SURAT

કામરેજમાં ખેતરમાંથી પાણીની મોટર ચોરી કરનારનું જાહેરમાં મુંડન કરાયું

સુરત: કામરેજનાં સેવણી ગામે ખેતરમાંથી (Farm) ધોળે દિવસે પાણીની મોટર (Water motor) ચોરી કરીને ભાગતા બે ચોરોને ખેડૂતોએ ખાનપુર ગામમાંથી પકડી પાડી મુંડન કરી નાખ્યું હતું. ગામના લોકોએ બંને ચોરોને લોખંડ સાથે બાંધી વાળ અને મુછ કાપી નાખી હતી. એટલું જ નહીં પણ જાહેરમાં ફટકારી કામરેજ પોલીસને (Police) હવાલે કર્યા હતા. આખી ઘટનાના વિડીયો (Video) સામે આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

  • કામરેજનાં સેવણી ગામનો બનાવ, ગામના લોકોએ બંને ચોરોને લોખંડ સાથે બાંધી વાળ અને મુછ કાપી નાખી
  • અનેક ચોરીઓનો ભેદ ઉકેલાય એવી શક્યતા
  • લોકોએ ફટકાર્યા બાદ પોલીસને સોંપ્યા, ઘટનાના વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો

પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની હતી. કામરેજના સેવણી ગામે ધોળે દિવસે બે તસ્કરોએ ખેતરમાંથી પાણીની મોટરની ચોરી કરી ભાગતા હતા. જોકે ખેડૂતનું ધ્યાન પડતા તસ્કરોનો પીછો કરી નજીકના ખાનપુર ગામે લોકોની મદદથી બંને મોટર ચોરોને પાણીની મોટર સાથે રંગેહાથે ઝડપી પાડયા હતા. રોષે ભરાયેલા લોકોએ તાલિબાની સજા રૂપે લોખંડની અંગલ સાથે બાંધી બંનેનું જાહેરમાં મુંડન કરાવી નાખ્યું હતું. મુછ પણ કઢાવી નાખી હતી. ત્યારબાદ લોકોએ બંનેને જાહેરમાં ફટકારી કામરેજ પોલીસને હવાલે કરી દીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે બન્ને ચોરો પાસેથી પાણીની મોટર મળી આવી છે બન્ને ની તપાસમાં એકનું નામ પિયુષ સોમા (રહે. સેવણી ગામ આર.કે. કોલોની તા.કામરેજ) અને બીજાનું ઉમેશ કનુભાઇ (ઉ.વ.૨૮ ૨હે. નનસાડ સરદાર આવાસ તા.કામરેજ)હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ ખેતરમાંથી પાણીની મોટર ચોરી કરવાના કેટલા ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાની અને ચોરીની મોટર ક્યાં વેંચતા હોવાની પૂછપરછ બાકી છે. હાલ બન્નેની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચીખલીમાં બુટલેગરની કારને અકસ્માત નડ્યા બાદ દારૂની લૂંટફાટ
ઘેજ : ચીખલી તાલુકાના ચિતાલી ગામે અકસ્માત બાદ કારમાંથી લોકો દારૂની લૂંટ ચલાવતા હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. ચીતાલી ગામમાં મુખ્યમાર્ગ ઉપર જોગવાડ તરફ જતી ટોયેટા ફોર્ચ્યુનર કાર જીજે-01-કેક્યૂ-9610ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી બોડવાડ તરફ જતી મારુતિ ઇકો કાર જીજે-15-સીએફ-1371 ને અડફટે લીધા બાદ આ ફોર્ચ્યુનર કાર પણ રોડની સાઈડે ઉતરી જતા ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો આ ફોર્ચ્યુનર કારમાંથી પોલીસે 84,000 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરી ચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન આ અકસ્માતવાળી ફોર્ચ્યુનર કારમાંથી લોકો દારૂની લૂંટ ચલાવતા હોવાનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો કેટલાક આખે આખુ બોક્ષ તો કેટલાક સિંગલ બોટલો લઈ જતા આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પૂરાવા માટે થોડો જથ્થો કારમાં રાખજો તેવી પણ લોકો વાત કરતા સંભળાઈ રહ્યા છે. કારમાંથી દારૂની લૂંટ ચલાવી રહેલાઓને જાણે મોજ પડી ગઈ હોય તેવો માહોલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉપરોક્ત બાબતે પોલીસ હરકતમાં આવી તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top