નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસીમાં મહિલા મંડળ ચલાવતી એક મહિલાએ પોતાના મંડળના સભ્યના પુત્રને ટેમ્પી લાવવા માટે 90 હજાર રૂપિયા હાથઉછીના આપ્યાં હતાં. જેની લેતીદેતીમાં ઝઘડો થતાં યુવકે મહિલાના ગળામાંથી સોનાનો દોરો તફડાવી ભાગી ગયો હતો. નડિયાદના ચકલાસીમાં રહેતાં શકુંતલાબેન હર્ષદભાઈ વાઘેલા દોઢેક વર્ષ અગાઉ મહિલા મંડળ ચલાવતાં હતાં. તે સમયગાળામાં શકુંતલાબેને ફાઈનાન્સમાંથી લોન લઈ 90 હજાર રૂપિયા તેમના મંડળના સભ્ય દરીયાબેન કનુભાઈના પુત્ર મહેશને ટેમ્પી લાવવા આપ્યાં હતાં. જેના થોડા સમય બાદ શકુંતલાબેને રૂપિયા પરત માંગતા મહેશે ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં, શકુંતલાબેને કોર્ટમાં કેસ મુક્યો હતો. આ કેસ દરમિયાન સમાધાન કર્યું હતું.
જે બાદ ચેક કોર્ટમાં હોવાછતાં મહેશ, તેના પિતા અને અન્ય ચારેક શખ્સો શકુંતલાબેનના ઘરે જઈ, ધાકધમકીઓ આપી ચેક પરત માંગતાં હતાં અને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતાં હતાં. ગત તા.28-3-23 ના રોજ પણ મહેશ, તેના પતિ કનુભાઈ તેમજ ભરતભાઈ, ગૌતમભાઈ સહિત કુલ છ શખ્સોએ શકુંતલાબેનના ઘરે જઈને ચેક બાબતે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં શખ્સોએ શકુંતલાબેન અને તેમના પતિ સાથે જપાજપી કરી ગળામાં પહેરેલો દોઢ તોલાનો સોનાનો દોરો ખેંચીને તોડી ભાગી ગયા હતાં. આ મામલે શકુંતલાબેનની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે મહેશભાઈ, કનુભાઈ, ભરતભાઈ, ગૌતમભાઈ તેમજ બે અજાણ્યાં શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.