Vadodara

વડોદરા : શેરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો ઊંચું મળશે તેમ કહી GSFCના ટેકનીશીયન સાથે રૂ. 37.10 લાખની ઠગાઈ



વડોદરા તારીખ 11

ઓનલાઇન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લાલચ આપીને ભેજાબાજોએ જીએસએફસીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા સિનિયર ટેક્નિશિયન પાસેથી રૂપિયા 37.10 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઓનલાઇન એપ્લિકેશનમાં પ્રોફિટ સાથે રૂપિયા 2.42 કરોડ બતાવતા હોય સારો એવો નફો છે, પરંતુ આઇપીઓમાં જે શેર એલોટ થયા છે તેના બીજા રૂપિયા ભરવા પડશે તેમ કહેતા ટેકનીશીયનને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની શંકા ગઈ હતી અને વધુ રૂપિયા આપ્યા ન હતા. આજ દિન સુધી ભરેલા રૂપિયા પરત નહીં મળતા તેઓએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા મનીશ દિનકરાય પરીખ (ઉ.વ.55) છાણી જકાતનાકા ખાતે આવેલી જીએસએફસીમાં છેલ્લા 33 વર્ષથી સીનીયર ટેક્નીશીન મીકેનીકલ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ગત 24 મીના રોજ તેમના વોટ્સએપ ઉપર સામેથી વોટ્સએપ ગ્રુપ (A-14) INDIA MARTKET MASTERSમાં તેમને કોઈએ એડ કર્યા હતા અને આ વોટ્સએપ ગ્રુપમાં તેઓ શેરમાર્કેટમાં અપર સર્કિટ અંગેની ટીપ્સ આપતા હતા. તેઓ ચારેક માસ સુધી જોતા રહ્યા હતા અને તેમાં ઘણા શેરના ભાવ વધતા હતા અને ત્યારબાદ ગ્રુપ એડમીને તેમને જણાવ્યુ હતું કે, આપણે પ્રાઈવેટ ઈકવીટી ગ્રૂપ બનાવીશું અને તેમાં દરરોજ શેર માર્કેટની ટીપ્સ આપવામાં આવશે. બાદમાં તેઓએ તેમને એક વોટ્સએપ ગ્રુપની લીંક મોકલી હતી. જે લીંક મોબાઈલ ફોનમાં ખોલતા તેમને તેમાં યુઝર આઈ.ડી અને પાસવર્ડ ક્રીએટ કરાવી અને રૂપિયા ઈન્વેસ્ટ કરશો તો ઊંચું વળતર મળશે તેમ જણાવ્યુ હતું. તેમને શેર માર્કેટ આઈપીઓ ભરવાનું તેમજ શેર માર્કેટ ટીપ્સ આપવાના બહાને સામાવાળાએ અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમા રૂપીયા ભરવા કહ્યું હતું. તેઓ પણ ઉચા વળતરની લાલચમાં આવી ગયા હતા અને તેઓના કહ્યા મુજબ અલગ અલગ બેંક ખાતામાં રૂ.37.10 લાખ જમા કર્યા હતા અને તેઓની એપ્લીકેશનમાં રૂ.2.42 લાખ પ્રોફીટ સાથે બતાવતા હતા અને આ ગ્રુપમા તેમને જણાવ્યુ હતું કે તમારે સારો એવો નફો છે, સાથે સાથે આઈપીઓમા જે શેર અલોટ થયા છે, તેના બીજા રૂપિયા જમા કરાવવા પડશે અને સામાવાળાએ રુપિયા ટ્રાન્સફર કરવા માટે બેન્ક ખાતા મોકલ્યા હતા. પરંતુ ટેકનીશીયનને પોતાની સાથે ફ્રોડ થયો હોવાની શંકા જતા વધારે રૂપિયા ભરવાનુ બંધ કર્યું હતુ. તેમના ભરેલા રૂપિયા આજ દિન સુધી પરત નહિ મળતા તેઓએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top