Columns

શીખવા જેવી વાત

આજે એક મોટીવેશન સેમીનાર હતો.વિષય હતો જીવનમાં શીખવા જેવી વાત.સ્પીકર ઊભા થયા. તેમણે સુંદર લિનનનું કડક સફેદ શર્ટ પહેર્યું હતું. તેઓ માઈક પાસે આવ્યા. સ્પીકરના ખિસ્સામાં ઇન્ક પેન હતી અને તે કદાચ લીક થઇ હશે એટલે સફેદ રંગના શર્ટ પર ખિસ્સામાં પેન રાખીએ ત્યાં ઇન્ક પ્રસરીને નાનકડો બ્લ્યુ ડાઘ પડી ગયો હતો.સ્પીકર ઊભા થયા એટલે બધાની નજર તેમની ઉપર હતી અને તરત જ બધાની નજર સફેદ ચમકદાર શર્ટ પરના ડાઘ પર પડી. ઘણાએ વિચાર્યું, અરે સ્પીકરને ખબર નથી લાગતી કે તેમના શર્ટ પર ડાઘ પડ્યો છે.

કોઈકે વિચાર્યું આટલા મોટા સ્પીકર છે છતાં ધ્યાન નથી કે શર્ટ પર ડાઘ છે.કોઈકે વિચાર્યું સ્ટેજ પર આવવા પહેલાં તેમણે જાતને અરીસામાં જોઈ નહિ હોય.કોઈકે વિચાર્યું આવી લીક થાય તેવી પેન વાપરે છે…વગેરે વગેરે. જેટલા લોકો એટલા વિચારો અને મંતવ્યો. સ્પીકર તો રાબેતા મુજબ જ સ્ટેજ પર ચાલીને માઈક પાસે આવ્યા અને બોલવાનું શરૂ કરે તે પહેલાં જ ….આગળની હરોળનાં લોકો …સ્ટેજ પાછળ રહેલા આયોજકો તેમને કૈંક ઈશારો કરી સમજાવવા લાગ્યા કે શર્ટ પર ડાઘ છે.બીજા અમુક લોકોને રમૂજ થઇ પડી.અમુક લોકોને ચિંતા થઈ કે સ્પીકરનું ખરાબ લાગશે.

સ્પીકર માઈકમાં જ બોલ્યા, ‘શું થયું? મારામાં કૈંક તમને અજુગતું લાગે છે? શું થયું?’એક સાથે અનેક અવાજ આવ્યા, ‘સાહેબ તમારા સફેદ શર્ટ પર ઇન્કનો ડાઘ પડ્યો છે.’ સ્પીકર હસવા લાગ્યા અને બોલ્યા, ‘મને ખબર છે …તેમાં બધા આટલા ચિંતામાં શું પડી ગયા…આખું મારું શર્ટ સફેદ છે તે તમને ન દેખાયું…હું તમારી સાથે શું વાત કરીશ તેમાં તમારું ધ્યાન નથી ..તમારા બધાનું ધ્યાન ગયું કયાં આ મારા શર્ટ પરના ડાઘમાં …….આવું જ આપણે જીવનમાં કરીએ છીએ. જીવનમાં આપણને શું મળ્યું છે…આપણી પાસે કેટલું બધું છે તેની પર આપણું ધ્યાન નથી.આપણું ધ્યાન છે આપણી પાસે શું નથી.શું ખૂટે છે અને તેમ વિચારીને આપણે દુઃખી રહીએ છીએ.

આથી આપણા પોતાના જીવનની વાત અને અન્યની વાત કરીએ તો આપણે કોઇ પણ વ્યક્તિમાં શું સારું છે. કેટલા ગુણો છે તે નથી જોતાં. આપણે તે વ્યક્તિના અવગુણો પર જ ધ્યાન આપીએ છીએ.કોઇ પણ વસ્તુને જોતાં પણ આપણે તે વસ્તુને જોઇને તેના વખાણ કરતા નથી. બસ આપનું પૂરેપૂરું ધ્યાન તેમાં શું ખામી છે તે શોધવામાં જ હોય છે અને આપણે ખામીઓ પર જ ધ્યાન આપીએ છીએ તે આપણા બધાની મોટામાં મોટી ખામી છે.બસ આજે આ જ છે જીવનમાં શીખવા જેવી વાત કે શું સારું છે તે જુઓ.શું ખૂટે છે …શું ખરાબ છે …શું ખામી છે …શું ભૂલ છે તેના પર ધ્યાન ન આપો.’સ્પીકરે આગવી રીતે તેમની સચોટ વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top