Gujarat Main

વડોદરાના ભાજપના મહિલા કોર્પોરેટર ‘સેવા’ના નામે ‘મેવો’ ખાઈ ગયા: બોગસ વિલ બનાવી વૃદ્ધની મિલકત પચાવી, દાગીના ચોરી લીધા

વડોદરા: વડોદરામાં (vadodara) ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) પર મિલકત પડાવી લેવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વૃદ્ધે મહિલા કોર્પોરેટર અને તેની પુત્રી પર મિલકત પડાવી લેવા અને ઘરમાંથી સોનાના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ મુક્યો છે. વૃદ્ધનો આરોપ છે કે મને અંધારામાં રાખી વિલનામું (Will) બાનાવી લીધું હતું. બીમાર વૃદ્ધની સેવાના બદલમાં કોર્પોરેટરને મિલકત આપી હોવાનો દાવો કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી પર વૃદ્ધને હોસ્પિટલનું કહી વસિયતનામામાં વારસદાર તરીકે પોતાની પુત્રીનું નામ ઉમર્યાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોરોનાકાળ દરમિયાન વૃદ્ધની સેવા માટે કોર્પોરેટર છાયા ખરાદી (Chhaya Kharadi) અને તેની પુત્રી નીતિ ખરાદી (Niti Kharadi) ઘરે આવતાં હતાં. વૃ્દ્ધે આરોપ લગાવ્યો છે કે મને હોસ્પિટલ લઈ જવાના બહાને કુબેરભવન લઈ જઈ મારી સહી કરાવીને વિલ બનાવી લીધું હતું. ત્યારે વૃદ્ધ ગોપાલ શાહે સમગ્ર બાબતે શહેર ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

શું છે સમગ્ર મામલો 
વડોદરાના સમા-સાવલી રોડ પર અજીતા સોસાયટીમાં ગોપાલ શાહ નામનો વૃદ્ધ એકલવાયુ જીવન જીવે છે. તેમણે ભાજપના કોર્પોરેટર છાયા ખરાદી પર પોતાની મિલકત પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મિલકતમાં વારસદાર તરીકે કોર્પોરેટરની પુત્રીનું નામ ઉમેરી મિલકત દીકરીના નામ પર કરાવી દીધી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે, હું અમિતનગર પાસે આવેલા મંદિરે દર્શન કરવા જતો હતો ત્યાં આ માતા છાયા ખરાદી અને દીકરી નીતિ ખરાદી મને મળ્યાં હતા. હું જ્યારે બીમાર હતો ત્યારે તેઓ મારી સેવા કરવા અને મદદે આવતા હતા. પરંતુ જ્યારે હું એપ્રિલ મહિનામાં બીમાર પડ્યો ત્યારે તેઓ મને હોસ્પિટલમાં લઇ જવાનો છે એમ કહી કુબેરભવન લઇ ગયા હતા. તેઓએ મને અંધારામાં રાખી સહીઓ કરાવીને વિલ બનાવી લીધું હતું. વિલમાં સાક્ષી તરીકે તેમની સોસાયટીમાં જ રહેતા શ્વેતા તરંગ પટેલ અને ચાવડા શરણ નીતિનભાઇને રાખવામાં આવ્યાં હતા. વધુમાં તેમણે કહ્યું કે મને જ્યારે અજુગતું લાગ્યું ત્યારે મેં મા-દીકરીને ફોન કરીને પૂછ્યું તો તેમણે મને મારુ વિલ બનાવી નાંખ્યું હોવાનું કહ્યું હતું. અને મારા મર્યા બાદ મારી મિલકત નીતિને મળશે તેવું લખ્યું હોવાનું જણાવ્યું હતું.’ 

મહિલા કોર્પોરેટરે મને વિલની કોપી આપી નથી- ફરિયાદી
વૃદ્ધે કોર્પોરેટર પર મિલકત પડાવી લેવાનો અને સોનાના દાગીના ચોરી કરી કર્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. વૃદ્ધ ગોપાલભાઈ શાહે આક્ષેપ કર્યો કે ભાજપ કોર્પોરેટર પાસે મેં વિલની કોપી માંગી હતી.પણ ત્રણ મહિના કાલાવાલા બાદ મચક ન આપતા મેં વિજય શાહનો સંપર્ક કરી હરણી પોલીસમાં અરજી આપી છે.

ગોપાલભાઈની મરજીથી જ વિલ બનાવ્યું હતું- છાયા ખરાદી
ગોપાલ શાહે હરણી પોલીસ સ્ટેશનમાં છાયા ખરાદી અને નીતિ ખરાદી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધે મિલકત પડાવી લેવાનો અને તેમના ઘરમાં સોનાના દાગીનાઓ ચોરીને હાથ સાફ કરવાનો આક્ષેપ કર્યા છે. પરંતુ છાયા ખરાદી અને નીતિ ખરાદીએ આક્ષેપો અંગે કહ્યું કે ગોપાલભાઇ બીમાર હતા ત્યારે અમે તેમના ઘરે નહીં પણ હોસ્પિટલમાં સેવા માટે જતાં હતા. તેમણે જ અમને તેમની મરજીથી વિલ માટે બોલાવ્યાં હતા. હવે કોઇના ચઢાવવાથી તેમણે આ ફરિયાદ નોંધાવી છે. અમે ચોરી નથી કરી.

Most Popular

To Top