Columns

વડોદરાની દુર્ઘટના પછી ભ્રષ્ટ સરકારી તંત્ર કોઈ બોધપાઠ ગ્રહણ કરશે ખરું?

ગુજરાતમાં સ્કૂલે જતાં બાળકોને જે રીતે સ્કૂલ બસમાં, વાનમાં અને રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે તે જોતાં દરરોજ કોઈ દુર્ઘટના નથી થતી તે જ મોટો ચમત્કાર છે. વડોદરામાં બોટ પલટી જવાની ઘટનામાં શાળાના 15 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 17 લોકોના મોત થયા છે. સાપુતારાના તળાવમાં, દ્વારિકાના દરિયામાં, અમદાવાદના રિવરફ્રન્ટમાં અને ગુજરાતમાં જ્યાં ક્યાંય પણ નૌકાવિહાર ચાલતો હોય ત્યાં બોટમાં તેની ક્ષમતા કરતાં વધુ યાત્રિકોને બેસાડવામાં આવે છે, લાઈફ જેકેટનાં કોઈ ઠેકાણાં હોતા નથી અને બોટ હાંકનારમાં પણ તાલીમનો અભાવ હોય છે.

તેમ છતાં વડોદરામાં બની તેવી દુર્ઘટના રોજ બનતી ન હોવાથી નિંભર સરકારી તંત્રની ઉંઘ ઉડતી નથી. વડોદરાના અકસ્માતે 2022માં ગુજરાતમાં મોરબી અકસ્માતની યાદો તાજી કરી છે, જ્યારે પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોનાં મોત થયાં હતાં. વડોદરામાં બોટ પલટી જવાની ઘટના પાછળ વહીવટીતંત્રની બેદરકારીને પણ જવાબદાર ગણવામાં આવી રહી છે.  આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે. વડોદરાના હરણી તળાવનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું તેનો કોન્ટ્રેક્ટ ભાજપ સરકારના માનીતા પરેશ શાહે લીધો હતો પણ તેમણે તેનું સંચાલન કરવાનો કોન્ટ્રેક્ટ ગેરકાયદે રીતે નીલેશ જૈનને આપી દીધો હતો.

નીલેશ જૈને બોટ ચલાવવાનો ઠેકો કોઈ ફૂડ સ્ટોલના માલિકને આપી દીધો હતો. ફૂડ સ્ટોલના માલિકે બોટ ચલાવવાનું કામ તેના રસોઈયાને સોંપી દીધું હતું, જેને બોટ ચલાવવાની કોઈ તાલીમ મળી નહોતી. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દૂર ઊભા રહીને તમાશો જોતા હતા તો અધિકારીઓ લાંચ લઈને આંખ આડા કાન કરતા હતા. વડોદરા બોટ અકસ્માતની તપાસમાં બહાર આવ્યું છે કે બોટની કુલ ક્ષમતા 14ની હતી પરંતુ કોન્ટ્રાક્ટરે વધુ કમાણી કરવા માટે 23 વિદ્યાર્થીઓને અને 4 શિક્ષકોને બોટમાં બેસાડ્યા હતા.

બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હોવાનું પણ બહાર આવ્યું છે. મોરબી દુર્ઘટના પછી બન્યું હતું તેમ મોટાં માથાંઓને બચાવવાનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. મોટી બોટ દુર્ઘટના બાદ વડોદરા પહોંચેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હરણી તળાવની મુલાકાત લીધી હતી. અહીં ચાલી રહેલા બચાવકાર્યની માહિતી સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે તેમણે ભીષણ રેલવે દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. શું આ દુર્ઘટનાની જવાબદારી લઈને મુખ્ય પ્રધાન પોતાના હોદ્દા પરથી રાજીનામું આપશે ખરા? આ ઘટનાની તપાસ માટે મુખ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય આદેશો આપ્યા છે.

આ પ્રકારના આદેશો દરેક દુર્ઘટના પછી આપવામાં આવતા હોય છે. મુખ્ય મંત્રીએ આ ઘટનાની તપાસ વડોદરાના જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પણ કોઈ સરકારી નોકર હોય છે. તેમનો પ્રયત્ન હંમેશા બીજા સરકારી નોકરને બચાવી લેવાનો જ હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટે 10 દિવસમાં વિગતવાર તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. જો હેવાલમાં એવું બહાર આવે કે આ દુર્ઘટના માટે ખાનગી કોન્ટ્રેક્ટર ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે, તો શું તેમને નોકરીમાંથી બરતરફ કરીને જેલમાં પૂરવામાં આવશે? મોરબીમાં બન્યું હતું તેમ મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજુ ફરાર છે, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે જે 2 લોકોની અટકાયત કરી છે તેમની પૂછપરછ ચાલી રહી છે.પોલીસે હરણી તળાવમાં લગાવેલા CCTVના ફૂટેજ કબજે કર્યા છે.

