Comments

દેશમાં ઊભા થયેલા પડકારોનો સામનો કરવા જેવું બજેટ જોઇએ તે આ નથી

આ બજેટમાં ઘણાં સાર્થક પગલાં ઉઠાવાયાં છે. પહેલું પગલું એ કે પાયાનાં માળખા જેમ કે શહેરોમાં મેટ્રો માટે રોકાણ વધારાયું છે. બીજું જે તે એ કે સરકારી ઉપક્રમો એર ઈન્ડિયા, શિપિંગ કોર્પોરેશન, આઈડીબીઆઈ બેન્ક, ભારત અર્થ મૂવર્સ લિમીટેડ અને બે જાહેર બેન્કોના ખાનગીકરણનું લક્ષ્ય સામે રખાયું છે. આ રીતે 1.75 કરોડ રૂપિયાની રકમ ઊભી કરવાનું આવનારા વર્ષનું લક્ષ્ય છે. ત્રીજું જે પગલું છે તેમાં પ્રાઈવેટ કંપનીઓને વીજળીના વિતરણ માટે આહ્વાન કરાયું છે, જેના કારણે વપરાશકારોને રાજ્ય વીજળી બોર્ડોની અણઆવડત અને ભ્રષ્ટાચારથી હાશકારો મળી શકે છે. પણ આ સાર્થક પગલાંઓ પછી જે મહત્ત્વની સમસ્યા યુવાનોની રોજગારી આપવા વિશે છે તેમાં બજેટ સફળ રહી શક્યું નથી.

આ રોજગાર ફક્ત યુવાનોના કાર્ય કરવાના અધિકાર મેળવવા પૂરતો જ નથી બલ્કે તેના વડે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાય જરૂરી છે. જ્યારે યુવાનોને કામ મળે છે ત્યારે તેમના હાથોમાં વાપરવાની શક્તિ આવે છે અને તે બજારમાં માંગ ઊભી કરે છે અને તે કારણે અર્થવ્યવસ્થાને ગતિ મળે છે. પણ આ બજેટમાં રોજગારી આપવાનો મુખ્ય મુદ્દો જ ગાયબ છે. એટલે જ આ બજેટ આશાઓથી ઘણું પાછળ છે. પહેલો મુદ્દો ખેતીનો છે. નાણાં મંત્રીએ એ યોગ્ય જ કર્યું છે કે 2013-14 ની તુલનામાં 2019-20 ના વર્ષમાં ખેડૂતોને અગાઉથી દોઢગણું વધુ સમર્થન મૂલ્ય અપાયું છે. પણ તેમણે એ વાતનો ઉલ્લેખ નહીં કર્યો કે આ દરમ્યાન મોંઘવારી લગભગ 31 ટકા વધી છે અને એટલે જ ખેડૂતોને સમર્થન મૂલ્ય વડે જે રકમ આપવામાં આવી છે તેને છેલ્લાં છ વર્ષની સામે માત્ર 19 ટકા જ ગણવી જોઈએ.

આટલી રકમથી ખેડૂતોની આવક ડબલ થઈ જાય એ શક્ય જ નથી. એ પણ જોવા જેવી વાત છે કે આ વધારામાં ખેડૂતોની લાગત વૃધ્ધિમાં કેટલો વધારો થયો? નાણાં મંત્રીએ એ પણ નથી જણાવ્યું કે ખેડૂતોની આવકમાં સ્પષ્ટ કહી શકાય એવો વધારો જણાતો નથી. સરકારનો ઉદ્દેશ વીત્યાં વર્ષોમાં જ ખેડૂતોની આવક ડબલ કરવાનો હતો પણ તેવું થવાને બદલે ફક્ત પાંચ ટકા વૃધ્ધિ જ શકય બની છે અને એટલે જ આ દિશામાં બીજાં નક્કર પગલાં ઉઠાવવાં જરૂરી હતાં કે જે આ બજેટમાં નથી ઉઠાવાયાં.

સમર્થન મૂલ્ય વડે આવક વધારવામાં સમસ્યા એ છે કે સમર્થિત પાકોનું ઉત્પાદન વધી જાય છે. વધારે ઉત્પાદનને ભંડારોમાં સાચવવા અને તેને વિતરિત કરવામાં સરકારને ખોટ થતી હોય છે. એટલે સમર્થન મૂલ્યના આધારે ખેડૂતોના હિત સાધવાના બદલે સરકારે વિચારવું જોઈતું હતું કે ખેત પેદાશના વૈવિધ્યીકરણ વિશે નક્કર પગલાં ઉઠાવે. જેમ કે ઊંચા મૂલ્ય આપતાં પાકો કેરી, અખરોટ, સફરજન, લાલ મરચાં, કેળાં અને દ્રાક્ષ જેવા પાકોને વૈશ્વિક ગુણવત્તાના માપદંડો આધારે ઉત્પાદન કરવા માટે રિસર્ચ અને પાયાનાં માળખાં સ્થાપવાં જરૂરી છે.

