Columns

Writing Skills for Exam: પરીક્ષાલેખન કૌશલ્ય

મિત્રો, હાલમાં પણ પરીક્ષાઓ શાળાના ધોરણે ચાલી જ રહી છે. જેને કદાચ વિદ્યાર્થીઓ બહું મહત્ત્વ આપતા નથી પણ હવે જયારે 90-100 દિવસો બોર્ડની પરીક્ષાને રહ્યા હોય ત્યારે બીજાં ઘણાં બધાં પરિબળો સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રને લખવાની કળા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. વચ્ચેનાં બે વર્ષ તો ભણવામાં-અસાઇનમેન્ટ સબમિશનમાં કે પરીક્ષાઓ પણ ઓન લાઇન લેવાતી રહી. હાલના ડીજીટલ યુગમાં કાગળ, પેનનો વપરાશ ઓછો કરવાની ચળવળને લીધે વિદ્યાર્થીઓ પણ લખવામાં આળસ અનુભવે છે. છતાં ઓફલાઇન પરીક્ષામાં ખાસ કરીને વર્ણનાત્મક જવાબો લખવામાં મુશ્કેલી અનુભવતા હોય છે.
અર્નિસ- ધો. 10માં ભણતો વિદ્યાર્થી છે. અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ખૂબ મહેનત કરે છે. યાદ પણ રહે છે પણ પરીક્ષાની ઉત્તરવહીમાં વાકયરચનામાં is, am, are જેવા verbs લખવાનાં રહી જાય છે. જોડે વાંચેલા બધા મુદ્દાઓ પણ મુદ્દાસર લખાતા નથી. આમ ધારેલું પરિણામ મેળવી શકતો નથી. વાલીની મુંઝવણ છે કે એને writing skillsના વર્ગ કરાવીએ કે પછી આવી જશે? મિત્રો દરેક વિદ્યાર્થી ખૂબ જ મહેનતથી તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે. ઘણાં પરિબળો એવા અવરોધ ઊભા કરતા હોય છે જયારે કેટલાંક પરિબળો સહાયક બની લખવાની કળાને સહજ કરાવી દેતા હોય છે.
પરીક્ષા લેખન કૌશલ્ય એ એક એવી ટેક્નિક છે જેમાં સક્રિય વાંચનથી લઇને પરીક્ષાખંડમાં સમય વ્યવસ્થાપન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા લેખન કૌશલ્ય કેળવવું જ જોઇએ કેમ કે એના દ્વારા તેઓ પરીક્ષામાં વધુ સારાં પરિણામો મેળવી શકે.

સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ દ્વારા કરાતી સામાન્ય ભૂલો: જયારે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા કૌશલ્યનો અભાવ હોય ત્યારે તેમનું કાર્ય ઘણી બધી રીતે અસંતોષકારક હોય શકે છે જેમ કે નબળા વ્યાકરણથી વાકયરચના, અસ્પષ્ટ વાકય સંગઠન, નબળા તર્ક, અપૂરતી દલીલો જોવા મળે છે. આવા નબળા લેખનને જો કૌશલ્યપૂર્ણ બનાવવું હોય તો- પૂરતું વાંચન હોવું જરૂરી: તમારા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને દરેક ચેપ્ટર/પાઠને પૂરેપૂરો ન્યાય આપવો પડે એટલે કે નાના જવાબોના બે- ત્રણ મુદ્દાઓ તો સહેલાઇથી યાદ થઇ જાય પરંતુ જયારે પ્રશ્નનો જવાબ વિગતવાર/મુદ્દાસર લખવો જરૂરી છે ત્યારે એનું વાંચન, લેખન પ્રેક્ટિસ, યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે. જો મુદ્દાસર વાંચન કર્યું હશે, યાદ રાખવા માટે પૂરતા પ્રમાણમાં રીવીઝન કર્યું હશે તો તમારી યાદશકિતમાં પણ એ રીતે અંકિત થઇ જશે અને પરીક્ષામાં લખવામાં મુશ્કેલી ન પડે માટે વાંચતી વખતે-

પ્રશ્નનો ઉત્તર એક જ મટીરિયલ/ ચોપડી/ ગાઇડમાંથી વાંચો, જેથી એની ભાષા વાકયરચના સાથે સરળતાથી યાદ રહી જાય. ઘણી વખત બે ત્રણ નાના સવાલો ભેગા કરવાથી એક મોટો જવાબ બની જતો હોય છે. તો તેવે વખતે શું પૂછવામાં આવી શકેનો અંદાજ વાંચન વખતે/ પરીક્ષાની તૈયારી કરતી વખતે રાખવો સારો પડે છે.

