Charchapatra

161મું સાલમુબારક ‘ગુજરાતમિત્ર’

13 સપ્ટેમ્બર 160 વર્ષ પૂર્ણ કરી સુરતનું સૌથી જુનું સમાચાર પેપર 161મા વર્ષમાં પ્રવેશી રહ્યું તે માટે અભિનંદન. ‘ગુજરાતમિત્ર’ સાથે 72 વર્ષ પહેલાંની મારા જીવનની યાદ પણ તાજી થાય છે. મારા પતિની ઓફીસનું પેપર એકાદ કલાક માટે અમારે ત્યાં આવતું. પરંતુ જુનવાણી વડીલો સવારના કામના વખતે પેપર હાથમાં લેવા દેતાં નહોતાં. પણ મારી નજર તો પેપર પર જ એટલે બધાની નજર ચૂકવી પાંચેક મિનિટ પણ પેપર પર નજર ફેરવી લેતી. આ વાચનભૂખ જ અત્યારે પાછલી અવસ્થામાં મને જીવવાનું બળ પૂરું પાડે છે. છાપું એટલે ‘ગુજરાતમિત્ર’ એટલી જ ખબર હતી તેનું કારણ હવે સમજાય છે. મિત્રના સમાચાર એટલે સત્યની નજીક, અતિશયોકિતથી પર અને સચોટ એ છાપ આજપર્યંત જળવાઇ રહી છે. પહેલાંના દિવંગત પત્રકારોના તંત્રીલેખો, ગુણવંત શાહની કાર્ડિયોગ્રામ, રમણ પાઠકની રમણભ્રમણ, ભગવતીકુમારના નિર્લેપ ઉપનામની રાજકીય હાસ્ય વ્યંગ, ચંદ્રકાંત પુરોહિત અને સરોજ પાઠકની કર્ટન કોલ વગેરે કોલમો આજે પણ વાચકો ભૂલ્યા નથી. વર્ષમાં બે ચાર રજાએ પેપર બંધ હોય તે દિવસે કંઇ ખૂટતું હોય એમ લાગે છે. તહેવારોની રંગીન તસ્વીરો પેપરના શણગારમાં વૃધ્ધિ કરે છે. રોજ પ્રગટ થતી પૂર્તિ તો માહિતગાર થઇ ચાર ચાંદ લગાડે છે. રોજ છપાતાં ચર્ચાપત્રો નવોદિતોને લખવાની પ્રેરણા આપે છે. ઘણાં ચર્ચાપત્રીઓ સારા લેખકો તરીકે સ્થાન પણ પામ્યાં છે. હાલમાં રજૂ થતી ‘પેઢીનામું’ કોલમ શહેરના લગભગ 100 વર્ષ જુના વેપારી આલમનો ઇતિહાસ રજૂ કરી સીનીયર સીટીઝનની યાદો તાજી કરે છે. ‘આસપાસ ચોપાસ’માં આજુબાજુનાં ગામડાં વિષે પણ જાણવા મળે છે. સર્વાંગ સુંદર સૌનું મિત્ર ‘ગુજરાતમિત્ર’ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તેવી પ્રભુપ્રાર્થના.
સુરત              – પ્રભા પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવવા શિક્ષકના સંનિષ્ઠ પ્રયાસ જ સર્વસ્વ
શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે, એક ધ્રુવ શિક્ષક અને બીજો ધ્રુવ વિદ્યાર્થી. જયારે આ બંને ધ્રુવો સક્રિય રહે છે ત્યારે વર્ગખંડની પ્રક્રિયા અસરકારક બને છે. તેનાથી એક કદમ આગળ વધીએ તો ભૌતિક સાધનોથી સુસજ્જ વર્ગ પણ અગત્યનો ભાગ ભજવે છે. કોરોનાકાળ બાદ બાળકો ધ્યાનકેન્દ્રિત કરવામાં નબળા સાબિત થઈ રહ્યાં છે. તો વર્ગને ભૌતિક અને શૈક્ષણિક સામગ્રીથી સુસજ્જ બનાવીએ, બાળકોની સહભાગિતા વધારીએ…અને સ્માર્ટબોર્ડના ઉપયોગથી કમ્પ્યુટર યુગના બાળકોની જીજ્ઞાસાવૃત્તિને સંતોષીએ. સાથેસાથે વિદ્યાર્થીઓને વર્ગખંડોમાંથી મુકત બનાવીને પ્રવૃત્તિ તરફ લઈ જઈશું તો ચોક્કસ પરિણામ મળશે જ. સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જો શિક્ષક પારખવાનો પ્રયાસ કરે તો ચોક્કસપણે પરિણામ સુધારણા અને સર્વાંગી વિકાસ તરફ શુભ પ્રયાણ કરી શકાશે. ટૂંકમાં શિક્ષક તેના વિદ્યાર્થીમાં રહેલાં કૌશલ્યો, રસ, વલણ, વિશિષ્ટ શક્તિઓ, જ્ઞાન સમજ વગેરેને ઓળખીને તેઓને સમૃધ્ધ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે અને અધ્યયન પ્રક્રિયાને સફળ, રસપૂર્ણ અને આનંદદાયક બનાવી શકે છે.
સુરત     – પારૂલબેન દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top