Charchapatra

ઉપદેશ કરતાં ઉદાહરણીય આચરણ અને સંવેદનશીલ જાગૃતિ જરૂરી

લાયબ્રેરીમાં, હોસ્પિટલમાં, સાયન્સ સેન્ટરમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, ઓફિસોમાં , પ્રવચનો દરમ્યાન, મિટિંગ દરમ્યાન “ મોબાઇલ સાયલન્ટ મોડ પર રાખો , શાંતિ જાળવો ,  ઠેર ઠેર NO SMOKING , વીજળી બચાવો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવો, Silence please “ ની સૂચનાઓ આપી હોય છે છતાં મોબાઇલ રણકે, પાણી વેડફાય , કચરાના ઢગલા ખડકાતા રહે છે.શેરી કે રસ્તો સૂચવતાં બોર્ડ હોય , પણ  આવાં સૂચનો દેશનાં નાગરિકો માટે કેટલાં સૂચક ! સારી ટેવના ભાગ રૂપે સૌનાં ભલા માટે પણ શું વગર સૂચનાએ પાલન કરવું જરૂરી નથી? શિક્ષિત વ્યક્તિને શું  આ બધું જણાવવાની જરૂર છે? જો ‘ હા ‘ તો શિક્ષિત હોવું કેટલું સફળ?        

બંધારણીય હકકો માટે તત્પરતા દાખવીએ અને ફરજથી વિમુખ થઈ જઈએ એ તો યોગ્ય નથી જ નથી અને આ બધું કોના માટે? મારે શું ની માનસિકતામાંથી બહાર નીકળવું પડશે.  શું દેશના નાગરિક તરીકે આપણો ધર્મ (ફરજ) નથી? સંવેદનશીલ જાગૃતિ દર્શાવીને નિ:શંક સમાજ માટે ઘણું કરી શકાય.લખવાથી, વાંચવાથી, ભાષણોથી કંઈ નહિ થાય, સ્વને કેળવી જાતે જ કરવું પડે. દરેક જણ  સરકાર કે વહીવટી તંત્રની જવાબદારી છે એમ કહી છટકી જવાને બદલે આ બધું પોતાના સ્વભાવમાં વણી લે તો પરિણામ સારું જ આવે.હું એકલો કે એકલી જ શા માટે કરું? એ વિચાર જ નકારાત્મકતા સૂચવે છે. એક માણસ દરિયાની ભરતીમાં તણાઇને કિનારે આવતી માછલીઓને પકડી પકડી પાણીમાં નાંખતો હતો. તમાશો જોતાં એકે કહ્યું આ રીતે તું કેટલી માછલી બચાવી શકશે? તારા એકલાના પ્રયાસથી શું ફેર પડશે? પેલા માણસે એક માછલીને દરિયામાં ફેંકતાં કહ્યું, આ એકને તો ફેર પડશે ને?

આવી સમજ, સજજતા, સંવેદનશીલતા, જાગૃતિ, તત્પરતાથી સમાજમાં, દેશમાં ઘણો બદલાવ લાવી શકાય.  સુરત     – અરુણપંડ્યા                   –  લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top