સુરત(Surat) : સુરતના લોકો મોજીલા છે. સુરતની પ્રજા દરેક તહેવારોને મસ્તીથી ઉલ્લાસભેર ઉજવવા માટે જાણીતી છે. કેવી પણ આફત આવે સુરતીઓ હંમેશા તેનો હસતા હસતા સામનો કરે છે. વર્ષ 2006માં સુરતમાં પૂર (Flood) આવ્યું ત્યારે એવું લાગતું હતું કે આ શહેરને ફરી પાછું બેઠું થવામાં સમય લાગશે, પરંતુ જેવા તાપી (Tapi) માતાના પાણી શહેરમાંથી ઓસર્યા કે તરત જ સુરતીઓ અસ્સલ મિજાજમાં આવી ગયા હતા.
એવું જ કંઈક 2020માં આવેલી વૈશ્વિક મહામારી કોરોના (Corona) સમયે બન્યું હતું. વિશ્વ આખું કોરોનાથી ગભરાઈને ઘરમાં લપાઈને બેઠું હતું ત્યારે સુરતીઓ કોરોના નિયમોનું પાલન કરવાની સાથે ઘરમાં પરિવાર સાથે મોજ કરતા હતા. સુરતીઓના શોખના ગુણગાન અહીં એટલા માટે કરવામાં આવી રહ્યાં છે કે કોરોના જેવી મહામારીના કપરા દિવસોમાં પણ સુરતીઓએ પોતાના શોખ પુરા કરવામાં કચાશ રાખી નથી.
ખાવા પીવા ઉપરાંત સુરતીઓને હરવા ફરવાનો પણ ખૂબ શોખ છે. તેથી જ સુરતમાં વાહનોના વેચાણના આંકડા હંમેશા ઉંચા જ રહે છે. વળી, મનપસંદ વાહનો ખરીદવાથી સુરતીઓ અટકતા નથી. સુરતીઓ વાહનની નંબર પ્લેટ પર નંબર પણ પસંદગીનો જ રાખવા માટે જાણીતા છે. સુરતીઓ વાહન માટે પસંદગીના નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચતા ખચકાતા નથી અને કદાચ એટલે જ સુરતીઓએ સિલેક્ટેડ નંબર માટે પાછલા પાંચ વર્ષમાં 43 કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાંખી છે.
આંકડા અનુસાર સુરતીઓએ પાછલા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2018-19થી વર્ષ 2022-23 સુધીમાં વાહનો પર મનપંસદ નંબર ચિતરાવવા માટે રૂપિયા 43 કરોડ ખર્ચી નાંખ્યા છે. સૌથી વધુ ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં લગભગ 13 કરોડ જેટલી રકમ ખર્ચી છે. પાછલા પાંચ વર્ષમાં માત્ર લોકડાઉનના વર્ષ 2020-21માં જ ઓછા રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ તે પણ સાડા ચાર કરોડથી વધુ તો હતા જ.
કયા વર્ષમાં કેટલાં રૂપિયા ખર્ચ્યા?
- 2018-19 8,55,57,800
- 2019-20 7,03,95,000
- 2020-21 4,77,37,000
- 2021-22 9,97,34,500
- 2022-23 12,97,13,500
- કુલ 43,31,37,800