Business

પ્રણય ચતુષ્કોણ : ભારતે 3 – 3 પ્રેમી દાવેદારોને ખુશ રાખવાનું છે

હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને હાલના સમીકરણો ભારત માટે પેચીદા છે. વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર કે ભવિષ્યની કોઇપણ સરકાર માટે સમતુલા જાળવવાનું મુશ્કેલ છે અને હશે. અગાઉ ચીન એટલું શકિતશાળી ન હતું, જેટલું આજે છે. અગાઉ અમેરિકા આપણું એવું ખાસ મિત્ર ન હતું, જેટલું આજે છે. અગાઉ અમેરિકા પોતે જ ભારતને મિત્ર ગણતું ન હતું. પાકિસ્તાનને પંપાળતું હતું, તેથી ભારતને કોઇ ખાસ પસંદગી કરાવની રહેતી ન હતી. પાકિસ્તાન સાથેના વારંવારના યુધ્ધોને કારણે ભારત રશિયા તરફ ઢળેલું જ હતુ. અબજો રૂપિયાના શસ્ત્રો રશિયા પાસેથી ખરીદયા. ભારતની વિદેશનીતિ રશિયાને પ્રાથમિકતા આપીને ઘડાતી હતી. આજે આર્થિક બાબતે ભારત પણ સુખી છે, તેથી ઘણાને ભારત સાથે દોસ્તી કરવી છે.

પુતીનના સમયમાં રશિયા ફરીથી લડાયક બન્યું પણ રશિયા એટલું મજબૂત નથી કે અમેરિકાની અત્યાધુનિક લશ્કરી અને વિજ્ઞાન ક્ષેત્રની ટેકનોલોજીનો સામનો કરી શકે. એ સંદર્ભમાં અમેરિકા સાથેની દોસ્તી ભારતને મદદરૂપ નીવડી શકે. મનમોહન સિંહ પ્રથમ નાણાપ્રધાન બન્યા ત્યારે ભારતની અર્થવ્યવસ્થાને અકારણ બંધનોમાંથી થોડી મુકત કરી અને વડાપ્રધાન બન્યા ત્યારે વધુ મુકત કરી. પરિણામે દેશનો વિકાસ દર વધ્યો, સમૃધ્ધિ વધી. તેમાં અમેરિકા સાથેનો વેપારવણજ મહત્વનો ભાગ ભજવે છે.

અમેરિકાએ હવે પાકિસ્તાનને રોટલો ફેંકવાનું બંધ કર્યું છે, તેથી ગરીબડું બની ગયું છે પણ વળ છોડતું નથી. ત્રીજી તરફ ચીન એટલું પાવરધું બન્યું છે કે એની પોતાની ત્રીજી ધરી રચી છે પણ તેમાં માત્ર પૈસાની તાકાત જ દેખાય છે, સંબંધોની ઉષ્મા કે વફાદારી હોતા નથી. શ્રીલંકાને તેનો પરિચય થયો. ભારત માટે તકલીફ એ છે કે આ તેનો સૌથી મોટી સરહદ ધરાવતો ક્રુર પડોશી છે. ભારતની સ્થિતિ એવી છે કે ત્રણેય તાકાતો ભારતને પોતાના પલ્લામાં લેવા માગે છે અને ભારત પોતાની રીતે એક ચોથી ધાર્મિક તાકાતો સામે લડી રહ્યું છે.

આ ચારેય સ્થિતિ મુંઝવણમાં મુકનારી છે. 3 – 3 પ્રેમિકાઓ અથવા પ્રેમીઓમાંથી 2ને નારાજ કરો તો દુશ્મન બની જાય. જરૂર ત્રણેયની છે, બીજી 2ને છેહ આપી શકાય તેમ નથી. રશિયાએ પોતે આણેલી યુક્રેન – યુધ્ધરૂપી આફતમાં જગતનાં અર્થતંત્રો તેલના કારણે ડામાડોળ થઇ ગયા. બ્રિટનમાં પેટ્રોલની કિંમત લિટરના 2 પાઉન્ડ અર્થાત ભારતીય “ 200થી વધી ગઇ છે. આ સ્થિતિમાં ભારત જાગતિક આર્થિક પ્રતિબંધોનો અનાદર કરી રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને એક અણછાજતા હિંસક યુધ્ધની ફલશ્રુતિ તરીકે ભારતને સસ્તું તેલ મળી રહ્યું છે. હાલમાં રશિયાને ભારતની અને મોદી સરકારને રશિયાની ખાસ જરૂર છે.