અત્યાર સુધીનો અનુભવ કહે છે કે આપણી રિસર્ચ પ્રયોગશાળાઓ આ કાર્યને સફળતા અપાવવા સક્ષમ નથી. એટલે જ સરકારે એ કરવું જરૂરી હતું કે ખાનગી એનજીઓ અથવા કંપનીઓને કામ આપતે કે જે તે જણાવેલાં ક્ષેત્રોમાં ઊંચી કિંમતના પાકો વિશે સંશોધન કરાવે અને તે ખેડૂતો સુધી પહોંચાડે અને તેઓ તેનું ઉત્પાદન કરે પછી તેના નિકાસની પણ વ્યવસ્થા કરે. આ બધાં કામો માટે મૈસૂરના ખેડૂતો માટે રેશમના ઉત્પાદન માટે સંશોધન કરાવાયું તેવું થઇ જ શકે જે ખેડૂતોના હિત માટે જરૂરી છે. પણ સરકાર આવું પગલું ઉઠાવવાનું ચૂકી ગઇ છે.

બીજી બાબત આરોગ્ય અંગેની છે. સરકારે ૩૫ હજાર કરોડ રૂપિયાના વેકિસનના નિર્માણ માટે અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા આવનારાં પાંચ વર્ષોમાં ૨.૮૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ પગલાને યોગ્ય દિશાનું કહી શકાય. પણ આપણે કોવિદનો પ્રતિકાર કરવામાં વેકિસનના ભરોસે સફળ નથી થયા. આપણે સફળ થયા છીએ તે તો આપણી જીવનશૈલી અને ગંગાજળ, હળદર, અશ્વગંધા, તુલસી, આદુ જેવી જડીબુટ્ટીઓના સેવનથી. એટલે જરૂરી હતું કે સરકાર આ જડીબુટ્ટીઓના રોગ પ્રતિકારક ગુણો વિશે રિસર્ચ કરાવી તેનું વૈશ્વિકીકરણ કરે. અનેક સંશોધકોની માન્યતા છે કે ભારતની જીવનશૈલીમાં સ્વચ્છતા ન હોવાને કારણે આપણાં શરીરમાં તમામ જીવાણુઓનું આક્રમણ પહેલેથી જ થતું આવે છે એટલે આપણા લોકોની ઇમ્યુનિટી પ્રમાણમાં વધારે છે.

આપણે એ પ્રકારે સમજી શકીએ કે આપણા દેશમાં બધા જ લોકો સ્વચ્છ પાણીના અભાવ અને પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં નબળા હોવાને કારણે શરૂથી જ જીવાણુઓના સંક્રમિત થવાથી મરતા રહીએ છીએ. વિકસિત દેશોમાં કોવિડને કારણે જે લોકો મર્યાં છે એ જ પ્રમાણ આપણે ત્યાં સામાન્ય ગંદકીના કારણે થયાં છે. એટલે સરકારે જે પાણી બાબતે જે રકમ ફાળવી છે તે એકદમ યોગ્ય દિશામાં જ છે. આપણાં લોકો આ કારણે મરતાં અટકશે. જો કે સ્થિતિની ગંભીરતા જોતાં આટલી રકમ પૂરતી નથી. સામાન્ય લોકોની ઇમ્યુનિટી વધારવા હજુ વધારે રકમ ફાળવવી જરૂરી હતી.

ત્રીજું ક્ષેત્ર શિક્ષણનું છે. આપણો દેશ ભારે સંખ્યામાં શ્રમબજારમાં પ્રવેશવાનો છે. કામ ન મળવાના સંજોગોમાં તેઓ કોઇને કોઇ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી શકે છે. એટલે તેમના માટે રોજગારી જન્માવવી જરૂરી છે. તમામ સંશોધકોનું માનવું છે કે આ મેન્યુફેકિચરીંગ ક્ષેત્રો રોજગાર ઊભાં નહીં કરી શકશે. કારણ કે આ ક્ષેત્રોમાં હવે સતત રોબોટના ઉપયોગ વધી રહ્યા છે અને તે કારણે તેઓ નવી રોજગારી ઊભી નથી જ કરવાના. આપણે આગળ વધવાનું હતું સર્વિસ સેકટરમાં. આ દિશામાં નાણાં મંત્રીએ દેશની મુખ્ય ભાષાઓના દેશના સરકારી દસ્તાવેજોનું પ્રમાણ વધારી એક સારું પગલું ભર્યું છે. પણ તેને ઘણું આગળ લઇ જવું જરૂરી છે.

સરકારે ભારતીય યુવાનોની વિદેશી ભાષાના અનુવાદની ક્ષમતા કેવી રીતે વધે તે વિચારી ટ્રેનિંગની વ્યવસ્થા કરવી જોઇએ. સર્વિસ સેકટરમાં ઓનલાઇન ટયૂશન આપવું, ઓનલાઇન મેડિકલ સગવડો ઉપલબ્ધ કરાવવા જેવી તકો છે. આ માટે યુવા પેઢીને પ્રશિક્ષિત કરવાનું પગલું આ બજેટમાં નથી લેવાયું અને એટલે જ કહેવું જોઇએ કે કોઇ વિશેષતા વિનાનું આ સામાન્ય બજેટ છે. અત્યારે દેશમાં જે પડકારો ઊભા થયા છે તેનો સામનો કરવા માટે નવી રીતો શોધવાની જરૂર હતી, જેનો આ બજેટમાં ભારે અભાવ છે. મારી ધારણા છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ સામાન્ય યા અવળી રહેશે.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top