Comments

સુપ્રીમના ચુકાદાનો ભારત અને જમ્મુ-કાશ્મીર માટે શું અર્થ છે?

સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના 2019ના નિર્ણયની માન્યતાને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક મોટું પ્રોત્સાહન છે. તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માટે પણ પ્રશંસા સમાન છે જેમણે વિશેષ દરજ્જો દૂર કરવા માટે બિલ રજૂ કર્યું હતું, વિશેષ દરજ્જાને અલગતાવાદ અને ત્રાસવાદને પ્રોત્સાહન તરીકે ગણાવવામાં આવ્યું હતું.ભાજપ ચિંતા વગર 2024માં લોકસભાની ચૂંટણીમાં લોકો પાસે જઈ શકે છે અને ચોક્કસપણે જમ્મુ અને કાશ્મીરને દેશ સાથે એકીકૃત કરવાનું શ્રેય લઈ શકે છે, આ મુદ્દો 1947થી પડતર હતો.

વિરોધ પક્ષે આત્મનિરીક્ષણ કરવું પડશે અને વિચારવું પડશે કે તેણે કલમ 370 હટાવવાનો વિરોધ શા માટે કર્યો. ભારતના ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બેંચ દ્વારા સર્વસંમતિથી આદેશ, કલમ 370ને રદબાતલ કરવાના અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં (જમ્મુ અને કાશ્મીર અને લડાખ) વિભાજીત કરવાના નિર્ણયને પડકારતી એક ડઝનથી વધુ અરજીઓ સામે આવ્યો હતો. કલમ 370 જે જમ્મુ કાશ્મીરને સ્વાયત્તતા આપે છે તેનો મુસદ્દો 1947માં શેખ અબ્દુલ્લાહ દ્વારા અને ત્યારબાદ રાજ્યના વડા પ્રધાન દ્વારા તૈયાર કરાયો હતો. તેને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરૂ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. તેને કામચલાઉ જોગવાઈ તરીકે વર્ગીકૃત કરાયો હતો અને તેને ભારતીય બંધારણમાં ઓક્ટોબર, 1949માં સામેલ કરાયો હતો.

કલમ 370ના ભાગ રૂપે 1954માં વધુ એક જોગવાઈ બંધારણમાં ઉમેરવામાં આવી હતી, કલમ 35-A જે રાજ્યના કાયમી રહેવાસીઓ માટે વિશેષ અધિકારોની ખાતરી કરવા માટે રાજ્યના ધારાસભ્યોને સત્તા આપે છે. પણ વડા પ્રધાનને બીજી ટર્મ મળ્યા બાદ ઓગસ્ટ 2019માં મોદી સરકારે તેને રદ કરી દીધી હતી.

બંધારણની કલમ 370એ ભારતીય સંઘમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો અને રાજ્યના સંદર્ભમાં કેન્દ્રની વિધાયક શક્તિઓને મર્યાદિત કરી. તેણે રાજ્ય વિધાનસભાને નાણાં, સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાયની તમામ બાબતોમાં પોતાના કાયદા બનાવવાની મંજૂરી આપી. કલમ 370ના રદ કરવાથી બિન-કાશ્મીરીઓને પ્રદેશમાં મિલકત ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી અને રાજ્ય સરકારની નોકરીઓ અને કોલેજોમાં પ્રવેશ પર સ્થાનિક નિયંત્રણ સમાપ્ત થયું હતું.

કેન્દ્રે જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં – લડાખ અને જમ્મુ અને કાશ્મીરમાં પુનઃગઠિત કર્યું. લડાખને વિધાનસભા વિના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે બનાવવામાં આવ્યું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીર એક વિધાન મંડળ ધરાવે છે. 5 ઓગસ્ટ, 2019થી જમ્મુ અને કાશ્મીરમાં કોઈ વિધાનસભાની ચૂંટણીઓ થઈ ન હોવાથી બંને કેન્દ્રશાસિત પ્રદેશોનું સંચાલન કેન્દ્ર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નરો દ્વારા કરવામાં આવે છે. 2019થી, મોદી સરકારે આ ક્ષેત્ર માટે ઉદ્યોગો, આરોગ્યસંભાળ, શિક્ષણ અને પ્રવાસન જેવાં ક્ષેત્રોમાં વધુ રોકાણોની જાહેરાત કરી છે. તેણે તાજેતરમાં ખાનગી ખાણકામ માટે કાશ્મીરના નવા મળેલા લિથિયમ રીઝર્વને સૂચિબદ્ધ કર્યા છે.