કારણ કે યુધ્ધ અગાઉ પણ મોંઘવારીના કારણે સરકારી ટીકા ચાલુ હતી. આજની તારીખમાં તટસ્થ રીતે જોઇએ તો દુનિયાના વિકસિત અર્થતંત્રો કરતા ભારતની સ્થિતિ બહેતર છે. તેનો ઘણો યશ રશિયાને મળશે. રશિયા સાથે સારા સંબંધો રાખવાનો ફાયદો એ છે કે વારંવાર ભારતને કનડતા ચીનને રશિયા કાબુમાં રાખી શકે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરના ઘણા વિધાનોને હમણાં ચીન તરફથી આવકારવામાં આવે છે. યુરોપ – અમેરિકાના મંચો પર જયશંકર તેઓએ એશિયન રાષ્ટ્રો અને ખાસ કરીને ભારતની જે અવગણના કરી છે તેની યાદ અપાવે છે. યુરોપ – અમેરિકા પોતાનો સ્વાર્થ હોય, ત્યારે ભારતને મહત્વ આપે છે, પણ ભારતના હિતની વાતોમાં ખાસ રસ લેતા નથી એવું એમણે ઘણા સ્થળોએ પ્રતિપાદિત કર્યું છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રાસવાદ સામે સ્થિર નીતિ અપનાવી હતી અને તેનો ફાયદો ભારતને મળ્યો. ત્રાસવાદને ડામવાના વર્તમાન ભારત સરકારના નિર્ધારે તેમાં મહત્વનું કામ કર્યું છે. પરંતુ ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને અપાતા નાણાનો નળ બંધક કર્યો તેનો પણ ભારતને ખાસ્સો લાભ મળ્યો. ઓબામા બે બાજુ ઢોલકી વગાડતા હતા. જો બાઇડન હવે એ ફરી શરૂ કરવાના નથી. કારણ કે હવે અફઘાનિસ્તાનમાંથી અણધારી નિષ્ફળતા સાથે વિદાય લીધા પછી અમેરિકાને પાકિસ્તાનની જરૂર નથી.

છતાં જો બાઇડનની બોલી અને વિચારો આજે કોઇને ડરાવી શકતાં નથી. રશિયાએ યુક્રેન પર યુધ્ધ માંડયું તે અગાઉ બાઇડન વારંવાર રશિયાને ચેતવણી આપતા હતા કે આક્રમણ કર્યું તો તુરંત રશિયાને ભયંકર રીતે જવાબ આપવામાં આવશે. 4 મહિના વિતી ગયા. બહાદૂર યુક્રેનીઅનો પોતાની રીતે મરણિયા થઇને લડી રહ્યા છે. બાઇડનના શબ્દોથી રશિયા ઉશ્કેરાયું હોય તેમ પણ બને અને હવે બાઇડન મંડળે લગભગ હાથ ખંખેરી નાખ્યા છે. તો પણ હમણા QUAD દેશોની બેઠક વખતે બાઇડને ચીન માટે એવી જ ચેતવણી ઇશ્યુ કરી. તાઇવાન પર આક્રમણના તુરંત ગંભીર પરિણામો ચીને ભોગવવા પડશે એમ કહ્યું.

તાઇવાનના નેતાઓ એટલા સમજદાર જરૂર હશે કે બાઇડનને પોતાના હિતેચ્છુ માની બેસશે નહીં. યુક્રેનનો દાખલો નજર સામે છે જ. કયારેક એવું લાગે કે યુધ્ધના જે માઠાં પરિણામો રશિયાએ ભોગવવા પડયા છે અને હજી ભવિષ્યમાં ભોગવવા પડશે તે હકીકતને નજર સમક્ષ રાખી વેપારી પ્રકૃતિનું ચીન તાઇવાન પર હુમલો કરીને પોતાની વિકાસની ગાડી ખેડવી નાખશે નહીં. પરંતુ બાઇડનની ધમકીની અસરકારકતા સમજીને કદાચ ચીનને તાઇવાન પર હુમલો કરવાની ઇચ્છા થઇ પણ આવે. યુક્રેનમાં રશિયન દળો એટલા માટે હાંફી ગયા કે રશિયનોની કોઇ તૈયારીઓ ચીવટપૂર્વકની નહીં હતી.

