કીમ ( KIM) ચાર રસ્તા ખાતે પાલોદમાં ગોઝારા અકસ્માતમાં ડમ્પરચાલકે સાગમટે 15 માનવીને મોતની ચાદરમાં લપેટી દીધા બાદ જવાબદાર તંત્ર ઊંઘમાંથી ચાદર ખંખેરીને સફાળુ જાગ્યું હતું. એ બાદ કીમ ચાર રસ્તાથી લઈને કીમ-માંડવી રોડ (KIM – MANDVI ROAD) ઉપર સફેદ કલરના માર્કિંગ પટ્ટા દોરવાની શરૂઆત કરવામાં આવી છે.
પાલોદ નજીક ડમ્પરચાલકે 15 શ્રમિકોને ઊંઘમાં જ કચડી નાંખતાં મામલો ખૂબ જ ગંભીર બન્યો હતો. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. અને વડાપ્રધાન (PRIME MINISTER) અને મુખ્યમંત્રી (CHIEF MINISTER) એ મૃતકોના પરિવારોને બે-બે લાખની જાહેરાત પણ કરી હતી. અને એ બાદ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. પરંતુ આવા અકસ્માતો નિવારી શકાય એવી કાર્યવાહી થઈ શકે છે. પરંતુ તંત્રએ કડક બનવું પડે.
કીમ ચાર રસ્તા સર્કલથી લઈને કીમ-માંડવી રોડ પર નાના-મોટા ખાડાઓની ભરમાર છે. તોતિંગ વાહનો સમેત મોટા ભાગનાં ડમ્પરો કાળમુખા અને માતેલા સાંઢની જેમ દોડાદોડી કરે છે. રાત દિવસ આ રોડ પર મોટાં વાહનો અવરજવર કરે છે. છતાં પણ આજદિન સુધી તંત્રના બની બેઠેલા અધિકારીઓએ આ માર્ગ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં નહીં આપતાં અને માતેલા સાંઢની જેમ દોડતાં નાનાં-મોટાં વાહનો કે લોડિંગ ડમ્પરોને નાથવામાં નહીં આવતાં તેમજ ચાલકો પીધેલા છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં નહીં આવતાં 15 ગરીબ શ્રમજીવી ભોગ બની ગયા હતા.
આ બનાવ બાદ તંત્ર દ્વારા સફેદ કલરના માર્કિંગ પટ્ટા દોરવાની શરૂઆત કરાઈ છે.કોસંબા પોલીસ પોલીસ સહિત જવાબદાર તંત્રના અધિકારીઓએ કીમ ચાર રસ્તાથી કીમ-માંડવી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરોના કાગળિયા વ્યવસ્થિત ચેક કરી ચાલકો પણ નશામાં છે કે કેમ તે બાબતે પણ કડક ચેકિંગ હાથ ધરવું જોઈએ. માતેલા સાંઢની જેમ દોડતાં ડમ્પરો સહિત તમામ મોટાં વાહનોને ચેક કરવામાં આવે તો મોટા અકસ્મોત ટળી શકે છે.