2019થી પ્રવાસન પણ વધ્યું છે અને અલગતાવાદી હિંસા ઘટી છે, સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં ભારતના જી-20ના અધ્યક્ષપદ દરમિયાન શ્રીનગરમાં પર્યટન પરની જી-20 બેઠક યોજાઈ હતી. અદાલત સમક્ષ દલીલ કરાયેલા મૂળ કાનૂની પ્રશ્નમાં આર્ટિકલ 370 નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો નાબૂદ કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. જમ્મુ અને કાશ્મીર માટે કલમ 370 નાબૂદ કરવા અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો અર્થ આવો છે:

  • – સીજેઆઈએ કહ્યું કે બંધારણની કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી અને રાષ્ટ્રપતિ પાસે તેને રદ કરવાની સત્તા છે.
  • – ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી લડાખના કેન્દ્રશાસિત પ્રદેશને અલગ કરવાનો નિર્ણય વૈધ છે, સુપ્રીમે તે નિર્ણય જાળવી રાખ્યો.
  • – અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં અલગ આંતરિક સાર્વભૌમત્વ નથી: સીજેઆઈ
  • – સીજેઆઈએ કહ્યું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થઈ શકે છે.
  • – બંધારણની કલમ 370ને રદ કરતો બંધારણીય આદેશ જારી કરવા માટે રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ વૈધ હતો.
  • – જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયું છે અને આ કલમ 1 અને 370થી સ્પષ્ટ થાય છે. સીજેઆઈએ ચુકાદો જાહેર કરતી વખતે કહ્યું હતું.
  • – સીજેઆઈએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની બંધારણ સભા ક્યારેય કાયમી સંસ્થા બનવાનો ઈરાદો નહોતો.
  • – કલમ 370, જે 5 ઓગસ્ટ, 2019ના રોજ નાબૂદ કરવામાં આવી હતી, તે અગાઉના જમ્મુ કાશ્મીર રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે વચગાળાની વ્યવસ્થા હતી: સીજેઆઈ
  • – સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની  ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ ચુકાદાએ જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ માટે ભૂતકાળને ભૂલીને સંપૂર્ણ એકીકરણ અને વિકાસને વેગ આપવા માટે કામ કરવાની નવી તક આપી છે. ભૂતકાળને વાગોળીને કોઈ ફાયદો થશે નહીં. કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે અને કોઈ પણ સરકાર માટે તેને પુનઃસ્થાપિત કરવું લગભગ અશક્ય છે. અગાઉ, કલમ 370 બદલવા-સુધારવાનો માર્ગ કલમ 370(3) ની જોગવાઈ દ્વારા હતો.

આ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા થઈ શકતો હતો અને આમ તે પ્રમાણમાં સરળ પ્રક્રિયા હતી. જો કલમ 370(3) અસ્તિત્વમાં હોત, તો કોઈ પણ ભાવિ સરકાર કલમ 370ની તે જ ભાષાને પુનઃસ્થાપિત કરી શકી હોત, જેવી તે 5 ઓગસ્ટ, 2019 પહેલાં હતી. જો કોઈ પણ ભાવિ સરકાર કલમ 370 પાછી લાવવાનો આગ્રહ રાખે છે, તો તેને કલમ 368ના માર્ગે જવાની જરૂર પડશે, જે સંસદનાં બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી માગે છે અને રાજ્ય વિધાનસભામાં 50 ટકાથી વધુની સંમતિ માગે છે. જે લગભગ અશક્ય છે! તેથી, કલમ 370 ક્યારેય પાછી ન આવી શકે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top