર્યો દુષ્પ્રચાર જ છે. ગીતાપ્રેસે જર્મનીથી 11 કરોડ રૂપિયાનું પુસ્તક બાઈન્ડિંગનું તેમજ જાપાનથી પાંચ કરોડ રૂપિયાનું ફોર કલર ઓફસેટ પ્રિન્ટીંગ મશીન ખરીદેલ છે.

જે ગીતાપ્રેસની આર્થિક સધ્ધરતા સાબિત કરે છે. ગીતા પ્રેસ દ્વારા વર્ષે લગભગ વિક્રમ એવા 60 કરોડ રૂપિયાનાં પુસ્તકોનું વેચાણ કરે છે. તેના સિવાય ચાર-પાંચ કરોડ રૂપિયાના પ્રખ્યાત ‘કલ્યાણ’ નામના અંકો વેચાય છે અને વિવિધ પુસ્તકોનાં પ્રકાશનો કરે છે. ગીતા પ્રેસ માત્ર પુસ્તક પ્રકાશન નથી કરતું, પણ નાગરિકો માટે નોંધપાત્ર વિવિધ સેવા કાર્યો પણ કરે છે. ગીતા પ્રેસ તમામ ધર્મનાં સર્જકોને પણ સ્થાન આપે છે. ‘કલ્યાણ’ માસિકના મોટા ભાગના વિશેષાંકોમાં જુદા જુદા ધર્મ, પંથ અને મતોના સર્જકોની કૃતિઓને સ્થાન આપે છે. આમ ગીતાપ્રેસ સાચા અર્થમાં સેક્યુલર પ્રેસ ગણી શકાય જેનું દેશને ગૌરવ છે.
સુરત     – પ્રવીણ રાઠોડ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top