ઉપરાંત યુક્રેનીયનોની હિંમત અને જુસ્સાને પુતીને ઓછી આંકવી. તે સામે ચીન વધુ તૈયાર હશે. વળી રશિયાની વર્તમાન ભૂલોમાંથી ચીન બોધપાઠ લેશે. ચીનમાં એક પ્રચલિત કહેવત છે કે બીજાની ભૂલોમાંથી શીખે એ સૌથી શાણો માણસ. પરંતુ ચીન વધુ શાણુ હશે તો યુક્રેન સાથેના વ્યવહારથી અમેરિકાનું મૂલ્યાંકન કરાવની ભૂલ નહીં કરે. અમેરિકાને ચીનનો સૌથી વધુ ડર છે અને ચીન સાથે ટક્કર લેવાનો ઇરાદો વ્યકત કરીને જો બાઇડને અમેરિકામાંથી રૂખસદ લઇ લીધી હતી.

અમેરિકાને લાગે છે કે અમેરિકાને યુક્રેન મોરચે ઇન્વોલ્વ કરવાની રશિયા અને ચીનની સાથે મળીને તૈયારી કરેલી એક ચાલ છે. જેથી અમેરિકા, ચીન અને રશિયા બંને સાથે ત્રીજા ઠેકાણે લડતું રહે. આ કારણથી અમેરિકા યુક્રેન મોરચે ખાસ જોડાતું નથી. આર્થિક અને શસ્ત્રોની આડકતરી મદદ આપે છે. તેનો અર્થ એ કે અમેરિકાનું જે ફોકસ ચીન પર મંડાયેલું છે, તેમાંથી અમેરિકા ચલિત થવા માંગતું નથી. આ સંજોગોમાં અમેરિકાને પણ ભારતની જરૂર છે, ચીનને પણ છે. ભારતે કુનેહ વાપરીને બધાને સારુ લગાડતા રહેવું પડે છે.

બાઇડન સાથે અમેરિકાની દોસ્તીના અને રશિયા સાથે રશિયાની દોસ્તીની વાહ વાહ કરવી પડે છે. ડિપ્લોમેટિક ભાષામાં તેને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’ અથવા ‘વ્યુહાત્મક ભાગીદારી’ કહેવાય છે પણ દુનિયાની નિગેહબાની હેઠળ 3 – 3 માશુક કે આશીક સાથે ઇલુ ઇલુ શકય રહેતું નથી. એ સમય આવે ત્યાં સુધી પણ સમતુલા જાળવવાનું કામ ખૂબ કપરૂં છે અને ભારતની દરેક સરકારોએ હવે એમ જ કરવું પડશે.

રાહુલ ગાંધીને બીજું કશું મહત્વનું કામ આવડતું નથી. એટલે ચીનની પેશકદમીને મુદ્દો બનાવે છે, પરંતુ ન કરે નારાયણ અને રાહુલની સત્તા આવશે તો સ્થિતિ બદથી બદતર થશે. એના પોતાનામાં તો એવી કોઇ કુનેહ નથી, આવડત કે ઇચ્છા પણ નથી, પરંતુ ઘણી વખત ટેકનોલોજીની સરસાઇઓ બદલાવાથી નહીં, પરંતુ નેતાઓ બદલાય ત્યારે કંઇક સારાવાના બનતા હોય છે. કોણે ધાર્યું હતું કે ગોર્બાચોવ આવશે અને માનવતાને પ્રાથમિકતા આપી સોવિયેત સંઘ વિખેરી નાખશે. ત્યાર પછીના 30 વર્ષ જગત માટે સારા જ ગયા. હોપ ફોર ધ બેસ્ટ, પ્રિપેર ફોર ધ વર્સ્ટ.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top