પૂરતી તૈયારી સાથે જયારે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે સૌ પ્રથમ- a. પરીક્ષાના પ્રશ્નો ધ્યાનથી વાંચો: જવાબો લખવાની ઉતાવળ કરતા પહેલાં પરીક્ષાનો પ્રશ્ન તમને શું કરવાનું કહે છે તે સમજવાનું મહત્ત્વ છે. પરીક્ષાના પ્રશ્નોને બે વાર વાંચવાની ખાતરી કરો અને કોઇ પણ ક્રિયાપદને રેખાંકિત કરો જેથી તમને ખબર પડે કે તમારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે? b. જો તમે પાછલા વર્ષના પેપરનો અભ્યાસ કર્યો હશે અને લખવાની પ્રેક્ટિસ કરી હશે તો તમને પરીક્ષાપત્રના માળખાનો ખ્યાલ હશે જ અને એ રીતે તમે પૂરતી તૈયારી કરી આવ્યા હશો તો હાથમાં આવેલા પ્રશ્નપત્ર અને એની સૂચનાઓથી માહિતગાર થઇ આગળ જવામાં સરળતા અનુભવશો માટે જૂના પ્રશ્નપત્રો જયારે રીફર કરો છો ત્યારે એમાં અપાયેલ સૂચનાઓનો પણ વિગતવાર અભ્યાસ કરો.

c. પરીક્ષા દરમ્યાન સમય વ્યવસ્થાપન કરી લો. પ્રશ્નપત્ર હાથમાં આવતાં તમારી લખવાની ઝડપ જળવાઇ રહે તે માટે સમયનું આયોજન અને એ પ્રમાણે લખવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જેથી તમારા જવાબોની ગુણવત્તા જળવાઇ રહે. આ કૌશલ્ય કેળવવા માટે તમે જયારે તૈયારી કરો છો ત્યારે આની પ્રેકટીસ કરવા પર ધ્યાન આપો અને એને મક્કમતાથી વળગી રહો.
d. પ્રશ્નના જવાબોનો રફ ડ્રાફટ છેલ્લા રફ પાના પર કરી શકો. જેથી કોઇ મુદ્દો ભૂલી ન જવાય કારણ કે શરૂઆતમાં પ્રશ્ન વાંચતા બધું જ યાદ આવી જાય અને કદાચ છેલ્લે વિગતવાર ઉત્તરો લખવામાં બધા મુદ્દા યાદ ન આવે તો રફ ડ્રાફટમાં જોઇ શકાય છે જેથી તમારો જવાબ મુદ્દાસર પૂર્ણપણે લખી શકાય.

e. ઉત્તરોના રફ ડ્રાફટ: જો બધા જ વર્ગોમાં ધ્યાન આપ્યું હોય તો શિક્ષકો જયારે સમજાવે ત્યારે બોર્ડ પર લખાયેલ, દોરાયેલી આકૃતિ વડે માનસપટ પર રફ ડ્રાફટ તૈયાર થઇ શકે છે. f. પરીક્ષા લેખન કૌશલ્ય સુધારવા માટે હંમેશાં કાળજીપૂર્વક અને ચોકસાઇથી લખવાની પ્રેકટીસ કરો જેથી પરીક્ષાખંડમાં પણ ચોકસાઇથી લખાયેલ જવાબોને વાંચવાની પરીક્ષકને મજા આવે. g. જો તમે સમયનું વ્યવસ્થાપન બરાબર કર્યું હશે તો પ્રશ્નપત્ર લખાઇ ગયા પછી તમારી પાસે ફરી ઝડપથી વાંચવાનો સમય હશે જ. તો ધ્યાનથી પૂરી એકાગ્રતાથી લખેલા જવાબો વાંચી જવા, કંઇક લખવા જેવું લાગે તો એનો ઉમેરો પણ થઇ શકે છે અથવા સુધારી શકો છો. ખાસ કરીને ગણિતના પેપરમાં. h. પરીક્ષાઓ દરમ્યાન શાંત રહો. માત્ર પરીક્ષાના વિચારોથી મનને હકારાત્મક રાખો. કોઇ માનસિક સંઘર્ષને તમારા મનમાં પેસવા ન દો. જેથી તમારું ધ્યાન કેન્દ્રિત થવામાં મુશ્કેલી અનુભવે. તમારો આત્મવિશ્વાસ જળવાઇ રહે અને તમે ઉત્તમ દેખાવ કરી શકો.

Most Popular

To Top