ગુજરાત સરકાર દરેક મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વડોદરામાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. PMOના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ‘’વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલા જાનહાનિથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. દરેક મૃતકના પરિવારને વડા પ્રધાનના રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.’’

આ જાહેરાત વાંચીને વિચાર આવે છે કે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી રહી છે તેનાથી જેમના દુર્ઘટનામાં મોત થયાં છે, તેઓ પાછા આવશે? તો પછી આ સહાય શું સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે અને મરણ પામેલા લોકોના સ્વજનોનાં મોંઢાં બંધ રાખવા માટે આપવામાં આવી રહી છે? જો મરનારના સ્વજનોને સહાય આપવી જ હોય તો કોન્ટ્રાક્ટર, સરકારી અધિકારીઓ અને લાગતાવળગતા પ્રધાનો પાસેથી દંડ વસૂલ કરીને તેમાંથી રોકડ સહાય આપવી જોઈએ. સરકારી કર્મચારીઓ ભૂલ કરે તેનો દંડ કરદાતાઓ પાસેથી શા માટે વસૂલ કરવો જોઈએ?

તળાવમાં સંતાનો ગુમાવનાર વાલીઓએ જવાબદાર લોકોને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. તેમની માંગણી છે કે, વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તો બીજી તરફ વડોદરા કોર્પોરેશનમાં આ દુર્ઘટનાને કારણે હલચલ મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરેશ શાહને આ કોન્ટ્રાક્ટ એક પ્રભાવશાળી નેતાની ભલામણ પર આપવામાં આવ્યો હતો. હાલમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા વડોદરા કોર્પોરેશનના તત્કાલીન કમિશનર પરેશ શાહને કોન્ટ્રાક્ટ આપવા માંગતા ન હતા, પરંતુ અંતે ભાજપના અત્યંત વગદાર નેતાના આગ્રહથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવે તેમાં પરેશ શાહને કોન્ટ્રાક્ટ અપાવનારા નેતાની પણ તપાસ કરવી જોઈએ. તે માટે જરૂર પડે તો વડોદરા કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની પણ જુબાની લેવી જોઈએ.

ગુજરાતના વડોદરા તળાવની ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની જવાબદારી પણ ઓછી નથી. સ્કૂલના સંચાલકો પહેલાં વોટર પાર્કમાં પિકનિક લઈ જવાના હતા, પરંતુ તેમણે પિકનિકનું સ્થળ બદલી નાખ્યું હતું.  હરણી તળાવમાં જ્યારે એક બોટમાં 27 બાળકોને ભરવામાં આવ્યા ત્યારે શિક્ષકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો નહોતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે શાળાએ પિકનિકને લઈને જિલ્લાના DEO સાથે કોઈ પત્રવ્યવહાર પણ કર્યો ન હતો. બોટમાં લાઈફ જેકેટ નહોતાં તો પણ શિક્ષકો બાળકોને બોટમાં બેસાડવા તૈયાર થઈ ગયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલાં બાળકોના વાલીઓનો આરોપ છે કે શાળાએ પિકનિક માટે 750 રૂપિયા પણ લીધા હતા. એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ બાળકોને બહાર લઈ જાય છે ત્યારે તેઓ પરવાનગી પત્રમાં લખે છે કે, બાળકોની સુરક્ષાની જવાબદારી વાલીઓ પર રહેશે, જ્યારે પિકનિક અને આઉટડોર એક્ટિવિટીમાં સલામતીની જવાબદારી સ્કૂલની હોવી જોઈએ.

વડોદરા અને મોરબી જેવી દુર્ઘટનાઓનો સાર એટલો જ છે કે ભારતમાં મનુષ્યની જિંદગીને બહુ સસ્તી માનવામાં આવે છે. આ કારણે જ માત્ર બોટમાં જ નહીં પણ બસમાં, ટ્રેનમાં, છકડામાં, ટેક્સીમાં, રિક્ષામાં અને ટ્રકમાં પણ લોકોને ઘેટાંબકરાંની જેમ ઠાંસીને ભરવામાં આવે છે. આવાં વાહનો ટ્રાફિક હવાલદારની નજર સામેથી પસાર થઈ જાય તો તેને દંડ કરવામાં આવતો નથી. સરકારી કર્મચારીઓ લાંચ લઈને લોકોના જીવ સાથે રમત કરે છે. માબાપો સ્કૂલ વાનમાં પૈસા બચાવવા ક્ષમતા કરતાં બધુ બાળકો ભરવાની પરવાનગી આપે છે. વડોદરાની દુર્ઘટના પરથી બોધપાઠ લઈને આ ભ્રષ્ટ સરકારી સિસ્ટમ સુધરે તેવી કોઈ આશા અત્યારે તો દેખાતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top